ગઈકાલે આવેલા ભારે ઘટાડા બાદ આજે શેરબજારમાં મજબૂત રિકવરી જોવા મળી હતી. બપોર સુધીમાં સેન્સેક્સમાં 1076 પોઈન્ટનો ઉછાળો આવ્યો હતો, જ્યારે નિફ્ટી ૩૪૯ પોઈન્ટ અપ ગયો હતો. એક દિવસ અગાઉ, વેચવાલીને કારણે રોકાણકારોની રૂ.10 લાખ કરોડથી વધુની સંપત્તિ ધોવાઈ ગઈ હતી, પરંતુ આજે બજારનો મૂડ સકારાત્મક બન્યો હતો. આ તેજીને કારણે બીએસઈ -લિસ્ટેડ કંપનીઓના કુલ માર્કેટ કેપિટલાઇઝેશનમાં આશરે રૂ.6 લાખ કરોડનો વધારો થયો અને તે વધીને લગભગ રૂ.467 લાખ કરોડ સુધી પહોંચ્યું.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે અમેરિકા નવેમ્બરની મિડટર્મ ચૂંટણી પહેલા ઈરાન પર હુમલો કરશે નહીં અને બંને દેશો વચ્ચે રચનાત્મક વાતચીત ચાલી રહી છે. ટ્રમ્પની જાહેરાત બાદ, બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 103 ડોલર પ્રતિ બેરલથી નીચે આવી ગયા, જ્યારે ડબલ્યુટીઆઈ ક્રૂડ 90 ડોલર પ્રતિ બેરલની આસપાસ ટ્રેડ થયું. ક્રૂડ ઓઈલના ભાવમાં થયેલા ઘટાડાથી બજારની ચિંતાઓ કંઈક અંશે હળવી થઈ છે.
ગલ્ફ વિસ્તાર અને હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થતા જહાજો પરના હુમલાઓને કારણે છેલ્લા કેટલાક દિવસોથી તેલના પુરવઠા અંગેની ચિંતાઓ વધી રહી હતી. હોર્મુઝની સામુદ્રધુની વૈશ્વિક તેલ વેપાર માટે એક મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ છે, જે ઐતિહાસિક રીતે વૈશ્વિક તેલ શિપમેન્ટના લગભગ 20 ટકા હિસ્સાનું વહન કરે છે. ટ્રમ્પની તાજેતરની જાહેરાતે પુરવઠા સંબંધિત આ ચિંતાઓને દૂર કરવામાં મદદ કરી છે.
બજારની તેજીમાં આઈટી શેરોએ મહત્વની ભૂમિકા ભજવી હતી. ટીસીએસ, ઈન્ફોસીસ, એચસીએલ ટેક અને ટેક મહિન્દ્રના શેરોમાં 5 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો. એચ-1બી નોન-ઈમિગ્રન્ટ વિઝા પર 1,00,000 ડોલર ની ફી લાદવાના અમેરિકી રાષ્ટ્રપતિના પ્રયાસોને કારણે આઈટી ક્ષેત્ર અંગે ચિંતાઓ યથાવત છે. તેમ છતાં, આજે આઈટી શેરોમાં મજબૂત ખરીદી જોવા મળી હતી.