દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નવી શિક્ષણ નીતિ અંતર્ગત શાળાઓની SQAAF સ્વ-મૂલ્યાંકન પ્રક્રિયા સંપન્ન
જિલ્લાની તમામ શાળાઓએ પોતાની માળખાગત સુવિધાઓ અને શિક્ષણ સેવાઓ અંગે સ્વમુલ્યાંકન કર્યું, સુધાર માટે પ્લાન બનાવશે
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP 2020) ના અસરકારક અમલીકરણના ભાગરૂપે, ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (GCERT) તથા સ્ટેટ સ્કૂલ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી (SSSA) ના આદેશ અનુસાર શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાની શાળાઓમાં હાથ ધરાયેલ SQAAF (School Quality Assessment and Assurance Framework) સ્વ-મૂલ્યાંકન સફળતાપૂર્વક પૂર્ણ કરાયું છે.
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી (DPEO) અને જિલ્લા શિક્ષણાધિકારી (DEO) ના સંયુક્ત માર્ગદર્શન હેઠળ સરકારની સુચના મુજબ ૮ સપ્ટેમ્બર ૨૦૨૬ સુધીમાં જિલ્લાની સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર શાળાઓએ ઓનલાઈન પોર્ટલ પર પોતાની વિગતો અપલોડ કરી હતી. ૬૩૮ સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ, ૪૫ ગ્રાન્ટેડ (અનુદાનિત) શાળાઓ, ૧૭૫ ખાનગી શાળાઓ એમ મળીને કુલ ૮૫૮ શાળાઓએ તેમનું સ્વમૂલ્યાંકન કર્યું. ખંભાળિયા (૨૬૨ શાળાઓ), દ્વારકા(૧૪૮ શાળાઓ), કલ્યાણપુર(૨૬૫ શાળાઓ) અને ભાણવડ(૧૫૩ શાળાઓ)એ આ રાષ્ટ્રીય કક્ષાના સ્વમૂલ્યાંકન કાર્યક્રમમાં સક્રિયપણે ભાગ લીધો હતો.
ઉલ્લેખનીય છે કે, SQAAF એ શાળાઓના સર્વગ્રાહી વિકાસ માટે તૈયાર કરાયેલું એક ખાસ શૈક્ષણિક માળખું છે. આ પ્રક્રિયા અંતર્ગત જિલ્લાની શાળાઓએ મુખ્યત્વે શાળાની ભૌતિક સુવિધાઓ અને માળખાગત વ્યવસ્થા, શૈક્ષણિક કાર્ય, અભ્યાસક્રમ અને શિક્ષણ પદ્ધતિ, માનવ સંસાધન અને શાળાનું નેતૃત્વ, વહીવટી પારદર્શિતા અને મોનિટરિંગ, સમાવેશી શિક્ષણ અને વિદ્યાર્થીઓનું કલ્યાણ જેવા વિભાગોના આધારે શાળાઓએ પોતાનું ડિજિટલ સ્વ-મૂલ્યાંકન કર્યું . આ રિપોર્ટ સબમિટ થયા બાદ હવે શાળાઓ પોતાના સ્તરે શૈક્ષણિક ગુણવત્તા સુધારવા માટેનો એક 'સેલ્ફ-ઈમ્પ્રુવમેન્ટ પ્લાન' (Self-Improvement Plan) તૈયાર કરશે. આ પ્રક્રિયા બાદ આગામી સમયમાં જિલ્લાની તમામ શાળાઓ પૈકી રેન્ડમ ૩૩ ટકા શાળાઓનું શાળાઓનું બાહ્ય મૂલ્યાંકનકાર દ્વારા બાહ્ય મૂલ્યાંકન (External Assessment) પણ હાથ ધરવામાં આવશે.
નિયત સમયમર્યાદામાં આ જટિલ ડિજિટલ પ્રક્રિયાને પૂર્ણ કરવા બદલ દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ આચાર્યો બી.આર.સી. (BRC), સી.આર.સી. (CRC) કો-ઓર્ડિનેટર્સ અને શિક્ષક સમુદાયની કામગીરીને શિક્ષણાધિકારીઓ દ્વારા બિરદાવવામાં આવી છે.
આ મૂલ્યાંકનથી જિલ્લાની શાળાઓની વાસ્તવિક શૈક્ષણિક સ્થિતિ અને ક્ષમતાઓ જાણી શકાશે, જેના આધારે ભવિષ્યમાં વિદ્યાર્થીઓ માટે વધુ સંગીન અને ગુણવત્તાસભર શિક્ષણનું વાતાવરણ ઊભું કરી શકાશે.
આગામી તા.૧૬ સપ્ટેમ્બરના રોજ બાહ્ય મૂલ્યાંકનકારોની તાલીમનું આયોજન છે. આ બાહ્ય મૂલ્યાંકનકારો દ્વારા આગામી ૨૧ સપ્ટેમ્બરથી બાહ્ય મૂલ્યાંકનકારો તેમને સોંપેલ શાળાઓમાં જઈને પુનઃ મૂલ્યાંકન કરશે, ત્યારબાદ શિક્ષણ વિભાગ દ્વારા દરેક શાળાને ગ્રેડેશન જાહેર કરવામાં આવશે.