ભેનકવડ ડેમમાંથી માટી ઉપાડવા પ્રશ્ર્ને સુપરવાઇઝર ઉપર થયો હુમલો

  • June 02, 2025 03:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાણવડ નજીકના ભેનકવડ ડેમમાંથી માટી કાઢવા પ્રશ્ર્ને મનદુ:ખ થતા સુપરવાઇઝર પર હુમલો કરવામાં આવ્યો છે. જેમાં સામસામી પોલીસ ફરિયાદ દાખલ થઇ છે.
સુપરવાઇઝરની ફરિયાદ
જામજોધપુરના મોટીગોપ ખાતે રહેતા હસમુખ દેવશીભાઇ સોલંકી નામના ૪૬ વર્ષના સગર યુવાને એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે છેલ્લા ૨૦ દિવસથી અલ્પેશ સવદાસભાઇ પાથરે ભેનકવડ વર્તુ-૨ ડેમમાંથી માટી કાઢવા માટે પરમીટથી કામ ચાલુ કર્યુ હતુ આથી હસમુખ તેમની સાથે સુપરવાઇઝર તરીકે નોકરી કરતો હતો. તા. ૩૦-૫ના સવારે ડેમ ખાતે ગયો હતો અને દિવસભર કામ પૂર્ણ કર્યા બાદ ઘરે બાઇકમાં પરત જતો હતો ત્યારે ભેનકવડના પાટીયા પાસે પહોંચ્યો એ સમયે તેમની સાથે કામ કરતા ધાર્મિક ભરત બગડાનો ફોન આવ્યો હતો કે ઇશ્ર્વરીયા ગામના અજય જીવા ખુંટીએ રસ્તો બંધ કરી દીધો છે જેથી  હસમુખ ફરીથી ડેમ ઉપર ગયો હતો ત્યાં રામગઢનો કાના જેઠા ઓડેદરા, ઇશ્ર્વરીયાનો અજય જીવા ખુંટી, વિજય જેવા ખુંટી, સીમરનો પોલા ગાંગા ખુંટી અને રાહુલ ખુંટી તેમજ બીજા બે અજાણ્યા માણસો ત્યાં ઉભા હતા આથી ફરિયાદીએ તેમને એવુ કહ્યુ હતુ કે‘ તમે કેમ રસ્તો બંધ કરી દીધો?આ ડેમ સરકારી છે તમે રસ્તો બંધ કરી શકો નહીં અને તમે અહીંથી મને નીકળવા નહી દો તો પોલીસને ફોન કરીશ’ તેમ કહેતા એ તમામ ઉશ્કેરાઇ  ગયા હતા અને ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા. આથી હસમુખ ત્યાંથી દોડીને જતો રહ્યો હતો અને એકાદ કલાક પછી ઇશ્ર્વરીયા ગામ તરફ જતા રસ્તેથી નીકળ્યો ત્યારે અજય જીવા ખુંટીના મકાન પાસે પહોંચ્યો એ સમયે અજય જીવા ખુંટી અને કાના જેઠા ઓડેદરા બંને આવ્યા હતા અને ફરિયાદીના બાઇક આડે તેનું બાઇક રાખીને ‘તું અહીથી કેમ નીકળ્યો?’આથી ફરિયાદીએ તેને‘આ જાહેર રસ્તો છે એટલે નીકળ્યો છું’ તેમ કહેતા અજયની માતા હીરીબેન જીવાભાઇ ખુંટી પણ ત્યાં આવ્યા હતા અને ટીશર્ટનો કાંઠલો પકડીને બે ઝાપટ હસમુખને મારી હતી. તે પછી વિજય ખુંટી ત્યાં આવ્યો હતો અને ગાળો દેવા લાગ્યો હતો. તે દરમ્યાન પોલા ગાંગા અને રાહુલ પોલા પણ ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા. બનાવનું કારણ એવુ દર્શાવાયુ છે કે ‘સુજલામ્ સુફલામ્ યોજના’ અંતર્ગત ભેનકવડ ડેમમાંથી માટી ઉપાડવા બાબતે  અજય જીવા ખુંટી સાથે અગાઉ મનદુ:ખ થયુ હતુ તેથી આ બનાવ બન્યો છે તેમ જણાવ્યુ છે.
ક્રોસ ફરિયાદ
મારામારીના આ બનાવમાં ક્રોસ ફરિયાદમાં નોનકોગ્નીઝેબલ ગુન્હો દાખલ થયો છે જેમાં ઇશ્ર્વરીયા ગામે વાડીવિસ્તારમાં રહેતા હીરાબેન જીવાભાઇ ખુંટી દ્વારા એવી પોલીસ  ફરિયાદ નોંધાવવામાં આવી છે કે મોટીગોપના હસમુખ દેવજી સોલંકીએ હીરાબેન તથા પરિવારના સભ્ય સાથે સુજલામ્ સુફલામ્ યોજના અંતર્ગત ભેનકવડના ડેમમાંથી માટી ઉપાડવા માટે મનદુ:ખ ચાલ્યુ આવતુ હોવાથી બોલાચાલી કરીને હસમુખે હીરાબેન તથા તેના પરિવારના સભ્યોને ગાળો આપી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application