સૌરાષ્ટ્રના ગોંડલ નજીક આવેલો પ્રખ્યાત ભાદર-1 ડેમ, જેની ભરાવ ક્ષમતા 34 ફૂટ છે તે ચાલુ સીઝનમાં પ્રથમ વખત ઓવરફ્લો થયો છે. રાજકોટ, જેતપુર, વીરપુર, ખોડલધામ સહિત 22 લાખથી વધુ લોકોને પીવાનું પાણી પૂરું પાડતો આ ડેમ પીવાં અને સિંચાઈના પાણી માટે અત્યંત મહત્વનો ગણાય છે. હાલમાં ડેમમાં 282 ક્યુસેક પાણીની આવક સામે તેટલી જ જાવક છે. ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલી દેવામાં આવ્યો છે.
સતત વરસતા વરસાદના કારણે ડેમ ઓવરફ્લો
આ ડેમ સૌની યોજના તેમજ સતત વરસતા વરસાદના કારણે ઓવરફ્લો થયો છે. છેલ્લા ઘણા દિવસોથી વરસાદી માહોલને કારણે ડેમમાં સતત પાણીની આવક થઈ રહી હતી. સતત વરસાદ અને યોજનાના પાણીની સાથે મળીને ડેમ સંપૂર્ણ ક્ષમતા સુધી પહોંચી ગયો છે અને હવે તેની સપાટી છલકાઈ ગઈ છે.
ખેડૂતોમાં ખુશીની લાગણી
ડેમના ઓવરફ્લો થવાના કારણે પીવાના અને ખેતી માટે પાણીનો પ્રશ્ન હલ થઈ ગયો છે. આ સમાચારથી ખેડૂતો અને શહેરી વિસ્તારોમાં રહેલા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના
પ્રશાસન દ્વારા સતર્કતા દાખવવામાં આવી છે. જેતપુર, ગોંડલ, ધોરાજી સહિતના આસપાસના ગામો અને નદીના પટ વિસ્તારમાં રહેતા લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી છે. લોકોને નદીના વહેણથી દૂર રહેવાની અપીલ પણ કરવામાં આવી છે.