BREAKING NEWS

જામનગરની સરકારી શાળાઓમાં બાળાઓની માસીક ધર્મની કીટમાં કૌંભાડ..!

  • October 06, 2025 04:39 PM 

 
જામનગર જિલ્લાની ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં બાળાઓની માસીકધર્મની કીટમાં  કથીત કૌંભાડથી શિક્ષણજગતમાં ફીટકાર સાથે ભારે ચકચાર જાગી છે. કારણ કે, કીટમાં આપેલી ૧૦ વસ્તુની છૂટક કિંમત માંડ રૂ. ૪૦૦-૫૦૦ થતી હોય ત્યારે રૂ.૧૪૦૦ના બીલથી શિક્ષણજગતમાં ભારે આશ્ર્ચર્યની સાથે અનેક સવાલ ઉઠ્યા છે. બીલમાં વસ્તુઓની અલગ-અલગ કીંમત દર્શાવામાં ન આવતા ગેરરીતિની પ્રબળ આશંકા નકારી શકાતી નથી. આટલું જ નહીં કીટના બીલની ચુકવણીનું ભારણ સ્કૂલ મેનેજમેન્ટ કમીટી પર ઝીંકવામાં આવતા પણ અનેક સવાલ ઉઠ્યા છે.


તાજેતરમાં પરખ સંસ્થા દ્વારા જાહેર થયેલા રિપોર્ટ અનુસાર ગુજરાતનું શિક્ષણ નોંધપાત્ર સ્તરે કથળ્યું છે. કારણ કે, સમગ્ર દેશમાં ગુજરાત બોટમ ટેનમાં આવ્યું છે. આ જ રીતે સમગ્ર રાજ્યમાં જામનગરનુંં શિક્ષણ દયનીય બન્યું છે. ગુજરાતનું શિક્ષણ સ્તર ગગડવા પાછળના કારણોમાં ભ્રષ્ટાચાર માટે ખરીદીઓ કરી શાળા પર થોપવાનુ મુખ્ય એક કારણ છે. ત્યારે આ હકીકતનો વધુ એક પુરાવો જામનગરમાં પ્રકાશમાં આવ્યો છે. કારણ કે, સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં  એમએચએમ (મેનસ્ટ્રુઅલ હાયજિન મેનેજમેન્ટ) કીટ આપવા માટે જૂનાગઢ જિલ્લાની એજન્સીને કામગીરી આપવામાં આવી હતી. પરંતુ આ એજન્સીએ રૂ.૧૪૦૦નું વાઉચર જેવુ કાચું બિલ કે જેમાં તારીખ કે ખરીદનારના નામનો પણ ઉલ્લેખ કર્યો નથી, જીએસટી નંબર કે જુથની અન્ય વિગત કે જેના આધારે વિશ્ર્વનીયતા પુરવાર થાય તેવી કોઈ વિગત વગરનું બિલ-વાઉચર બીઆરસી મારફત શાળાઓ સુધી પહોંચાડવામાં આવ્યુ છે.


આટલું જ નહીં  જિલ્લા પ્રોજેકટ કચેરીએ તા.૦૪.૧૦.૨૦૨૫ પત્રથી ૪૫૦ શાળાઓ પૈકી બાકી રહેલી ૨૨૨ શાળાઓમાં માસિક આરોગ્ય સ્વચ્છતા કોર્નર વિકસાવવા કીટના બિલના રૂ.૧૪૦૦ ની રકમ શાળાની એસએમસીની શાળા સંયુક્ત ગ્રાન્ટમાંથી દિવસ ત્રણમાં કરવા આદેશ કર્યો છે. પરંતુ બાળાઓની માસીકધર્મ અંગેની કીટની વસ્તુઓ, કિંમત તથા ખરીદીની પ્રક્રિયામાં અનેક બાબતો શંકા ઉપજાવે તેવી છે.


કારણ કે, કીટમાં સમાવેશ દસ વસ્તુઓનું બિલમાં અલગ અલગ વિવરણ અને દરેકના અલગ ભાવ દર્શાવવાની તસ્દી લેવાઈ નથી. સરકારી તંત્રમાં ખરીદી અને નાણાકીય ઔચિત્યના નિયમો મુજબ દરેક વસ્તુઓના ભાવ અલગ અલગ દર્શાવવા જરૂરી છે. આટલું જ નહીં કીટની વસ્તુઓ જોતાં સમગ્ર કીટની અંદાજિત છૂટક કિંમત માંડ રૂ.૪૦૦ થી ૫૦૦ પણ નહીં થતી હોય તેમ છતાં રૂ.૧૪૦૦નું બીલ બનાવવામાં આવ્યું છે.


ત્યારે આ બીલ અને વસ્તુઓ જોતાં કોઈપણ વ્યક્તિ આ કીટમાં કથીત કૌંભાડ આચરવામાં આવ્યાનુુંં સ્પષ્ટ સમજી શકે તેમ છેે.ત્યારે બેટી બચાઓ, બેટી પઢાઓના તંત્રના દાવા વચ્ચેે દીકરીઓની રજોદર્શનની કીટમાં પણ કથીત નાણાંકીય ગેરરીતિથી શિક્ષણ આલમમાં ભારે ફિટકારની લાગણી વરસી  રહી છે. ત્યારે બાળાઓની માસીકધર્મ જેવી સંવેદનશીલ બાબતે કીટમાં કથીત કૌંભાડની તપાસ કરી કસૂરવારોને દાખલારૂપ સજા કરવા શિક્ષણજગતમાં માંગણી ઉઠી છે. 


