BREAKING NEWS

સૂપેડી-જાંજમેર મુખ્ય માર્ગ 20 દિવસથી બંધ તૂટેલા ડાયવર્ઝનથી 50થી વધુ ગામોના લોકોને હાલાકી

  • July 23, 2026 10:03 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ધોરાજી: ધોરાજી તાલુકાના સૂપેડી અને જાંજમેરને જોડતો મુખ્ય માર્ગ છેલ્લા 20 દિવસથી સંપૂર્ણપણે બંધ હોવાથી સ્થાનિક ગ્રામજનો, ખેડૂતો, વિદ્યાર્થીઓ, દર્દીઓ અને રોજિંદા અવરજવર કરતા હજારો લોકો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. પુલના નિર્માણ કાર્ય દરમિયાન બનાવવામાં આવેલું કામચલાઉ ડાયવર્ઝન વરસાદના કારણે તૂટી જતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે.
ગ્રામજનોના જણાવ્યા મુજબ ચોમાસાને ધ્યાનમાં રાખીને મજબૂત અને ટકાઉ ડાયવર્ઝન બનાવવાને બદલે માત્ર માટી અને પથ્થર નાખી કામચલાઉ વ્યવસ્થા કરવામાં આવી હતી. જેના કારણે સામાન્ય વરસાદમાં જ ડાયવર્ઝન ધોવાઈ ગયું અને માર્ગ બંધ થઈ ગયો છે. છેલ્લા 20 દિવસથી માર્ગ બંધ હોવા છતાં હજુ સુધી સમારકામ કે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી.
માર્ગ બંધ થતાં ધોરાજીથી જાંજમેર તથા જામનગર તરફ જતાં વાહનચાલકોને આશરે 20 કિલોમીટરનો વધારાનો ફેરો મારવો પડી રહ્યો છે. પરિણામે સમય અને ઇંધણનો વ્યય વધ્યો છે તેમજ લોકોના દૈનિક જીવન પર તેની સીધી અસર પડી રહી છે.
સૌથી વધુ મુશ્કેલી વિદ્યાર્થીઓ, દર્દીઓ અને ઇમરજન્સી સેવાઓને પડી રહી છે. એમ્બ્યુલન્સને પણ લાંબો ફેરો કરીને ગામ સુધી પહોંચવું પડતું હોવાથી દર્દીઓના જીવ પર જોખમ ઊભું થઈ રહ્યું છે. ખેડૂતોને કૃષિ કામગીરી માટે અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ માર્ગ સૂપેડી, જાંજમેર સહિત ઉપલેટા પંથકના અંદાજે 50 જેટલા ગામોને જોડતો મહત્વનો માર્ગ છે. અનેક વખત તંત્ર સમક્ષ રજૂઆતો કરવા છતાં કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ગ્રામજનોએ જિલ્લા વહીવટીતંત્ર, માર્ગ અને મકાન વિભાગ તેમજ સંબંધિત કોન્ટ્રાક્ટરને તાત્કાલિક તૂટેલા ડાયવર્ઝનનું સમારકામ કરી સુરક્ષિત અને મજબૂત વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરવાની માંગ કરી છે, જેથી સામાન્ય જનતાને વધુ મુશ્કેલીનો સામનો ન કરવો પડે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application