BREAKING NEWS

ઈરાન યુદ્ધમાં અમેરિકાને 33.4 બિલિયન ડોલરનું નુકસાન થતાં શસ્ત્રોની અછત

  • September 16, 2026 10:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઈરાન સામેના યુદ્ધમાં અમેરિકાએ અંદાજે 33.4 અબજ ડોલરનો ખર્ચ કર્યો છે. જેમાંથી 22.3 અબજ ડોલરનો ખર્ચ શસ્ત્રો અને દારૂગોળા પાછળ થયો છે. પેન્ટાગોનના વોચડોગ દ્વારા સોમવારે જાહેર કરાયેલા અહેવાલમાં આ માહિતી આપવામાં આવી છે. અહેવાલમાં અમેરિકાના લશ્કરી મથકોને થયેલા નુકસાન, વિમાનો અને ડ્રોનની ખોટ તેમજ શસ્ત્રોના જથ્થામાં સર્જાયેલી અછતની વિગતો રજૂ કરવામાં આવી છે.પેન્ટાગોનના અહેવાલ અનુસાર, અમેરિકાના સંરક્ષણ વિભાગે ઈરાન સાથેના સંઘર્ષ સંબંધિત કામગીરી પાછળ વધુ 7.4 અબજ ડોલર ખર્ચ્યા હતા. આ ઉપરાંત, અમેરિકાને અંદાજે 3.7 અબજ ડોલરની કિંમતના લશ્કરી સાધનો ગુમાવવા પડ્યા છે. આ આંકડા 28 ફેબ્રુઆરીથી 29 જૂન સુધીના સમયગાળાને આવરી લે છે. નુકસાન પામેલા માળખાંની મરામતનો ખર્ચ આ ગણતરીમાં સામેલ નથી.આ અહેવાલ ઓપરેશન ‘એપિક ફ્યુરી’ અંગેનું પ્રથમ ત્રિમાસિક મૂલ્યાંકન છે. તેમાં 30 જૂન સુધીની અમેરિકી લશ્કરી કાર્યવાહીનો હિસાબ રજૂ કરવામાં આવ્યો છે.અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડ દ્વારા ઇન્સ્પેક્ટર જનરલને આપવામાં આવેલી માહિતી મુજબ, ઈરાનના હુમલામાં ગલ્ફ વિસ્તારમાં આવેલા અમેરિકી લશ્કરી મથકોની સેંકડો ઇમારતો અને અન્ય માળખાંને નુકસાન થયું.ઈરાક, કુવૈત, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાતમાં આવેલા અમેરિકી રાજદ્વારી મથકોને પણ ઈરાની હુમલામાં ભૌતિક નુકસાન થયું હતું. આ નુકસાનનો અંદાજિત ખર્ચ 184 મિલિયન ડોલર જણાવાયો છે.રિપોર્ટમાં અમેરિકી લશ્કરી વિમાનો અને ડ્રોનને થયેલા નુકસાનની પણ વિગતો છે. પાંચમી પેઢીના F-35A ફાઇટર જેટને દુશ્મનના હુમલામાં નુકસાન થયું હતું. આ પહેલી વખત છે જ્યારે એફ -35 એ વિમાનને યુદ્ધમાં નુકસાન થયું હોવાનું જણાવાયું છે.જૂનના અંત સુધીમાં ચાર એફ-15 ઈ ફાઇટર જેટ અને એક એ -10 ગ્રાઉન્ડ એટેક વિમાન નાશ પામ્યાં હતાં. ઉપરાંત, સાત કેસી -135 રિફ્યુઅલિંગ વિમાનોને નુકસાન થયું અથવા તે નાશ પામ્યાં હતાં. અમેરિકાએ સાત હેલિકોપ્ટર અને 30થી વધુ ડ્રોન પણ ગુમાવ્યાં હોવાનું અહેવાલમાં જણાવાયું છે.પેન્ટાગોનના વોચડોગે જણાવ્યું કે સંઘર્ષ દરમિયાન અમેરિકી શસ્ત્રોના મોટા પાયે ઉપયોગથી વ્યૂહાત્મક જથ્થામાં અછત સર્જાઈ છે. દારૂગોળાના પુનઃપુરવઠા માટેના ઔદ્યોગિક ઉત્પાદનમાં અડચણો પણ સામે આવી છે.અમેરિકી અધિકારીઓએ જણાવ્યું કે શસ્ત્રોની ખરીદી ઝડપી બનાવવા અને ઉત્પાદન માટે લાગતો સમય ઘટાડવા પ્રયાસો થઈ રહ્યા છે. મહત્વપૂર્ણ કાચા માલ, ઘટકો અને કેટલાક દારૂગોળાનો જથ્થો અગાઉથી સંગ્રહિત કરવાની કામગીરી પણ ચાલી રહી છે.અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ અમેરિકાના શસ્ત્રોના જથ્થા અંગે ચિંતા ઓછી દર્શાવતાં નિવેદનો આપ્યાં હતાં. 6 ઓગસ્ટે તેમણે અમેરિકાની પાસે ચોક્કસ પ્રકારના દારૂગોળાનો મોટો જથ્થો હોવાનો દાવો કર્યો હતો. 9 સપ્ટેમ્બરની એક પોસ્ટમાં તેમણે અમેરિકી દારૂગોળાના જથ્થાને લગભગ અમર્યાદિત ગણાવ્યો હતો.જોકે, પેન્ટાગોનના વોચડોગના અહેવાલે યુદ્ધ દરમિયાન થયેલા મોટા શસ્ત્ર ખર્ચ અને કેટલાક દારૂગોળાના જથ્થામાં સર્જાયેલી અછત તથા ઉત્પાદનની અડચણો પર પ્રકાશ પાડ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application