બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશર અને ઉત્તર અરબી સમુદ્ર ઉપર સક્રિય ટ્રફના સંયુક્ત પ્રભાવને કારણે સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ગત સપ્તાહથી શરૂ થયેલો વરસાદનો દોર વધુ વેગવાન બન્યો છે. ચોમાસું હવે અમરેલી જિલ્લા સુધી સક્રિય રીતે આગળ વધતાં આજે સવારે પૂરા થયેલા ૨૪ કલાક દરમિયાન સૌરાષ્ટ્રના ૮૦માંથી ૬૭ તાલુકામાં ઝાપટાથી માંડીને ધોધમાર વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ અમરેલી જિલ્લાના રાજુલામાં ૧૧ ઇંચ વરસાદ વરસતાં સમગ્ર પંથક જળબંબાકાર બન્યો હતો. રાજુલા, સાવરકુંડલા, જાફરાબાદ, ખંભા અને ધરી તાલુકાઓમાં શાળાઓમાં રજાઓ જાહેર કરી દેવામાં આવી છે. ધારી, ખાંભા, સાવરકુંડલા, બગસરા અને લીલીયા સહિતના વિસ્તારોમાં પણ અતિભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યાં, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા અને કેટલાક ગામોનો સંપર્ક પણ ખોરવાયો હતો.
અમરેલી જિલ્લામાં રાજુલામાં ૧૧ ઇંચ, ધારીમાં સાડા નવ, ખાંભામાં સાત, સાવરકુંડલા અને બગસરામાં પાંચ-પાંચ, લીલીયામાં સાડા ચાર તથા અમરેલી શહેરમાં બે ઇંચ વરસાદ નોંધાયો હતો. કુકાવાવમાં દોઢ ઇંચ જ્યારે લાઠી અને બાબરા પંથકમાં ઝાપટાથી દોઢ ઇંચ સુધી વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે ખાસ કરીને રાજુલા, ધારી, ખાંભા અને સાવરકુંડલા વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.
ગીર સોમનાથ જિલ્લામાં ઉનામાં સાડા ચાર ઇંચ વરસાદ પડ્યો હતો. ગીર ગઢડા, કોડીનાર અને સૂત્રાપાડામાં બે થી અઢી ઇંચ જ્યારે તાલાળા, વેરાવળ અને પાટણમાં પોણા ઇંચથી એક ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો.
ભાવનગર જિલ્લામાં જેસરમાં સાડા ત્રણ ઇંચ, મહુવા, ગારીયાધાર અને પાલીતાણા વિસ્તારમાં બે થી ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો. સિહોર, તળાજા, ભાવનગર શહેર, વલ્લભીપુર અને ઉમરાળા વિસ્તારમાં ઝાપટાથી અડધા ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો.
સુરેન્દ્રનગર જિલ્લામાં ચુડામાં સવા બે ઇંચ વરસાદ પડ્યો હતો. વઢવાણ, સુરેન્દ્રનગર, લખતર, સાયલા, લીંબડી, થાનગઢ અને ચોટીલામાં એકથી દોઢ ઇંચ જ્યારે દસાડા, મૂળી અને ધાંગધ્રા વિસ્તારમાં ઝાપટાથી પોણા ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો.
રાજકોટ શહેરમાં મોડી રાત્રે એક ઇંચ વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં કોટડા સાંગાણીમાં બે ઇંચ, ગોંડલમાં દોઢ ઇંચ તેમજ લોધિકા અને પડધરીમાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે જેતપુર, ઉપલેટા, જામકંડોરણા, ધોરાજી, વીંછિયા અને જસદણ વિસ્તારમાં ઝાપટાથી પોણા ઇંચ સુધી વરસાદ પડ્યો હતો.
જૂનાગઢ જિલ્લામાં અગાઉના ભારે વરસાદની સરખામણીએ વરસાદનું જોર ઘટ્યું હતું. વિસાવદરમાં પોણા બે ઇંચ, મેંદરડામાં એક ઇંચ જ્યારે જૂનાગઢ શહેર-ગ્રામ્ય, માણાવદર, માળીયાહાટીના, માંગરોળ, કેશોદ અને ભેંસાણ વિસ્તારમાં ઝાપટાથી પોણા ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો.
મોરબી જિલ્લામાં હળવદ, વાંકાનેર, ટંકારા અને માળીયા મિયાણા વિસ્તારમાં ઝાપટાથી દોઢ ઇંચ સુધી વરસાદ પડ્યો હતો. જામનગર જિલ્લાના કાલાવડ અને ધ્રોલમાં પોણા ઇંચથી એક ઇંચ, બોટાદ જિલ્લાના બોટાદ, બરવાળા અને રાણપુરમાં ઝાપટાથી અડધા ઇંચ સુધી, પોરબંદરના કુતિયાણામાં અડધો ઇંચ તથા દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા વિસ્તારમાં વરસાદી ઝાપટાં નોંધાયા હતા.
દરમિયાન આજે સવારે પણ સમગ્ર સૌરાષ્ટ્રમાં આકાશ વાદળછાયું રહ્યું હતું અને વાતાવરણમાં ભારે ઉકળાટ અનુભવાતો હતો. હવામાન વિભાગના સંકેતો મુજબ આગામી દિવસોમાં પણ સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા યથાવત હોવાથી લોકોની નજર હવે આગામી વરસાદી રાઉન્ડ પર મંડાયેલી છે.