BREAKING NEWS

ગાઝામાં ભયાનક બોમ્બમારો: 7 માળની ઇમારત ધરાશાયી થતાં 20 લોકોના મોત, 100 થી વધુ લોકો કાટમાળ નીચે દબાયા

  • September 16, 2026 11:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગાઝા શહેરમાં રાત્રિ દરમિયાન થયેલા સતત બોમ્બ વિસ્ફોટોને કારણે એક મોટો અકસ્માત સર્જાયો છે. બોમ્બમારાના આઘાતથી એક 7 માળની વિશાળ ઇમારત સંપૂર્ણપણે જમીનદોસ્ત થઈ ગઈ હતી. આ કરૂણ હોનારતમાં કાટમાળ નીચે દબાઈ જવાથી 5 બાળકો સહિત ઓછામાં ઓછા 20 પેલેસ્ટિનિયનોના મોત નીપજ્યા છે. આ ભયાનક દુર્ઘટના ગાઝાના 'તલ અલ-હવા' વિસ્તારમાં ઘટી હતી, જ્યાં ધરાશાયી થયેલી ઇમારતના કાટમાળ નીચે હજુ પણ 100 થી વધુ લોકો ફસાયેલા હોવાની ગંભીર ભીતિ સેવાઈ રહી છે.


સ્થાનિક સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર, આ બિલ્ડિંગમાં આશરે 10 જેટલા પરિવારો વસવાટ કરતા હતા. ઇમારત ધરાશાયી થવાને કારણે 14 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ગાઝા શહેરની સિવિલ ડિફેન્સ સર્વિસના ડાયરેક્ટર રેઇડ અલ-દહશાને જણાવ્યું હતું કે, કાટમાળ નીચે દબાયેલા લોકોમાંથી બચાવકર્તાઓને હજુ પણ લોકોના અવાજો સંભળાઈ રહ્યા છે, જેથી જીવંત બચેલા લોકોને બહાર કાઢવા માટે બચાવ કામગીરી સતત ચલાવવામાં આવી રહી છે.


આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સી રોઇટર્સ દ્વારા પ્રાપ્ત વિડિયોમાં બચાવ ટુકડીઓ ધરાશાયી થયેલી દીવાલ નીચેથી 2 લોકોને બહાર કાઢવાનો ભારે પ્રયાસ કરતી નજરે પડી રહી છે. જોકે, કાટમાળ હટાવવા માટે જરૂરી ક્રેન અને ભારે મશીનરી જેવા સાધનોનો ભારે અભાવ છે, જેના કારણે રેસ્ક્યૂ ઓપરેશન અત્યંત ધીમી ગતિએ ચાલી રહ્યું છે. સ્થાનિક રહીશો પણ સિવિલ ડિફેન્સ ટીમો સાથે મળીને પોતાના ખુલ્લા હાથે કાટમાળ ખસેડીને લોકોને બચાવવાના અથાક પ્રયાસો કરી રહ્યા છે.


​​​​​​​યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (UNDP) ના ગાઝા ઓફિસના વડા એલેસાન્ડ્રો મ્રાકિકે પરિસ્થિતિને અત્યંત દુઃખદ ગણાવતા કહ્યું હતું કે જરૂરી સાધનોના અભાવે લોકો પોતાના હાથે કાટમાળ હટાવવા મજબૂર બન્યા છે, જેથી મૃત્યુઆંક હજુ વધવાની શક્યતા છે. તેમણે વધુમાં ચેતવણી આપી હતી કે ગાઝામાં આશરે 400 જેટલી ક્ષતિગ્રસ્ત ઇમારતો ગમે ત્યારે ધરાશાયી થવાના જોખમ હેઠળ છે, ખાસ કરીને શિયાળાની ઋતુ નજીક આવી રહી હોવાથી આવી હોનારતો વધવાની આશંકા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application