યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇરાન વચ્ચે બે અઠવાડિયાના યુદ્ધવિરામ કરારના સમાચારથી વૈશ્વિક બજારો તેમજ દલાલ સ્ટ્રીટ પર ભારે ઉત્સાહ જોવા મળ્યો. આ સકારાત્મક સમાચારની અસર સવારે બજારો ખુલતાની સાથે જ સ્પષ્ટ દેખાઈ, જેમાં ભારતીય શેરબજારમાં વ્યાપક ખરીદી જોવા મળી. અઠવાડિયાથી દબાણ હેઠળ રહેલા બજારે અચાનક ગતિ પકડી હતી. સેન્સેક્સ લગભગ ૨૮૪૦ પોઈન્ટના જંગી ઉછાળા સાથે 77,456ના સ્તરે ટ્રેડ થયો જયારે, નિફ્ટી પણ ૮૩૮ પોઈન્ટ ઉછળ્યો અને 23,961ના સ્તરે ટ્રેડ થયો હતો. વૈશ્વિક તણાવ ઓછો થવાના સંકેતો દેખાતા, રોકાણકારોનો વિશ્વાસ પાછો ફર્યો, જેના કારણે ખરીદીની ગતિવિધિઓ જોરશોરથી શરૂ થઈ જેણે દલાલ સ્ટ્રીટમાં વાતાવરણને સંપૂર્ણપણે બદલી નાખ્યું.
સોના- ચાંદીના ભાવમાં તોતિંગ ઉછાળો
અમેરિકા અને ઈરાન વચ્ચે બે સપ્તાહના સીઝફાયરના સમાચારની અસર હવે એમસીએક્સ પર સ્પષ્ટપણે જોવા મળી. બજાર ખુલતાની સાથે જ ચાંદીના ભાવમાં આજે તોતિંગ ઉછાળો નોંધાયો. બજાર ખુલતા જ રૂ. 13,૪૨૨ના વધારા સાથે રૂ. 2,44,770ના સ્તર પર ટ્રેડ થઈ હતી. સોનાના ભાવમાં પણ નોંધપાત્ર તેજી જોવા મળી. સોનાનો ભાવ રૂ. ૩,૬૫૫ વધીને 1,53,944ના સ્તરે પહોંચ્યું હતું.
ક્રૂડ ઓઇલમાં 17 ટકાનો મોટો ઘટાડો: ભાવ 95 ડોલરથી નીચે પહોંચી ગયા
યુદ્ધવિરામની જાહેરાત અને હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાના નિર્ણયને કારણે ક્રૂડ ઓઇલમાં 17 ટકાનો મોટો ઘટાડો થયો. બ્રેન્ટના ભાવ 95 ડોલરથી નીચે આવી ગયા. વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ, યુએસ ક્રૂડ વેરિઅન્ટના ભાવ 17 ટકા ઘટીને 95 ડોલરપ્રતિ બેરલ થયા. બ્રેન્ટ ક્રૂડના ભાવ ૧૩.૬ ટકા ઘટીને ૯૪.૪૩ ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયા હતા. ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાની નાગરિક માળખા પર બોમ્બમારો કરવા પર બે અઠવાડિયાની મુલતવી રાખવાની જાહેરાત કર્યા પછી ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થયો. ટ્રમ્પે કહ્યું કે તેઓ વિવાદાસ્પદ મુદ્દાઓ પર ઈરાન સાથે કરાર પર પહોંચ્યા છે. ઈરાને કહ્યું કે તે યુદ્ધવિરામ સુધી હોર્મુઝ સ્ટ્રેટ ખોલશે જેના કારણે ક્રુડ ઓઇલના ભાવ ઘટ્યા.