સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 60 મો પદવીદાન સમારોહ આગામી તારીખ 25 ના ગુરુવારે યોજાનાર છે. આ પદવિદાન સમારોહમાં 56 વિદ્યાર્થીનીઓ અને 13 વિદ્યાર્થીઓ સહિત કુલ 72 ને ગોલ્ડ મેડલ આપવામાં આવશે. જુદી જુદી 16 વિદ્યાશાખાના 43,900 વિદ્યાર્થીઓને ડિગ્રી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે.
યુવક મહોત્સવ, ખેલકુદ મહોત્સવ જેવા મોટા આયોજનો પછી આગામી તારીખ 25 ના રોજ ગુરુવારે યુનિવર્સિટી માટે અત્યંત મહત્વનો ગણાતો પદવિદાન સમારોહ યોજવામાં આવશે અને તેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા શિક્ષણ વિભાગના કેબિનેટ મંત્રી પ્રદ્યુમન વાઝા ઉપસ્થિત રહેશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ સૌથી વધુ ગોલ્ડ મેડલ સુરેન્દ્રનગરની સી.યુ. શાહ મેડિકલ કોલેજની ધૃતિ અઘારાને મળવાના છે. દાતાઓ તરફથી સાત અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી છ મળીને કુલ 13 મેડલ ધ્રુતિને એનાયત કરવામાં આવશે. ગોલ્ડ મેડલ મેળવવાના મામલે બીજા સ્થાને અમરેલીની મોંઘીબા મહિલા આર્ટસ કોલેજની વિદ્યાર્થીની નિમાવત ગાયત્રી દિલીપભાઈને દાતાઓ તરફથી ત્રણ અને યુનિવર્સિટી તરફથી સાત મેડલ મળશે. રાજકોટની સરકારી મેડિકલ કોલેજના વિદ્યાર્થી પંડ્યા પાર્થ જયેશભાઈ ને ત્રણ ગોલ્ડ મેડલ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી પુરસ્કાર એનાયત કરવામાં આવશે.
પદવીદાન સમારોહ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ પર આવેલા કાનજી ભુટા બારોટ રંગમંચ ખાતે રાખવામાં આવ્યો છે. એક બાજુ સમારોહની તૈયારી ચાલે છે તો બીજી બાજુ સેનેટ હોલ રીપેરીંગના કારણે બંધ હાલતમા છે . રીપેરીંગ માટેના ટેન્ડર પણ ઇસ્યુ કરી દેવામાં આવ્યા છે.
પદવીદાન સમારોહને ધ્યાનમાં રાખીને તારીખ 25 ના ગુરુવારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યાલય અને ભવનોના કામકાજના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલી સત્તાવાર જાહેરાત મુજબ તારીખ 25 ના ગુરુવારે યુનિવર્સિટી કાર્યાલય અને ભવનો સવારે 8:00 વાગ્યાથી બપોરના 3-40 વાગ્યા સુધી કાર્યરત રહેશે.