BREAKING NEWS

ધોરાજીના ફેરણીમાં મનરેગા યોજનામાં કૌભાંડ: સરપંચ- તલાટી સામે ફરિયાદ, આ રીતે શ્રમિકોના ખાતામાંથી પૈસા ઉપાડી લીધા

  • December 18, 2025 11:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ધોરાજીના ફેરણી ગામે સરપંચ- તલાટી મંત્રી સહિતનાઓએ મળી મનરેગા યોજનામાં કૌભાંડ આચર્યા અંગે ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનમાં મદદનીશ તાલુકા વિકાસ અધિકારીએ ફરિયાદ નોંધાવવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. વર્ષ 2010 ની સાલમાં ફેરણી ગામમાં મનરેગા યોજના અંતર્ગત કરવામાં આવેલા કામોમાં શ્રમિકોના એકથી વધુ કામોમાં મસ્ટરોમાં શ્રમિકોની હાજરી પૂરી શ્રમિકોના પોસ્ટ ઓફિસના ખાતાઓમાંથી જમા થયેલ રકમ પોતાના આર્થિક ફાયદા માટે મેળવી લઈ નાણાકીય ભ્રષ્ટાચાર આચર્યા અંગે આ ફરિયાદ નોંધાવવામાં આવી છે.


જાણવા મળતી વિગતો મુજબ, ધોરાજી તાલુકા પંચાયતના મદદનીશ તાલુકા વિકાસ અધિકારી રાજેશભાઈ રવજીભાઈ કામરીયા (ઉ.વ. 55) દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે ધોરાજીના ફેરણી ગામના સરપંચ સવિતાબેન ભીખાભાઈ રાબડીયા તથા ફેરણી ગામના તલાટી મંત્રી એમ.વી વેકરીયા માસ્ટરમાં હાજરી પુરનાર રોહિત રણછોડભાઈ સરધારા અને જગદીશ બાબુભાઈ રાબડીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.


મદદનીશ તાલુકા વિકાસ અધિકારીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, વર્ષ 2010માં મનરેગા યોજના અંતર્ગત રણછોડભાઈ નારણભાઈના ખેતરથી જાદવ લીંબાના ખેતર સુધી મેટલીંગનું કામ તથા વિઠલ દેવશીવીન વાડીથી સ્મશાન સુધી મેટલીંગનું કામ તથા ગુંદાળા રોડથી વિઠ્ઠલ દેવશીના ખેતર સુધીનું કામ સંપૂર્ણ સ્વચ્છતા અભિયાન અંતર્ગતનું કામ એમ કુલ ચાર કામો માટે નાયબ કાર્યપાલક ઇજનેર કચેરી ધોરાજી તરફથી ટેકનિકલ મંજૂરી મળ્યા બાદ ફેરણી ગ્રામ પંચાયતને ઉપરોક્ત કામો કરવા માટે મંજૂરી મળી હતી. જે તે વખતે ફેરણી ગ્રામ પંચાયતના સરપંચ પદે સવિતાબેન રાબડીયા તલાટી તરીકે માવજી વેકરીયા કાર્યરત હતા જે હાલ નિવૃત્ત થયા છે.


આ ચારેય કામો તારીખ 5/3/2010 થી તારીખ 10/3/2010 સુધીના સમયગાળા દરમિયાન થયા હતા આ કામ માટે મસ્ટરમાં હાજરી પૂરનાર તરીકે જે તે વખતે ફેરણી ગામના રોહિત સરધારા અને જગદીશ રાબડીયા હતા. આ કામો અંતર્ગત ફેરણી ગામના સરપંચ દ્વારા નાણાકીય ગેરરીતિ આચરી ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાની આક્ષેપ સાથે તારીખ 4/3/2014 ના ફેરણી ગામના વજુભાઈ વીરજીભાઈ ઘાસિયા દ્વારા મુખ્યમંત્રી અને પંચાયત મંત્રી સહિતનાઓને અરજી કરવામાં આવી હતી.


આ પ્રકરણની તપાસ દરમિયાન તત્કાલીન સરપંચએ તારીખ 28/4/2023 ના રોજ પોતે કામોમાં આચરેલ નાણાકીય ગેરીતિના રૂપિયા 1.06 લાખ તત્કાલીન તલાટી મંત્રીએ તારીખ 24/4/2019 ના રોજ રૂ. 3525 એમ કુલ રૂપિયા 1.42 લાખ સરકારમાં જમા કરાવી ચૂકવી દીધા હતા.

એક જ સમય ગાળા દરમિયાન એકથી વધુ કામોમાં મજૂરોની હાજરી પૂરી શ્રમિકોના પોસ્ટ ઓફિસ ખાતાઓમાં જમા થયેલ રકમ સરપંચ સવિતાબેનએ મેળવી લઈ તલાટી મંત્રી વેકરીયા, તથા ફેરણીના મસ્ટર ક્લાર્ક રોહિત સરધારા તથા જગદીશ રાબડીયા સાથે મિલાપીપણું કરી વહીવટી તંત્રને અંધારામાં રાખી ગુનાહિત વિશ્વાસઘાત કરી નાણાકીય ગેરરીતી આચરી ભ્રષ્ટાચાર કર્યાનું ફલિત થતાં મનરેગાના કામમાં ગેરરીતી આચરનાર આ શખસો વિરુદ્ધ ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News