૧૫૦ ફૂટ રીંગરોડ પર ધરમનગરમાં રહેતા વૃધ્ધાના પતિના અવસાન બાદ તેમની વારસાઇ જમીનમાં હક્ક જતો કરવાના કાગળો પર પુત્રએ તેમની અને તેમની પુત્રીઓની સહી કરાવી લઇ વિશ્વાસઘાત કર્યો હતો. એટલું જ નહીં આ બાદ કપાતર પુત્રએ માતાને ઘરમાંથી કાઢી મૂકયા હતાં. આ અંગે ૭૫ વર્ષીય વૃધ્ધાએ સગા પુત્ર વિરૂધ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
શહેરના ધરમનગર શેરી નંબર ત્રણ 40 ફૂટ રોડ ઓમનગર સર્કલ પાસે રહેતા ગૌરીબેન ગોવિંદભાઈ પરમાર(ઉ.વ. 75) નામના વૃદ્ધાએ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પોતાના સગા પુત્ર દિનેશ ગોવિંદ પરમારનું નામ આપ્યું છે. વૃદ્ધાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમને સંતાનમાં એક પુત્ર અને છ પુત્રી છે. વર્ષ 2024માં પુત્રએ ઘરેથી કાઢી મૂક્યા બાદ તેઓ મોટી પુત્રી દિવ્યાબેન સાથે રહે છે. વૃધ્ધાના પતિ ગોવિંદભાઈના નામની લોધિકાના જશવંતપુર ગામે આવેલી જમીન તેણે વર્ષ 2017 માં અર્જુન સબાડને 58.50 લાખમાં વેચી હતી જે અવેજની રકમમાંથી ગોવિંદભાઈએ ખાંભા ગામે ભરતસિંહ જાડેજા પાસેથી 19.70 લાખમાં જમીન ખરીદી હતી. વૃદ્ધાના પતિને ફેફસાની બીમારી હોવાથી તમામ વહીવટ પુત્ર દિનેશ સંભાળતો હતો.
વર્ષ 2018માં ફરિયાદીના પતિનું મૃત્યુ થયું હતું. જેના 25 દિવસ બાદ પરિવારના સભ્યો ઘરે હાજર હતા ત્યારે પુત્રએ પતિના બેન્ક ખાતામાંથી વારસાઈ મુજબના તમામ લોકોની સહી 100 ના સ્ટેમ્પ પેપર ઉપર નોટરી પાસે કરાવી બેંકમાં જમા કરાવવાની છે તેમ કહી આરોપીએ ફરિયાદી અને તેની પુત્રીઓની સહી કરાવી લીધી હતી. આ સ્ટેમ પેપરમાં ખરેખર ફરિયાદી અને તેની પુત્રીઓ રાજી ખુશીથી ખાંભા ગામની જમીનનો હક્ક પુત્રની તરફેણમાં કરી આપીએ છીએ તેવું લખાણ લખેલું હતું.
દરમિયાન સરકાર દ્વારા ખેડૂતોને દર ત્રણ માસે રૂપિયા 2000ની સહાય બેંક ખાતામાં જમા થતી હતી તે બંધ થઈ જતા વૃદ્ધાએ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, 2019 થી તેણે અને તેની પુત્રીઓએ હક્ક જતો કર્યો હોવાથી રકમ જમા થઈ નથી. એટલું જ નહીં જમીનની અવેજ પેટે આવેલ રકમમાંથી એક જમીન લોધિકા વિસ્તારમાં ખરીદ કરવાનું નક્કી કરાયું હતું. પરંતુ કાગળો ઓછા હોવાથી 11.75 લાખનો દસ્તાવેજ બનાવવાનું નક્કી કરાયું હતું. 2018માં ફરિયાદીના પતિના અવસાન બાદ જમીનના મૂળ માલિક દ્વારા જમીનનો દસ્તાવેજ બનાવવાનું કહેતા વૃધ્ધાને પુત્ર દિનેશને વાત કરી હતી તેમજ 12 લાખનો ચેક સહી કરી આપેલો હતો. આ જમીનનો દસ્તાવેજ દીનેશના માતાના નામે કરવાનો હતો પરંતુ દિનેશે ચેક તેના એકાઉન્ટમાં જમા કરાવી પોતાના નામનો દસ્તાવેજ કરી લીધો હતો.
આમ સગા પુત્રએ પિતાની વારસાઈ જમીનમાંથી માતા અને બહેનનો હક્ક જતો કરવાના કાગળ ઉપર સહી કરાવી લઇ તેમની સાથે વિશ્વાસઘાત કરી કપાતર પુત્રએ માતાને ઘરમાંથી કાઢી મૂક્યા હોય આ મામલે વૃદ્ધાએ સગા પુત્ર વિરુદ્ધ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. બનાવ અંગે વધુ તપાસ પીએસઆઇ પી.જી.આલ ચલાવી રહ્યા છે.