BREAKING NEWS

જુનાગઢ, વંથલી, મેંદરડામાં બેથી સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો, 79 તાલુકામાં પાછોતરો વરસાદ

  • October 03, 2025 11:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હવામાન વિભાગ દ્વારા નૈઋત્યના ચોમાસાને વિદાય આપી દીધા બાદ પણ છેલ્લા છ દિવસથી શરૂ થયેલા વરસાદમાં ગઈકાલે પાંચમા દિવસે જૂનાગઢ, વંથલી, મેંદરડા પંથકમાં બેથી સાડા ત્રણ ઇંચ ઉપરાંત ચોટીલામાં સવા ત્રણ ઇંચ, મોરબી પંથકમાં બે ઇંચ સહિત સૌરાષ્ટ્ર કચ્છના કુલ 90 તાલુકામાંથી 79 તાલુકામાં પાછોતરા વરસાદથી ખેડૂતોમાં મિશ્ર પ્રત્યાઘાતો પડ્યા છે.


જુનાગઢ જિલ્લામાં ગઈકાલે સતત પાંચમા દિવસે પણ વરસાદ ચાલુ રહેતા ગિરનાર ઉપર ત્રણ ઇંચ ઉપરાંત જુનાગઢ શહેર અને ગ્રામ્ય કેશોદ પંથકમાં બે ઇંચ, માળીયાહાટીના, વિસાવદર, માણાવદર, ભેસાણ અને માંગરોળ પંથકમાં પોણોથી માંડીને દોઢ ઇંચ વરસાદ પડી જવા પામ્યો છે. ગિરનાર ઉપર ધોધમાર વરસાદને કારણે જૂનાગઢના કાળવોમાં પૂર આવ્યું હતું અને નરસિંહ સરોવર તેમજ વિલિંગ્ટન ડેમ ફરી ઓવરફ્લો થયા હતા.


જ્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા ખાતે 3.15 ઇંચ, સાયલા, ચુડા, વઢવાણ, મુળી, થાનગઢ, લીંબડી, લખતર પંથકમાં અડધાથી માંડીને દોઢ ઈંચ જ જ્યારે દસાડા અને ધ્રાંગધ્રામાં ઝાપટા વરસ્યા હતા.


રાજકોટ જિલ્લામાં ગોંડલમાં પોણા બે ઇંચ, લોધિકા, જામકંડોરણા, ધોરાજી, ઉપલેટા, કોટડા સાંગાણી, જેતપુર પંથકમાં અડધોથી એક ઇંચ. જ્યારે રાજકોટ શહેર અને પડધરી પંથકમાં ઝાપટા વરસ્યા હતા. કચ્છ જિલ્લામાં અંજારમાં પોણા બે ઇંચ, ગાંધીધામ, રાપર, માંડવી, ભચાઉ, મુન્દ્રા પંથકમાં એકથી સવા ઇંચ અને નખત્રાણા, લખપત, અબડાસા પંથકમાં ઝાપટાથી માંડીને પોણો ઈંચ વરસાદ પડ્યો હતો.


મોરબી બે જ જ્યારે હળવદ અને ટંકારામાં ઝાપટાથી માંડીને અડધો ઇંચ, અમરેલીના કુકાવાવ, વડીયા પંથકમાં પોણા બે ઇંચ, જાફરાબાદ, ધારી પંથકમાં અડધો ઇંચ તેમજ સાવરકુંડલા, અમરેલી, રાજુલા, ખાંભા, બગસરા પંથકમાં ઝાપટા વરસ્યા હતા.


જામનગર જિલ્લામાં જામજોધપુર, જોડિયા, ધ્રોલ, કાલાવડ, જામનગર પંથકમાં અડધોથી માંડીને એક ઇંચ વરસાદ પડ્યો છે. ભાવનગર જિલ્લામાં મહુવામાં દોઢ ઇંચ, ઘોઘા, ઉમરાળા, શિહોરમાં અડધોથી પોણો ઈંચ જ્યારે વલભીપુર, જેસર, પાલીતાણા, ગારીયાધાર, ભાવનગર શહેરમાં ઝાપટા પડયા હતા.


ગીર સોમનાથ જિલ્લામાં ગીર ગઢડા, વેરાવળ, પાટણ, સુત્રાપાડા પંથકમાં અડધોથી પોણો ઈંચ, જ્યારે તાલાલા અને કોડીનાર પંથકમાં ઝાપટા વરસ્યા હતા. પોરબંદર, રાણાવાવમાં અડધો ઇંચ અને કુતિયાણામાં ઝાપટા વરસ્યા હતા. બોટાદ શહેર, ગઢડા, રાણપુર અને બોટાદ પંથકમાં અડધોથી પોણો ઇંચ વરસાદ નોંધાયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application