વડોદરાના ફતેગંજ વિસ્તારમાં આવેલી ન્યુ એરા સ્કૂલમાંથી કરૂણ ઘટના સામે આવી છે. સ્કૂલના ગ્રાઉન્ડમાં અન્ય બાળકો સાથે ફૂટબોલ રમી રહેલા 15 વર્ષીય વિદ્યાર્થી દેવ પ્રશાંતભાઇ શાહને ફ્લડ લાઇટના થાંભલામાંથી અચાનક વીજ કરંટ લાગતાં ગંભીર ઇજા પહોંચી હતી. દુર્ઘટના બાદ તેને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું કરૂણ મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ, નિઝામપુરા ડીલક્ષ ચાર રસ્તા પાસે આવેલી જયપ્રકાશ સોસાયટીમાં રહેતો અને ન્યુ એરા સ્કૂલમાં જ અભ્યાસ કરતો દેવ શાહ સાંજના સમયે શાળાના મેદાનમાં મિત્રો સાથે ફૂટબોલ રમી રહ્યો હતો. રમત દરમિયાન ફૂટબોલ ઉછળીને બાજુના પતરાના શેડ પર જતો રહ્યો હતો. દેવ બોલ નીચે ઉતારવા માટે ફ્લડ લાઇટના થાંભલા પર ચડીને ઉપર ગયો હતો. બોલ નીચે ફેંક્યા બાદ જ્યારે તે એ જ થાંભલા પરથી નીચે ઉતરી રહ્યો હતો ત્યારે તેને પ્રચંડ વીજ કરંટ લાગતાં તે જમીન પર ઢળી પડ્યો હતો.
બનાવની જાણ થતાં જ એમજીવીસીએલની ટીમે ઘટનાસ્થળે પહોંચીને વીજ જોડાણ કાપી નાખ્યું હતું. હાલ પોલીસ વીજ કંપનીના ટેકનિકલ રિપોર્ટની રાહ જોઈ રહી છે અને શાળાના આચાર્ય, સ્પોર્ટ્સ કોચ તથા મેદાન પર હાજર વિદ્યાર્થીઓના નિવેદન લેવાની તજવીજ હાથ ધરી છે. બીજી તરફ, વડોદરા પેરેન્ટ્સ એસોસિએશને આક્ષેપ કર્યો છે કે અગાઉ પણ વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે આચાર્યને રજૂઆતો કરવામાં આવી હતી. જોકે, શાળાના આચાર્યએ ઘટના અંગે ઊંડું દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, અધિકૃત ઇલેક્ટ્રિક કોન્ટ્રાક્ટર દ્વારા તપાસ કરાવાતાં કોઈ કરંટ લીક થતો હોવાનું પ્રાથમિક રીતે જણાયું નથી અને વિગતવાર તપાસ ચાલી રહી છે.
વીજ કરંટનો ભોગ બનેલો દેવ શાહ રમતગમતમાં અત્યંત હોંશિયાર હતો. તે ફૂટબોલ અને બેડમિન્ટનનો ચેમ્પિયન ખેલાડી હતો તેમજ આગામી દિવસોમાં નેશનલ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે કડક તૈયારીઓ કરી રહ્યો હતો. તેણે વિવિધ સ્પર્ધાઓમાં 50થી વધુ મેડલ મેળવ્યા હતા. તેના પિતા ડો. પ્રશાંતભાઇ શાહ નિઝામપુરામાં ડેન્ટિસ્ટ છે અને તેઓ પોતે પણ રમતગમતના શોખીન છે. આખું પરિવાર સ્પોર્ટ્સ પ્રેમી હોવા વચ્ચે આશાસ્પદ પુત્રના અકાળે અવસાનથી પરિવાર, સગા-સંબંધીઓ અને મિત્ર વર્તુળમાં ઘેરા શોકની કાલિમા છવાઈ ગઈ છે.