સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપતાં સ્પષ્ટ કર્યું છે કે, માતા-પિતા અને વરિષ્ઠ નાગરિકોના ભરણપોષણ અને કલ્યાણ અધિનિયમ, ૨૦૦૭ હેઠળ રચાયેલી ટ્રિબ્યુનલને વરિષ્ઠ નાગરિકોની મિલકતમાંથી તેમનાં બાળકો અથવા દીકરા-વહુને બહાર કાઢવાનો આદેશ આપવાનો સંપૂર્ણ અધિકાર છે. અદાલતે ભારપૂર્વક જણાવ્યું કે વધતી ઉંમરનો અર્થ અસુરક્ષા કે અપમાન હોવો જોઈએ નહીં. દરેક વ્યક્તિને જીવનભર ગરિમાપૂર્ણ રીતે જીવવાનો મૂળભૂત અધિકાર છે. આથી, વૃદ્ધ માતા-પિતાના ભરણપોષણ, સુરક્ષા અને સન્માનને સુનિશ્ચિત કરવા માટે જરૂર પડે ત્યારે ટ્રિબ્યુનલ આવો કડક આદેશ આપી શકે છે.જસ્ટિસ પી. એસ. નરસિમ્હા અને જસ્ટિસ આલોક અરાધેની ખંડપીઠે આ મામલે સુનાવણી કરતા જણાવ્યું હતું કે, ટ્રિબ્યુનલ પાસે વરિષ્ઠ નાગરિકોની સુરક્ષા અને ભરણપોષણ માટે સંતાનોને ઘર કે મિલકતમાંથી બહાર કાઢવાનો આદેશ આપવાની સત્તા છે. આ સાથે જ સર્વોચ્ચ અદાલતે અલ્હાબાદ હાઈકોર્ટના તે આદેશને રદ કરી દીધો હતો, જેમાં ટ્રિબ્યુનલ દ્વારા પુત્ર અને પુત્રવધૂને મિલકતમાંથી નિકાલ કરવાના નિર્ણયને પલટી નાખવામાં આવ્યો હતો.આ સમગ્ર મામલો લખનૌના વિકાસ નગર સ્થિત મકાન માલિક રવિકાંત ગુપ્તાની અપીલ સાથે જોડાયેલો છે. ગુપ્તાની ૮૧ વર્ષીય વૃદ્ધ માતાને ઘર છોડીને વૃદ્ધાશ્રમમાં રહેવા માટે મજબૂર થવું પડ્યું હતું. આથી, રવિકાંત ગુપ્તાએ ૫ જૂન, ૨૦૨૨ના રોજ ૨૦૦૭ના કાયદા હેઠળ પોતાના પુત્રને મિલકતમાંથી બહાર કરવા માટે કલેક્ટર સમક્ષ અરજી કરી હતી. કલેક્ટરે પુત્ર અને વહુને મિલકતનો કબજો પિતાને સોંપી દેવાનો નિર્દેશ આપ્યો હતો.જોકે, આ નિર્ણય સામે દીકરા અને વહુએ હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા, જ્યાં હાઈકોર્ટે જૂના ચુકાદાઓનો હવાલો આપીને કલેક્ટરના આદેશને રદ કરી દીધો હતો. ત્યારબાદ આ કેસ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો, જ્યાં સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટનો આદેશ પલટી નાખીને માતા-પિતાના હકમાં વરિષ્ઠ નાગરિકોની સુરક્ષાને પ્રાથમિકતા આપતો ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application