છત્તીસગઢના બિલાસપુર જિલ્લામાં મંગળવારના રોજ થયેલા ટ્રેન અકસ્માતમાં અત્યાર સુધીમાં 11 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલો માટે વળતરની જાહેરાત કરવામાં આવી છે. ઘાયલ થયેલા 20 લોકોને ₹50,000નું વળતર આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. ભારતીય રેલ્વેએ અકસ્માતનો જવાબ આપ્યો અને કારણ જાહેર કર્યું. રેલ્વે સુત્રોએ જણાવ્યું હતું કે, પ્રારંભિક મૂલ્યાંકન મુજબ, ડેમુ એટલે કે ડીઝલ ઇલેક્ટ્રિક મલ્ટીપલ યુનિટ ટ્રેન ખતરનાક સ્થિતિમાં સિગ્નલ ઓળંગી ગઈ હતી, જેના કારણે અકસ્માત થયો હતો. કોરબા પેસેન્જર ટ્રેન માલગાડી સાથે અથડાઈ હતી. ટક્કર એટલી ગંભીર હતી કે મેમુ ટ્રેનનો પહેલો કોચ સંપૂર્ણપણે નુકસાન પામ્યો હતો અને અન્ય કોચ પાટા પરથી ખડ્યા હતા. કોચના ઘણા ભાગો પાટા પર વિખેરાઈ ગયા હતા, પરંતુ બચાવ ટીમો આવ્યા પછી, પાટા સાફ કરવાનું કામ ઝડપથી શરૂ થયું.જો કે તેના લીધે ટ્રેનોના આવાગમન પર અસર પડી છે.અકસ્માતથી પ્રભાવિત લોકોને મદદ કરવા માટે ઇમરજન્સી નંબરો જારી કરવામાં આવ્યા છે.
અમુક ટ્રેન રદ કરવી પડી
રેલ્વેએ જણાવ્યું છે કે અકસ્માતથી પ્રભાવિત લોકોને તમામ સહાય પૂરી પાડવામાં આવી રહી છે. રેલવે બોર્ડે જણાવ્યું હતું કે, "આ ઘટનાની સંપૂર્ણ તપાસ રેલવે સેફ્ટી કમિશનરના સ્તરે કરવામાં આવશે જેથી ચોક્કસ કારણ જાણી શકાય.બિલાસપુરમાં થયેલા અકસ્માત બાદ, રેલવેએ કેટલીક ટ્રેનો રદ કરી છે. ટ્રેન નંબર 68732, બિલાસપુર-કોરબા MEMU લોકલ ટ્રેન રદ કરવામાં આવી છે. ટ્રેન નંબર 68731, કોરબા-બિલાસપુર MEMU લોકલ ટ્રેન પણ રદ કરવામાં આવી છે. બિલાસપુર-રાયપુર મેમુ લોકલ ટ્રેન, ટ્રેન નંબર 68719, પણ રદ કરવામાં આવી છે.