BREAKING NEWS

ચાંદીના ભાવમાં ઐતિહાસિક તેજી યથાવત, 4,000 વધીને 2,72,202ની ટોચે પહોંચી

  • January 13, 2026 03:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ચાંદીએ વધુ એક વખત ઓલ ટાઈમ હાઈના સોપાન સર કર્યા છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (એમસીએક્સ) પર ચાંદીના વાયદા ભાવ આજે લાસ્ટ બંધ કરતાં આશરે રૂ. ૪,૦૦૦ વધીને રૂ. ૨,૭૨,૨૦૨ પ્રતિ કિલોગ્રામના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યા હતા. આ સાથે વૈશ્વિક બજારમાં ચાંદીનો ભાવ લગભગ ૮૨.૭૦ ડોલર પ્રતિ ઔંસ ટ્રેડ થયો, જે વૈશ્વિક માંગ અને તણાવ વચ્ચે ઊંચા સ્તરના વલણનો દર્શન કરાવે છે.


ગયા નવેમ્બરથી ચાંદીના ભાવમાં નોંધાયેલ વધારો અત્યંત મહત્વનો રહ્યો છે. નવેમ્બરના આરંભમાં એમસીએક્સ પર ચાંદીનો વાયદા ભાવ લગભગ રૂ. ૨,૦૫,૦૦૦થી રૂ. ૨,૧૦,૦૦૦ની આસપાસ હતો. આજે તે રૂ. ૨,૭૨,૨૦૨ સુધી પહોંચ્યો છે. આ પ્રમાણે નવેમ્બરથી અત્યાર સુધી ભાવમાં રૂ. ૬૦,૦૦૦થી વધુનો વધારો થયો છે, જે અંદાજે ૩૦ ટકાથી વધુનો ઉછાળો દર્શાવે છે.
છેલ્લા એક મહિનામાં પણ ચાંદીના ભાવમાં ભારે ઉતાર-ચઢાવ સાથે તેજી જોવા મળી છે. ડિસેમ્બર મધ્યમાં ભાવ રૂ. ૨,૩૫,૦૦૦થી રૂ. ૨,૪૦,૦૦૦ની રેન્જમાં ટ્રેડ કરતા હતા. આમાંથી ભાવમાં ૩૦થી ૩૫ હજાર રૂપિયાનો ઉછાળો નોંધાયો છે. કેટલીક દિવસે નફાવસૂલીના કારણે ભાવ ૫,૦૦૦થી ૮,૦૦૦ રૂપિયાથી ઘટ્યો હતો, પરંતુ મુખ્ય ટ્રેન્ડ તેજીનું જ રહ્યો છે.


બજાર નિષ્ણાતોના જણાવ્યા મુજબ ચાંદીના ભાવમાં આ લાંબા ગાળાની તેજી પાછળ અમેરિકાના અન્ય દેશો પરના દબાણ ઉપરાંત વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા મુખ્ય કારણ છે. અમેરિકાની નાણાકીય નીતિ, વ્યાજદર અંગેની અસ્પષ્ટતા અને ડોલરની નબળાઈને કારણે વૈશ્વિક બજારમાં સલામત રોકાણ માટે સોના અને ચાંદીની માગ વધી છે. આનો સીધો પ્રભાવ ભારતીય વાયદા બજારમાં પણ જોવા મળે છે.


ચાંદીના ભાવને ઉદ્યોગક્ષેત્રમાંથી પણ મજબૂત ટેકો મળી રહ્યો છે. સોલાર ઊર્જા, ઇલેક્ટ્રિક વાહન, ઈલેક્ટ્રોનિક્સ અને હાઇ‑ટેક ઉદ્યોગોમાં ચાંદીનો વ્યાપક ઉપયોગ થાય છે. ખાસ કરીને રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રમાં સોલાર પેનલ્સ માટે ચાંદીની માંગ વધતી હોવાથી પુરવઠા અને માંગ વચ્ચેનો તફાવત ભાવને ઉપર દબાવે છે. વેપારીઓનું કહેવું છે કે નવેમ્બર પછીથી ચાંદીના વાયદા કરારોમાં સતત ખરીદી જોવા મળી છે. નાના રોકાણકારો ઉપરાંત સંસ્થાગત રોકાણકારો પણ ચાંદીમાં પોઝિશન વધારતા રહ્યા છે. બજારમાં માન્યતા મજબૂત બની છે કે ચાંદી હવે માત્ર પરંપરાગત દાગીનાની ધાતુ નહીં રહી, પરંતુ લાંબા ગાળાના રોકાણ માટે મહત્વપૂર્ણ ઔદ્યોગિક ધાતુ બની ગઈ છે.


બુલિયન વેપારીઓએ જણાવ્યું કે ઊંચા ભાવના કારણે દાગીનાના વેપારમાં ટૂંકા ગાળામાં થોડો સંયમ જોવા મળ્યો છે, પરંતુ રોકાણ હેતુથી ચાંદીની માંગ યથાવત છે. વૈશ્વિક આર્થિક અને રાજકીય અનિશ્ચિતતા યથાવત રહે તો આવનારા સમયમાં ચાંદીના ભાવ વધુ ઊંચી સપાટીને સ્પર્શ કરી શકે તેવી શક્યતા છે. ચાંદીના ભાવમાં નવેમ્બરથી અત્યાર સુધીના આ મોટા ઉછાળાએ સ્પષ્ટ કર્યું છે કે અનિશ્ચિત આર્થિક વાતાવરણમાં કિંમતી ધાતુઓ રોકાણકારો માટે સલામત આશ્રયસ્થાન બની રહી છે. સોનાની સાથે ચાંદી પણ હવે બુલિયન બજારમાં કેન્દ્રસ્થાને આવી ગઈ છે, અને આગામી મહિનાઓમાં તેની ચાલ પર બજારની નજર રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News