રાજકોટમાં આજે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા આવી રહ્યા છે. ત્યારે શહેરમાં તેમના સ્વાગતમાં ઠેર ઠેર બેનરો લગાવવામાં આવ્યા છે. ત્યારે બહુમાળી ભવન પાસે લાગેલા બેનરમાં PM મોદીના ચહેરા કોઈએ કાળી શાહી લગાડ્યાનું સામે આવ્યું છે. આ શાહી કોણે લગાડી તે અંગે પોલીસ તપાસમાં જ બહાર આવી શકે છે. જોકે મનપા દ્વારા આ બેનરો હટાવી લેવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ આજે ભાજપના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ રેસકોર્સ ખાતે કાર્યકર્તાઓને સંબોધન કરવાના છે. જેને લઈને ગ્રીનલેન્ડ ચોકડીથી રેસકોર્સ સુધી તેમના સ્વાગત માટેના વિશાળ બેનરો લગાવવામાં આવ્યા છે. જેમાં બહુમાળી ચોક નજીક લગાવવામાં આવેલા એક બેનરમાં વડાપ્રધાન મોદીના ફોટામાં ચહેરા પર અજાણ્યા શખ્સોએ કાળી શાહી લગાવી છે. આ ઘટનાને લઈને રાજકારણ ગરમાયુ છે.
રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો.માધવભાઈ દવેએ આજકાલ દૈનિક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશભાઇ વિશ્વકર્માનું રાજકોટ શહેર જિલ્લા અને મોરબી શહેર જિલ્લા ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય સ્વાગત અને અભિવાદન કરવામાં આવનાર છે. રેસકોર્સમાં આયોજિત અભિવાદન સમારોહમાં અંદાજે ૨૦ હજારથી વધુ કાર્યકરો અભિવાદન કરશે.
આજે સાંજે પાંચ કલાકે રાજકોટના હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે પ્રદેશ પ્રમુખનું આગમન થશે, ત્યાં આગળ સ્વાગત કાર્યક્રમ બાદ ગ્રીનલેન્ડ ચોકડી ખાતેથી ૫-૩૦ કલાકે ભવ્ય કાર અને બાઈક રેલી રેસકોર્સ મેદાન ખાતે સમારોહ સ્થળ સુધી યોજાશે અને સાંજે છ કલાકે રાજકોટ મહાનગર અને રાજકોટ જિલ્લા તથા મોરબી શહેર અને મોરબી જિલ્લા ભાજપ પરિવાર દ્વારા રેસકોર્સ સ્થિત કવિ શ્રી રમેશ પારેખ રંગ દર્શન ખાતે અભિવાદન સમારોહ યોજાશે.