રાજકોટમાં એક ખૂબ જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ધોરણ ૬ માં અભ્યાસ કરતી 13 વર્ષની તરુણીને ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડે એવી મોરબીની સમીના નામની યુવતીએ ફસાવી તેના પરિચિત એવા સોશિયલ મીડિયા સ્ટાર સતિષ ગોહિલ પાસે મોકલતા તે તરૂણીને અટલ સરોવર પાસે ફ્લેટમાં લઈ ગયો હતો અને અહીં તેના પર દુષ્કર્મ આચર્યું હતું. આ સમગ્ર ઘટના અંગે તરૂણીની માતાએ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મોરબીની યુવતી અને કાલાવડના શખસ સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી તેની સામે પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, 13 વર્ષીય તરૂણીની માતાએ ભક્તિનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મોરબીની સમીના શામદાર (ઉ.વ 20) સતીષ વિજયભાઈ ગોહિલ (ઉ.વ 19 રહે. કાલાવડ), આફતાબ રફીકભાઈ જુણેજા (ઉ.વ 20 રહે. પરસાણાનગર શેરી નંબર-૭, રાજકોટ) અને અને ફૈઝાન અકબર ચાનીયા (ઉ.વ 19 રહે. મોરબી) ના નામ આપ્યા છે. જે ફરિયાદના આધારે પોલીસે આરોપીઓ વિરુદ્ધ દુષ્કર્મ અને પોકસો એકટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
પીડીતાની માતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈ તા. 28 ના સાંજે તેની પુત્રી ઘરેથી ભાગ લેવા માટે ગયા બાદ પરત આવી ન હતી. પરિવારજનોએ શોધખોળ કરી હતી પરંતુ ક્યાંય પતો લાગ્યો ન હતો. ત્યારબાદ મોટી પુત્રી પાસે રહેલા મોબાઇલમાં ઇન્સ્ટાગ્રામ ચેક કરતા લાપતા નાની પુત્રીએ સમીના નામની યુવતી સાથે ચેટ કર્યાનું જોવા મળ્યું હતું તેમજ આ નંબર પર ઘણી વખત વાતચીત થયાનું પણ માલુમ પડ્યું હતું. જેથી આ નંબર પર કોલ કરતા મોરબીથી સમીના નામની યુવતીએ કોલ રીસીવ કરી તેની નાની પુત્રી પોતાની સાથે હોવાનું કહ્યું હતું જેથી પરિવાર તુરંત મોરબી જઈ નાની પુત્રીને ઘરે લાવી પૂછપરછ કરી હતી.
દીકરીએ જણાવ્યું હતું કે, એકાદ વર્ષ પહેલા ઇન્સ્ટાગ્રામમાં સમીના સાથે વાતચીત થઈ હતી જેથી તેને સતીષ ગોહિલનું ઇન્સ્ટાગ્રામ આઈડી આપી તેમાં વાત કરવા કહ્યું હતું સતિષ સાથે વાતચીત શરૂ કરી હતી ક્યારેક ક્યારેક સમીના ઇન્સ્ટાગ્રામમાં કોન્ફરન્સમાં સતિષને લઈ તેની સાથે વાતચીત કરાવતી હતી. એકાદ માસ પહેલા 13 વર્ષની તરૂણી મોટી બહેન અને જીજાજી સાથે બહાર ફરવા જવાની હતી. પરંતુ તે વખતે સમીનાએ કોલ કરી કહ્યું હતું કે, તે રાજકોટ આવી છે અને તેની સાથે મળવું છે જેથી તેણે બહેન અને જીજાજી સાથે ના કહી પછી તે સમીના તેનો ફ્રેન્ડ ફૈઝાન અને સતીષ તેડવા આવતા તેની સાથે જતી રહી હતી. બધા અટલ સરોવર ફરવા ગયા હતા ત્યાં સમીના અને તેનો બોયફ્રેન્ડ જતા રહ્યા હતા બાદમાં સતીષ તેને નજીકમાં આવેલા મિત્રના ફ્લેટમાં લઈ ગયો હતો જ્યાં તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. મોડી રાત્રીના ત્રણેય તેને ઘરે મૂકી ગયા હતા. ગઈ તા. 28 ના રોજ સમીનાએ કોલ કરી બહાર ઉભું રહેવાનું કહ્યું હતું જેથી બહાર જતાં ફેઝાન અને સમીના બાઈક લઈને ઉભા હતા.
બાદમાં તેને મોરબી લઈ ગયા હતા જ્યાં સમીનાના ઘરે રોકાઈ હતી તે વખતે સમીનાએ તેને આફતાબનું ઇન્સ્ટાગ્રામ આઈડી આપી તેનો ભાઈ હોવાનું કહી તેની સાથે ફ્રેન્ડશીપ કરવાનું કહ્યું હતું. થોડીવાર બાદ આફતાબ આવી તેની સાથે અડપલાં કર્યા હતા. દીકરીની આ આપવીતી જાણી તરૂણીના માતાના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. બાદમાં ગઈકાલ રાત્રે તેમણે ભક્તિનગર પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી.
બનાવની ગંભીરતાને ધ્યાને લઇ ભકિતનગર પોલીસ મથકના એમ.એમ.સરવૈયાની રાહબરી હેઠળ ટીમે તપાસ હાથ ધરી હતી. દરમિયાન એએસઆઇ હર્ષદભાઇ માવદીયા, હેડ કોન્સ. પ્રભાતભાઇ મૈયડને તથા ટીમે આરોપીઓ સતીશ ગોહિલ, આફતાબ જુણેજા, સમીના શાહમદાર અને ફેઝાન ચાનીયાની ધરપકડ કરી જરૂરી કાર્યવાહી કરી હતી.
રિલ્સમાં ચમકાવી દેવાની લાલચ આપી તરૂણીની ફસાવી હોવાની શંકા
ધો.૬ માં અભ્યાસ કરનાર તરૂણી પર દુષ્કર્મ આચરનાર આરોપી સતીષ ગોહિલ કાલાવડનો વતની છે અને ઇન્સ્ટાગ્રામમાં ફેમેસ હોવાનું માલુમ પડ્યું છે. તે અલગ અલગ રીલ્સ બનાવે છે એટલું જ નહીં તેના રૂ. 40,000 થી વધુ ફોલોઅર્સ હોવાનું માલુમ પડ્યું છે. તેણે તરુણીને ઇન્સ્ટાગ્રામમાં રિલ્સમાં ચમકવવાની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હોવાની શંકા સેવાઇ રહી છે.