જામનગર - કાલાવડ માર્ગે મોટા થાવરીયા પહેલા વાહન અકસ્માત થયો હતો.પુત્રને સ્કૂલ બસ સુધી મૂકવા જઈ રહેલા પિતા-પુત્રના બાઇકને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતાં થયેલા અકસ્માત માં બાઈક ચાલક ને ઇજા પહોંચી હતી, જ્યારે તેના પુત્રનું કરુણ મૃત્યુ થયું હતું. બીજા બનાવમાં જામનગર નજીક ઘુતારપર ગામ પાસે કપાસ વિણવાની મજૂરી કામ કરવા જઈ રહેલા એક પરિવારનો પાંચ વર્ષનો બાળક અકસ્માતે ટ્રેક્ટર માંથી નીચે પટકાઈ પડ્યો હતો, અને ટ્રેક્ટરનું વ્હીલ માથા પરથી ફરી વળતાં ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યું મૃત્યુ નીપજયું છે. પોલીસે ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધ્યો છે.
જામનગર તાલુકાના મોટા થાવરીયા ગામ માં રહેતા અશોકભાઈ વિઠ્ઠલભાઈ ચોવટીયા તા. ર૯ ને આશરે ૬:૩૦ વાગ્યા પહેલા પોતાના પુત્ર ઋત્વિક (ઉ.૧૬) ને સ્કુલ બસ માં જવા માટે ઠેબા ગામ પાસે મુકવા જતા હતા. ત્યારે ત્યારે પોતાના જ ગામના બસ સ્ટેન્ડ નજીક ના માર્ગે પહોંચતા અજાણ્યા વાહન ચાલકે તેમના બાઇક ને હડફેટે લેતા અકસ્માત થયો હતો. જેમાં બાઇક ની પાછલી સીટ માં બેસેલા ઋત્વિક બાઈક માંથી ફંગોળાઈ ગયો હતો, અને માથા માં ગંભીર ઇજા થવાના કારણે તેનું મૃત્યુ થયું હતું.
જ્યારે ઋત્વિકના પિતા બાઈક ચાલક અશોકભાઈ ચોવટીયાને ઇજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યારે અકસ્માત પછી અજાણ્યો વાહન ચાલક નાસી ગયો હતો. આ અંગે અશોકભાઈ વિઠ્ઠલભાઈ ચોવટીયા એ અજાણ્યા વાહન ચાલક સામે પોલીસમાં ફરિયાદ નોંધાવતા ઇનચાર્જ પો. ઈન્સ એચ.વી રાઠોડ એ તપાસ હાથ ધરી છે.
બીજા બનાવમાં જામનગર તાલુકાના ઘુતારપર ગામમાં રહીને ખેત મજૂરી કામ કરી રહેલા મૂળ ભરૂચ જિલ્લાના વતની કમલેશભાઈ મનુભાઈ વાઘેલા તથા તેમના પરિવારના બાળકો સહિતના અન્ય સભ્યો એક ટ્રેક્ટરમાં બેસીને નજીકમાં જ આવેલી એક વાડીમાં કપાસ વીણવાનું કામ કરવા માટે જઈ રહ્યા હતા. કમલેશભાઈના પરિવારના ૮ જેટલા સભ્યો હતા, તેમજ અન્ય શ્રમિક પણ ટ્રેક્ટરમાં સાથે બેઠા હતા.
જેઓ ઘુતારપર વિસ્તારના વતની હરેશભાઈ પટેલ ના જી.જે. ૧૦ ડી.એ. ૬૯૧૫ નંબરના ટ્રેક્ટરમાં બેસીને જઈ રહ્યા હતા, જે દરમિયાન રસ્તામાં ખાડો આવ્યો હોવાથી ટ્રેક્ટર ફૂલ સ્પીડમાં હોવાના કારણે ટ્રેક્ટરની અંદર બેઠેલો કમલેશભાઈનો પાંચ વર્ષનો પુત્ર મયુર (ઉ.વ.૫) કે જે ઉછળીને નીચે પટકાયો હતો. એટલું જ માત્ર નહીં ટ્રેક્ટરનું પાછલું તોતિંગ વહીલ તેના ઉપરથી ફરી વળ્યું હતું, અને ખોપડી ફાટી જવાના કારણે મૃત્યુ નીપજ્યું હતું.
આ અકસ્માતના બનાવ અંગે મૃતક મયુરના પિતા કમલેશભાઈ વાઘેલાએ ટ્રેક્ટર ચાલક સામે ફરિયાદ નોંધાવતાં પંચકોશી એ. ડિવિઝનના એ.એસ.આઇ. ડી.એ. રાઠોડ એ બનાવના સ્થળે દોડી જઈ મૃતદેહ નો કબજો સંભાળ્યો છે.