કથીત કૌંભાડના માસ્ટર માઇન્ડ કોણ, આર્થિક લાભ કોના ખિસ્સામાં તપાસનો વિષય...​​​​​​​

સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા છાશવારે રાજ્ય સ્તરેથી ખરીદી કરી ઘણી વસ્તુ સીઆરસી, બીઆરસી મારફત શાળાઓને આપવામાં આવે છે. પરંતુ તેમાં પણ કથીત નાણાંકીય ગેરરીતીની શકયતા નકારી શકાતી નથી. પરંતુ તે ખરીદી રાજ્ય સ્તરેથી સીધી થતી હોય અને એસએમસી એટલે કે શાળાની નાણાકીય જવાબદારી ન હોવાથી તે ભ્રષ્ટાચાર ઉજાગર થતો નથી. પરંતુ  મેન્સ્ટ્રુઅલ હાયજિન કીટના બિલની ચુકવણી કરવાનું ભારણ એસએમસી પર મૂકવાનું પણ અયોગ્ય હોવાનુ શિક્ષણજગતના તજજ્ઞોએ જણાવ્યું છે. શાળા સંયુક્ત ગ્રાન્ટ એસએમસીની હોય તેના વપરાશનો અને વસ્તુઓની પસંદગીનો અધિકાર એસએમસીનો છે અને તેના ઓડિટની જવાબદારી પણ એસએમસી એટલે કે શાળાની હોય છે. ત્યારે મોટાભાગની શાળાઓ શાળાની સ્થાનિક જરૂરિયાત અને શિક્ષણના હિતમાં આ ગ્રાન્ટનો અત્યંત કરકસરપૂર્વક વપરાશ કરતાં હોય છે ત્યારે આ રીતે રાજ્ય સ્તરેથી ગોઠવણ કરી શાળા દ્રારા ચૂકવણાની પધ્ધતિની આકરી ટીકા થઈ રહી છે.તદઉપરાંત કીટમાં આપવામાં આવેલી વસ્તુઓનો શાળામાં ઉપયોગ શું તે પ્રશ્ર્ન પણ પૂછાય રહ્યો છે. કારણ કે શાળામાં સરેરાશ ૫૦ થી ૧૦૦ કે તેથી વધુ  કિશોરીઓ અભ્યાસ કરી રહી હોય તેવી સ્થિતિમાં છ સેનેટરી પેડ કે એક મેનસ્ટ્રુઅલ કપ દીકરીઓના ઉપયોગ માટે કેમ આપી શકાય? આમ કિંમત અને ઉપયોગિતાની દ્રષ્ટિએ કીટમાંં કથીત કૌભાંડથી ચકચાર જાગી છે. ત્યારે આ કૌભાંડના માસ્ટર માઇન્ડ કોણ છે અને આર્થિક લાભ કોણ મેળવી રહ્યા છે તે તપાસનો વિષય બન્યો છે. 


કીટમાં આપેલી વસ્તુ, બીલ સહીતની પ્રક્રિયા શંકાના દાયરામાં

- કીટની વસ્તુઓની કીંમત કરતાં અનેકગણી રકમનું બીલ અપાયું 
- બીલમાં વસ્તુ દીઠ રકમ દર્શાવી નથી
- બીલ નાણાકીય ઔચિત્યના નિયમો સાથે સુસસંગત નથી
- શાળામાં કિશોરીની સંખ્યા અને કીટની વસ્તુઓ સુસંગત ન હોવાથી કીટથી કોઈ હેતુ સરતો નથી.
- નાણાં ચૂકવનારે ખરીદી કરવાની હોય. અહી જિલ્લા કક્ષાએથી ખરીદી કરી બીલ ચૂકવવાની જવાબદારી એસએમસી એટલે કે શાળા ઉપર થોપવામાં આવી છે. ​​​​​​​


બાળાઓને કીટમાં આ વસ્તુઓ આપવામાં આવી છે 

- કપડાના સેનેટરી પેડ નંગ-૨ 
- સંગી સેનેટરી પેડ નંગ  ૬, છાપેલ રૂ.૨૫
- બટરફ્લાય સેનેટરી પેડ નંગ-૧
- લાઈફબોય સાબુ  નંગ-૧, છાપેલ રૂ.૧૦
- સાબુદાની નંગ-૧ 
- કપડાં સુકવવાની કલીપ નંગ-૨ 
- કપડાં ધોવાનું નાનું બ્રશ નંગ-૧  
- મેનસ્ટ્રુઅલ કપ નંગ-૧
- સ્ત્રી જનાનાંગ મોડેલ નંગ-૧
- રમત રમવાની કાંકરી અને પાસો નંગ-૧ ​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application