BREAKING NEWS

આંધ્ર પ્રદેશના તટ તરફ આગળ વધી રહ્યું છે વાવાઝોડું મુરાસુ: દિલ્હીથી ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન સુધી કેવું રહેશે હવામાન?

  • November 02, 2026 10:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બંગાળની ખાડીમાં દરિયાઈ સપાટીનું તાપમાન વધીને 29 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે, જેના પરિણામે અગાઉ 'અર્નબ' વાવાઝોડું સક્રિય થયું હતું અને હવે 'મુરાસુ' વાવાઝોડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. એક સપ્તાહના ભીતર આ બીજું મોટું વાવાઝોડું છે, જેણે અત્યંત પ્રચંડ બનીને દેશના હવામાનનો મિજાજ સંપૂર્ણપણે બગાડી નાખ્યો છે.


એક ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થયેલ મુરાસુ અત્યંત ઝડપથી આંધ્ર પ્રદેશના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વાવાઝોડું સોમવારની રાત્રે અઢી વાગ્યાથી મંગળવારની સવારના ચાર વાગ્યાની વચ્ચે આંધ્ર પ્રદેશના તટને પાર કરી શકે છે. આ સમયગાળા દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ પ્રતિ કલાક 120 કિલોમીટર સુધી પહોંચવાની પૂરેપૂરી સંભાવના છે.


આ વાવાઝોડાની અસર માત્ર પૂર્વ તટ પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ તે આગળ વધીને મધ્ય ભારતના કેટલાક હિસ્સાઓ સુધી પણ પહોંચશે. મધ્ય પ્રદેશના દક્ષિણી વિસ્તારોમાં પણ વરસાદનું પ્રમાણ વધી શકે છે. જોકે, મુરાસુની અસર અર્નબ વાવાઝોડા કરતા થોડી અલગ રહેશે. વાવાઝોડું નબળું પડ્યા પછી પણ આગામી કેટલાક દિવસો સુધી દેશના મોટા ભાગને પ્રભાવિત કરતું રહેશે. પૂર્વ ભારતથી લઈને મધ્ય ભારત અને ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં વાદળોની આવનજાવન અને વરસાદી માહોલ જળવાઈ રહેશે. જોકે, ઉત્તર ભારતમાં આ વાવાઝોડાની કોઈ સીધી અસર જોવા મળશે નહીં.


દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત અને ઉત્તર પ્રદેશના મોટાભાગના વિસ્તારોમાં હવામાન સામાન્ય રીતે શુષ્ક રહેવાનું અનુમાન છે. મુરાસુ વાવાઝોડા દરમિયાન પવનની ગતિ અર્નબની સરખામણીમાં થોડી ઓછી છે, પરંતુ તેની વ્યાપક અસર આખા દેશ પર પડશે. સૌથી ગંભીર અને વિનાશક અસર આંધ્ર પ્રદેશ અને ઉત્તરી તમિલનાડુમાં જોવા મળશે. આંધ્ર પ્રદેશના તટીય વિસ્તારોમાં ભારેથી અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.


આંધ્ર પ્રદેશ ઉપરાંત તમિલનાડુ અને તેલંગાણામાં પણ તેજ પવન સાથે મૂશળધાર વરસાદ ખાબકશે. આ દરમિયાન પવનની ઝડપ પ્રતિ કલાક 70 કિલોમીટર સુધી પહોંચી શકે છે. આ ઉપરાંત ઓડિશા અને છત્તીસગઢમાં પણ 3 નવેમ્બરથી આગામી બે દિવસ સુધી ભારે વરસાદની આશંકા સેવાઈ રહી છે. કર્તક અને કેરળના કેટલાક ભાગોમાં પણ વરસાદનો સિલસિલો યથાવત રહી શકે છે. પ્રશાસન દ્વારા તટીય વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને સુરક્ષાના તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application