BREAKING NEWS

ભાભીને સપનું આવ્યું ને દિયર પર વસુલાત દાવો ઝીંકી દીધો, મામલો હાઇકોર્ટ પહોંચ્યો

  • February 23, 2026 02:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના વ્યાસ પરિવારમાં લેણું નીકળતું હોવાનું સપનું આવ્યાનું કારણ દર્શાવી ભાભીએ વ્યાજ સહિત રૂપિયા એક લાખ વસૂલવાના દિયર સામે સ્મોલ કોઝ કોર્ટમાં દાખલ કરેલો દાવો રદ કરવાની દિયરની અરજી નામંજુર કરવા સામેની રિવિઝન અરજી હાઇકોર્ટે મંજૂર કરી ભાભીનો દાવો રદ કરવા હુકમ કર્યો છે.આ કેસની વિગત મુજબ, વાદી તારાબેન વસંતભાઈ વ્યાસ દ્વારા તેમના દિયર અશ્વિનભાઈ હરજીભાઈ વ્યાસ વિરૂધ્ધ સ્મોલ કોઝ કોર્ટ સમક્ષ રૂા. ૨૦ હજાર પુરા તેના ઉપર થતું વ્યાજ મળી કુલ રૂા. ૧ લાખ વ્યાજ સહિત વસુલવા અંગેનો દાવો ૨૦૨૧ની સાલમાં દાખલ કર્યો હતો. જેમાં વાદી તારાબેન દ્વારા પોતાના દાવામાં ગુજ. પતિ વસંતભાઈએ સને-૧૯૯૬-૯૭માં મકાન બાંધકામ માટે રૂપિયા 20 હજાર અશ્વિનભાઈ પાસેથી લીધા હતા, બાદમાં આ રકમ વસંતભાઈ પાસેથી પરત માંગતા રકમ અશ્વિનભાઈને પરત ચુકવી દીધેલ હતી, પરંતુ તેની જાણ વાદી તારાબેનને ન હતી. બાદ વાદીના પતિનું તા: ૩૧/૦૧/૧૯૯૮ ના રોજ અવસાન થતા તેઓની ઉતરક્રિયા દરમ્યાન અશ્વિનભાઈએ રૂા. ૨૦ હજારની ભાભી પાસે માંગણી કરી હતી અને વાદીએ દિલ્હીથી મંગાવેલ વસ્તુની રકમ બાદ કરી રૂા. ૧૪,૨૫૦/-નો ચેક અશ્વિનભાઈને ચુકવી આપેલ હતો. બાદ સને-૨૦૧૯માં વાદીને સપનામાં પોતાના પતિ વસંતભાઈ આવતા અને વસંતભાઈ તથા અશ્વિનભાઈ વચ્ચેના નાણાંકીય વ્યવહારની સપનામાં જાણ કરતા ભાભીએ દિયર અશ્વિનભાઈને ચુકવેલ રકમ પહેલેથી જ પતિ વસંતભાઈએ ચુકવી દીધાની જાણ કરેલ હોવાની વિગતો જણાવતા પોતે ચુકવેલ રકમ પરત મેળવવા દિયર અશ્વિનભાઈને કાનુની નોટિસ પાઠવેલ હતી અને ત્યારબાદ તેવી રકમ વ્યાજ સહિત મેળવવા દાવો દાખલ કરેલ હતો.

તે દાવાના કામે સામાવાળા દિયર અશ્વિનભાઈએ વકીલ મારફત હાજર થઈ ભાભી તારાબેન દ્વારા દાખલ કરવામાં આવેલ દાવો લિમિટેશન તથા કોઝ ઓફ ન હોવાના કારણોસર રદ કરવા અરજી કરી હતી, દિયર અશ્વિનભાઈનો દાવો રદ કરવાની અરજી સ્મોલ કોઝ કોર્ટ દ્વારા રદ કર્યો હતો.જે હુકમથી પ્રતિવાદી અશ્વિનભાઈ નારાજ થઈ હાઈકોર્ટમાં રિવિઝન દાખલ કરી હતી. જે રિવિઝન અરજી ચાલી જતા હાઈકોર્ટ દ્વારા પ્રતિવાદી અશ્વિનભાઈની રિવિઝન અરજી મંજુર કરી વર્ષો પછી અને સમયમર્યાદા અધિનિયમની જોગવાઈઓ મુજબ તેમજ દાવો લાવવા ખોટું કારણ ઉપસ્થિત કરવામાં આવેlu વાદી તારાબેનનો દાવો ટકવાપાત્ર નથી અને તેવો દાવો રદ કરી પ્રતિવાદી અશ્વિનભાઈની રિવિઝન અરજી મંજુર કરી હતી. સદરહુ કેસમાં પ્રતિવાદી વતી સ્મોલ કોઝ કોર્ટમાં એડવોકેટ તરીકે જતીન ઠકકર તથા હિત આર. અવલાણી તથા ગુજરાત હાઈકોર્ટમાં દર્શીતભાઈ એમ. કામદાર રોકાયા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News