BREAKING NEWS

મહાશિવરાત્રીએ રાજકોટના શિવાલયો ભક્તોથી ઉભરાયા, પંચનાથ મદિરે લઘુરુદ્ર હવનમાં હજારો ભાવિકોએ લીધો દિવ્ય લાભ

  • February 15, 2026 03:20 PM 


આજે મહા વદ ચૌદશના પવિત્ર દિવસે દેવાધિદેવ મહાદેવની આરાધનાનો મહાપર્વ મહાશિવરાત્રી સમગ્ર રાજ્યમાં શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવાઈ રહી છે. વહેલી સવારથી જ નાના-મોટા શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. ‘ઓમ નમઃ શિવાય’ અને ‘બમ બમ ભોલે’ના જયઘોષ સાથે વાતાવરણ શિવમય બની ગયું છે.


મહાશિવરાત્રી નિમિત્તે રાત્રિના ચાર પ્રહરની વિશેષ પૂજા માટે શિવાલયોમાં ખાસ આયોજન કરવામાં આવ્યું છે. અનેક સ્થળોએ રાત્રિ જાગરણ, ભજન સંધ્યા અને ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઠેર-ઠેર સાબુદાણાની ખીચડી, ફળાહાર અને ઠંડાઈના પ્રસાદનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે ભક્તોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.


રાજકોટ સ્થિત પંચનાથ મંદિર ખાતે લઘુરૂદ્ર હવનનું વિશેષ આયોજન કરવામાં આવ્યું, જેમાં હજારો ભક્તોએ સવારથી જ ઉપસ્થિત રહી ભાગ લીધો હતો. હવન અને મહા આરતી દરમિયાન મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો. રામનાથ મહાદેવ મંદિરે પણ વહેલી સવારથી ભાવિકો ઉમટી પડ્યા છે. 


મહાશિવરાત્રીના પાવન અવસરે રાજ્યભરમાં શાંતિપૂર્ણ અને ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે. ભક્તો ઉપવાસ, પૂજા અને આરાધના દ્વારા મહાદેવની કૃપા મેળવવા આતુર જોવા મળે છે.


ગુજરાતના પ્રસિદ્ધ સોમનાથ મંદિર ખાતે ભક્તોની વિશેષ ભીડ જોવા મળી રહી છે, જ્યારે દેશભરના પ્રખ્યાત કાશી વિશ્વનાથ મંદિર સહિત ગલીએ-ગલીએ આવેલા મહાદેવના મંદિરોમાં આકર્ષક ફૂલસજાવટ અને રોશની કરવામાં આવી છે. ભક્તો લાઈનમાં ઊભા રહી મહાદેવને જલાભિષેક, દુગ્ધાભિષેક અને બીલીપત્ર અર્પણ કરી ધન્યતા અનુભવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application