BREAKING NEWS

ગુજરાત UCC બિલઃ મેરેજ સર્ટિફિકેટ કઢાવવા ભારે દોડધામ, પોર્ટલ પર ટ્રાફિક વધ્યો, રજિસ્ટ્રેશનમાં ચાર ગણો વધારો

  • October 04, 2026 05:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) એટલે કે સમાન નાગરિક ધારા બિલને રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ, ૧ ઓક્ટોબરના રોજ રાજ્ય સરકાર દ્વારા તેને સત્તાવાર રીતે ગેઝેટ નોટિફાય કરવામાં આવ્યો છે. આ કાયદાની જાહેરાત થતાની સાથે જ અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં લગ્ન નોંધણી પ્રમાણપત્ર (મેરેજ સર્ટિફિકેટ) મેળવવા માટે નાગરિકોમાં ભારે દોડધામ મચી ગઈ છે. ડિજિટલ પોર્ટલ પર અરજીઓમાં અસામાન્ય ઉછાળો આવવાને કારણે વિવિધ શહેરોની ઓનલાઈન સિસ્ટમ પર બેકએન્ડ લોડ ખૂબ જ વધી ગયો છે. ઓનલાઈન ટ્રાફિકના વિશ્લેષણ મુજબ, છેલ્લા ૪૮ થી ૭૨ કલાકમાં જ લગ્ન નોંધણી માટેની અરજીઓમાં ત્રણથી ચાર ગણો મોટો વધારો જોવા મળ્યો છે.

સામાન્ય દિવસોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેરેજ રજિસ્ટ્રેશન પોર્ટલ પર દૈનિક સરેરાશ ૧૫૦ થી ૨૦૦ ફોર્મ જ સબમિટ થતા હતા. જો કે, છેલ્લા એક અઠવાડિયાની અંદર આ આંકડો સીધો જ ઊંચકાયો છે અને હાલમાં રોજના અંદાજે ૭૦૦ થી ૮૦૦ અને ક્યારેક તેનાથી પણ વધુ નાગરિકો ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી રહ્યા છે. આ અરજીઓમાં અચાનક આવેલા આ ભારે ઉછાળાનું મુખ્ય કારણ યુનિફોર્મ સિવિલ કોડની કડક જોગવાઈઓ છે. નવા નિયમો અનુસાર, લગ્ન થયાના ૬૦ દિવસની અંદર તેની નોંધણી કરાવવી કાનૂની રીતે ફરજિયાત બનશે. જો નિયત સમયમર્યાદામાં નોંધણી ન કરાવવામાં આવે તો રૂપિયા ૧૦,૦00 થી લઈને રૂપિયા ૨૫,૦૦૦ સુધીના ભારે દંડની જોગવાઈ કરવામાં આવી છે. આ તમામ કાનૂની ગૂંચવણો અને આકરા દંડથી બચવા માટે હજારો જૂના પરિણીત દંપતીઓ પણ અત્યારથી જ ઓનલાઈન ફોર્મ ભરવા માટે સક્રિય થઈ ગયા છે.


સરકાર દ્વારા અગાઉ ઓગસ્ટ ૨૦૨૬થી જ લગ્ન નોંધણી પ્રક્રિયા સંપૂર્ણપણે પેપરલેસ અને ડિજિટલ કરી દેવામાં આવી છે. નાગરિકો ઘરે બેઠા જ સરળતાથી દસ્તાવેજો અપલોડ કરી શકતા હોવાથી વોર્ડ ઓફિસો પર લાંબી કતારો ઘટી છે. તેમ છતાં, દસ્તાવેજોના વેરિફિકેશન માટે મળતા અપોઈન્ટમેન્ટ સ્લોટ્સનો વેઇટિંગ પીરિયડ મોટો થઈ ગયો છે. અગાઉ જે સ્લોટ બેથી ત્રણ દિવસમાં જ મળી જતો હતો, તે મેળવવા માટે હવે નાગરિકોએ ૭ થી ૧૦ દિવસ સુધીની રાહ જોવી પડી રહી છે.


નાગરિકોમાં એ બાબતની પણ ચર્ચા ચાલી રહી છે કે યુનિફોર્મ સિવિલ કોડ સંપૂર્ણપણે અમલી બન્યા બાદ લગ્ન પ્રમાણપત્ર વગર પાસપોર્ટમાં નામ બદલવાની પ્રક્રિયા, સંયુક્ત બેંક ખાતા ખોલાવવા, વારસાઈ હક મેળવવા અને વીમા ક્લેઈમ જેવા મહત્વપૂર્ણ કાર્યો અટકી શકે છે. રાજ્ય સરકાર આગામી દિવસોમાં યુનિફોર્મ સિવિલ કોડના અમલીકરણ માટેની ચોક્કસ તારીખ અને નિયમો સત્તાવાર રીતે જાહેર કરશે, પરંતુ તે પહેલાં જ જાગૃત નાગરિકો પોતાની કાનૂની સજ્જતાના ભાગરૂપે વહેલી તકે લગ્ન નોંધણી કરાવવા માટે ઓનલાઈન પોર્ટલ પર પડાપડી કરી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application