ઉપલેટાના રાજપરા ગામમાં પૈસા અને વિદેશ જવાની ઘેલછામાં દીકરાએ પિતરાઈ સાથે મળીને સગા પિતાની હત્યા કર્યાનું સામે આવ્યું છે. પિતાની હત્યા માટે સગા દીકરાએ પિતરાઈને સોપારી આપી હતી અને બંને સાથએ મળીને કુહાડીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યા હતા. સસ્પેન્સ થ્રિલર ફિલ્મ જેવી આ મર્ડરની ઘટનાથી સમગ્ર ઉપલેટા પંથકમાં ચકચાર મચી ગઈ છે. જોકે પોલીસે બંને આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, રાજપરા ગામમાં 9 ડિસેમ્બર, 2025ના રોજ 50 વર્ષીય કાનાભાઈ મેરુભાઈ જોગનું મૃત્યુ થયું હતું, જેની જાણ ભાયાવદર પોલીસને થઈ હતી. મૃતદેહ રાજપરાથી ઢાંક ગામ તરફ જતા રસ્તે મળી આવ્યો હતો. જોકે, પ્રાથમિક તપાસમાં મૃતદેહ અને આસપાસના વિસ્તાર પર વાહન અકસ્માતના કોઈ નિશાન ન મળતાં પોલીસે આ બનાવ શંકાસ્પદ ગણીને ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી. પોલીસની ઝીણવટભરી તપાસમાં સામે આવ્યું કે, મૃતક કાનાભાઈ જોગની હત્યા તેમના સગા દીકરા 25 વર્ષીય રામદે કાનાભાઈ જોગ અને 39 વર્ષીય ભત્રીજા વિરમ ભૂપતભાઈ જોગે કરી હતી. હત્યાનું મુખ્ય કારણ નાણાકીય લાલચ હતી. પુત્ર રામદે જોગને ઇઝરાયેલમાં નોકરી માટે જવું હતું, જેનો ખર્ચ અંદાજે 16 લાખ રૂપિયા થતો હતો.
પિતરાઈ વિરમને 1 લાખ રૂપિયાની લાલચ આપી
લગભગ એક વર્ષ પહેલાં રામદેએ પોતાના પિતાના નામે HDFC બેંકનો વીમો ઉતરાવ્યો હતો, જેમાં પિતાના મૃત્યુ બાદ 50 થી 70 લાખ રૂપિયા મળવા પાત્ર હતા. આ પૈસા મેળવવા માટે રામદેએ આ કાવતરું ઘડ્યું હતું અને પોતાના પિતરાઈ ભાઈ વિરમને પિતાની હત્યા કરવા માટે 1 લાખ રૂપિયા રોકડા અને જીવે ત્યાં સુધી ભોજન આપવાની લાલચ આપી હતી.
હત્યાને અકસ્માતમાં ખપાવવા આખો પ્લાન ઘડ્યો
કાવતરા મુજબ, આરોપીઓએ હત્યાને અકસ્માતમાં ખપાવવા માટેનો પ્લાન ઘડી લીધો હતો. 8 ડિસેમ્બરે વિરમે ઉંદર મારવાની અને જીવાત મારવાની દવા ઠંડા પીણામાં ભેળવીને પિતા કાનાભાઈને વાડીએ પીવડાવી હતી, પરંતુ કાનાભાઈને ઉલટીઓ થતાં બધી દવા બહાર નીકળી ગઈ અને તેમનું મૃત્યુ થયું નહોતું. આ નિષ્ફળતા બાદ રામદેએ વિરમને કુહાડી વડે પિતાને મારી નાખવા જણાવ્યું. 9 ડિસેમ્બરે વિરમ તેના કાકા કાનાભાઈને મોટરસાયકલ પર વાડીએ લઈ ગયો હતો, જ્યાં તેમને દારૂ પીવડાવી ઓરડીમાં સુવડાવ્યા બાદ કુહાડી વડે માથામાં મરણતોલ ઘા મારીને તેમની હત્યા કરી નાખી હતી. હત્યા બાદ બંને ભાઈઓએ ગુનો છુપાવવા માટે પોલીસ અને અન્ય લોકોને વાહન અકસ્માત થયો હોવાની ખોટી માહિતી આપી હતી.
બંને આરોપીઓની ધરપકડ
ભાયાવદર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર વી.સી. પરમાર અને તેમની ટીમે ગહન તપાસ કરીને હત્યાનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે મૃતકના પુત્ર રામદે કાનાભાઈ જોગ અને ભત્રીજા વિરમ ભૂપતભાઈ જોગની ધરપકડ કરી છે અને હત્યામાં ઉપયોગમાં લેવાયેલ કુહાડી તેમજ અગાઉ પીવડાવેલ દવા કબજે કરી છે. આરોપી વિરમ જોગ વિરુદ્ધ અગાઉ પ્રોહીબીશન એક્ટ હેઠળ સાત જેટલા ગુન્હાઓ નોંધાયેલા છે.