BREAKING NEWS

નૈઋત્યનું ચોમાસુ બે દિવસમાં પૂરું થઈ જશે, દક્ષિણનું ચોમાસુ બે દિવસમાં શરૂ થશે

  • October 15, 2025 11:07 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશના મોટાભાગના રાજ્યોમાં નૈઋત્યનું ચોમાસું પાછું ખેંચવાની પ્રક્રિયા અત્યારે ચાલુ છે અને તે આગામી બે દિવસમાં એટલે કે 48 કલાકમાં પૂરી થઈ જશે. નૈઋત્યનું ચોમાસું એક તરફ પૂરું થશે તે સાથે જ નોર્થ ઈસ્ટ મોનસુન એટલે કે દક્ષિણનું ચોમાસું શરૂ થવાની પ્રક્રિયા આગામી 48 કલાકમાં શરૂ થઈ જશે.


19મી પછી દક્ષિણનું ચોમાસું વધુ સક્રિય બનશે

અરબી સમુદ્રમાં હિંદ મહાસાગરને લાગુ પડે તેવા વિસ્તારમાં અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન દરિયાની સપાટીથી 3.1 થી 5.8 કીલોમીટરની ઊંચાઈ પર છવાયુ છે. આ સિસ્ટમ આગામી તારીખ 19ને રવિવારના રોજ લો પ્રેશરમાં પરિવર્તિત થશે જયારે તે લો પ્રેસરમાં ફેરવાશે ત્યારે કેરળ અને કર્ણાટક વચ્ચેના દરિયામાં લક્ષદીપ નજીક તે ઉદ્ભવશે. આ સિસ્ટમની અસરના ભાગરૂપે આંધ્ર પ્રદેશ કર્ણાટક કેરલ તામિલનાડુ સહિતના દક્ષિણના રાજ્યોમાં સાત દિવસ માટે છૂટાછવાયા મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તારીખ 19 પછી દક્ષિણનું ચોમાસું વધુ સક્રિય બનશે અને ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના નિહાળવામાં આવે છે.


તામિલનાડુના દરિયાકાંઠે વરસાદી સિસ્ટમ

બંગાળની ખાડીમાં સાઉથવેસ્ટ દિશામાં પણ એક અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન હિંદ મહાસાગરને લાગુ પડે તે મુજબ છવાયું છે. તામિલનાડુના દરિયાકાંઠે આ સિસ્ટમ જોવા મળે છે અને તેની અસરના ભાગરૂપે પણ અત્યારે વરસાદ પડી રહ્યો છે. બીજી તરફ દેશના મોટાભાગના રાજ્યોમાં નૈઋત્યનું ચોમાસું અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે.


બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હજુ ઊભું થયું નથી

હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી બે દિવસમાં ઈસ્ટરલી નોર્થ ઈસ્ટરલી પવનો દક્ષિણના રાજ્યોમાં ફુકાવાનું શરૂ થશે અને તે સાથે જ નોર્થ ઈસ્ટ મોનસુન શરૂ થવાની પ્રક્રિયા પણ જોવા મળશે. વાતાવરણમાં આવી રહેલા મોટા ફેરફારના કારણે દક્ષિણના રાજ્યોમાં વરસાદ પડશે તો દેશના અન્ય ભાગમાં શિયાળો શરૂ થઈ જશે. જોકે શિયાળો શરૂ થતા પૂર્વે વેસ્ટર્ન ડિસ્ટર્બન્ટ સર્જાતા હોય છે. આવું પ્રથમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયા પછી બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હજુ ઊભું થયું નથી. જો કે આમ છતાં શિયાળાના આગમનની છડી પોકારતું વાતાવરણ લોકો અનુભવે છે.


હાલ શિયાળો-ઉનાળો એમ બે ઋતુનો અનુભવ

ગુજરાતમાં અત્યારે શિયાળો અને ઉનાળો એમ બંને ઋતુનો અનુભવ લોકો કરે છે સમગ્ર રાજ્યમાં સૌથી ઊંચું તાપમાન મંગળવારે સુરતમાં 36.4 ડીસામાં 36.1 નલિયામાં 35.2 રાજકોટમાં 35 કંડલામાં 35.6 વેરાવળમાં 35.3 ડિગ્રી નોંધાયું હતું. બીજી બાજુ લઘુતમ તાપમાન ની વાત કરીએ તો ડીસામાં 19.8 નલિયામાં 18 રાજકોટમાં 19 ડિગ્રી આજે સવારે નોંધાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application