BREAKING NEWS

વર્ક પ્લેસ પર દુર્વ્યવહારનો ગંભીર આક્ષેપ: અમેરિકામાં ભારતીય મૂળના પ્રખ્યાત વૈજ્ઞાનિકે 22 વર્ષ બાદ આપી દીધું રાજીનામું

  • July 22, 2026 10:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમેરિકાના વિજ્ઞાન જગતમાંથી એક ખૂબ જ ચોંકાવનારા અને વિવાદાસ્પદ સમાચાર સામે આવ્યા છે. કેલિફોર્નિયાની વિશ્વપ્રસિદ્ધ 'સાલ્ક ઇન્સ્ટિટ્યૂટ' (Salk Institute) ના ભારતીય મૂળના જાણીતા વૈજ્ઞાનિક સચ્ચિદાનંદ પાંડા (Satchidananda Panda) પર કાર્યસ્થળ પર જાતીય ગેરવર્તણૂક (Sexual Misconduct) ના ગંભીર આક્ષેપો લાગ્યા છે.


આ વિવાદ અને તેની તપાસ શરૂ થયા બાદ તેમણે સંસ્થામાંથી રાજીનામું આપી દીધું છે. આ સાથે જ આ પ્રતિષ્ઠિત રિસર્ચ સેન્ટરમાં તેમનો ૨૨ વર્ષ જૂનો દીર્ઘકાલીન કાર્યકાળ આઘાતજનક રીતે અંત પામ્યો છે. પ્રસિદ્ધ 'સાયન્સ જર્નલ' ના અહેવાલ અનુસાર, તેઓ ૧૩ ઓગસ્ટના રોજ સત્તાવાર રીતે પોતાનું પદ છોડી દેશે. આ આખી ઘટના અને વૈજ્ઞાનિક સામે થયેલી કાર્યવાહી અંગેનો સંપૂર્ણ વિગતવાર અહેવાલ નીચે મુજબ છે.


લા જોલા (કેલિફોર્નિયા) સ્થિત સાલ્ક ઇન્સ્ટિટ્યૂટમાં સચ્ચિદાનંદ પાંડાની લેબોરેટરીમાં કામ કરતી એક મહિલા રિસર્ચ આસિસ્ટન્ટે જ તેમની સામે કાર્યસ્થળ પર ગેરવર્તણૂક અને ઉત્પીડનની સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ બાદ વૈજ્ઞાનિકને તરત જ વહીવટી રજા (Administrative Leave) પર મોકલી દેવામાં આવ્યા હતા.


સાલ્ક ઇન્સ્ટિટ્યૂટનું સત્તાવાર નિવેદન અને તપાસ
સાલ્ક ઇન્સ્ટિટ્યૂટે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે, "આ વર્ષના માર્ચ મહિનામાં એક સ્ટાફ રિસર્ચ આસિસ્ટન્ટે સંસ્થાના સત્તાવાર રિપોર્ટિંગ ચેનલો દ્વારા કામના સ્થળે થતા દુર્વ્યવહાર અંગે ચિંતા વ્યક્ત કરી હતી. સંસ્થાએ તે મહિલા કર્મચારીને તમામ જરૂરી મદદ પૂરી પાડી હતી અને આ મામલે તાત્કાલિક, નિષ્પક્ષ અને ઊંડી તપાસ શરૂ કરી હતી." 'ન્યૂયોર્ક પોસ્ટ' ના અહેવાલ મુજબ, તે મહિલા કર્મચારીએ બાદમાં સ્વેચ્છાએ સંસ્થા છોડી દીધી હતી. ચોંકાવનારી બાબત એ છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં સચ્ચિદાનંદ પાંડા સામે ઉત્પીડનની આ સતત બીજી ફરિયાદ છે, જેને લઈને સંસ્થા દ્વારા તપાસ કરવામાં આવી હતી.


વૈજ્ઞાનિકે આક્ષેપો ફગાવ્યા
બીજી તરફ, સચ્ચિદાનંદ પાંડાએ એક ઈમેલ દ્વારા આ તમામ આક્ષેપોને સખત શબ્દોમાં ફગાવી દીધા છે. તેમણે લખ્યું કે, "હું મારી રિસર્ચ ટીમ અને સમગ્ર સંસ્થા માટે એક સુરક્ષિત, સન્માનજનક અને વ્યાવસાયિક વાતાવરણ જાળવવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છું. આ મૂલ્યો મારી લીડરશિપ માટે અત્યંત મહત્વના છે."


પોતાની લેબના સભ્યો અને ફેકલ્ટીને મોકલેલા એક અલગ ઈમેલમાં તેમણે દાવો કર્યો હતો કે તેઓ રાજીનામું આપી રહ્યા છે કારણ કે તેઓ માનવ સ્વાસ્થ્ય અને સર્કેડિયન રિધમ (શરીરની જૈવિક ઘડિયાળ) પર એક નવું પુસ્તક લખવા માંગે છે. તેમણે લખ્યું કે, "આ થોભવાનો, સ્થિતિની સમીક્ષા કરવાનો અને મારી કારકિર્દીના આગામી તબક્કા માટે લક્ષ્યો નક્કી કરવાનો યોગ્ય સમય છે."


​​​​​​​કોણ છે સચ્ચિદાનંદ પાંડા અને શું છે તેમનું યોગદાન?
સચ્ચિદાનંદ પાંડા વિજ્ઞાન જગતમાં એક મોટું નામ ગણાય છે. તેમની લેબોરેટરી મુખ્યત્વે માનવ શરીરની ૨૪ કલાકની જૈવિક ઘડિયાળ (સર્કેડિયન રિધમ - Circadian Rhythm) અને ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ (સમય-સીમિત ખાનપાન) પર સંશોધન કરે છે. તેમના રિસર્ચથી શરીરના મોલેક્યુલર મિકેનિઝમ અને ગંભીર બીમારીઓને અટકાવવામાં મોટી મદદ મળી છે.

તેમના સંશોધનોના આધારે સાલ્ક ઇન્સ્ટિટ્યૂટને કરોડો ડોલરનું ફંડિંગ મળ્યું છે. તેઓ આ વિષય પર અગાઉ બે પ્રખ્યાત પુસ્તકો પણ લખી ચૂક્યા છે. ગ્લોબલ રિસર્ચ એનાલિટિક્સ ફર્મ 'ક્લેરિવેટ' (Clarivate) અનુસાર, તેઓ વિશ્વમાં સૌથી વધુ સાઇટ (ઉદ્ધૃત) થતા વૈજ્ઞાનિકોમાંથી એક છે. પરંતુ આ ગંભીર વિવાદને કારણે તેમની આંતરરાષ્ટ્રીય કારકિર્દી પર મોટો ડાઘ લાગ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application