ગેરલાયકાતની કાર્યવાહી ટાળવા અને ચૂંટાયેલી સરકારોની સ્થિરતા પર અસર પહોંચાડવા માટે સાંસદો અને ધારાસભ્યો દ્વારા અપાતા કથિત 'વ્યૂહાત્મક રાજીનામા'ના દુરુપયોગને અટકાવવાની માંગ પર સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. સોમવારે અદાલતે પક્ષપલટા વિરોધી કાયદામાં વ્યાપક સુધારાની માંગ કરતી જાહેરહિતની અરજી પર કેન્દ્ર સરકાર, ચૂંટણી પંચ અને કાયદા પંચ પાસેથી જવાબ માંગ્યો છે.
ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની ખંડપીઠે એ. સેતુની અરજી પર કાયદા અને ન્યાય મંત્રાલય તેમજ સંસદીય બાબતોના મંત્રાલયને પણ નોટિસ પાઠવી છે. રાજીનામા દ્વારા ગેરલાયકાતમાંથી બચવાની પ્રવૃત્તિ પર ચિંતા એડવોકેટ આર. સતીશ કુમાર અને એડવોકેટ જતિન દ્વારા દાખલ કરાયેલી આ અરજીમાં રજૂઆત કરાઈ છે કે ગેરલાયકાતની કાર્યવાહીનો સામનો કરી રહેલા અથવા તેની શક્યતા ધરાવતા જનપ્રતિનિધિઓ ઘણીવાર સ્પીકર કે સભાપતિ ગુણ-દોષ પર નિર્ણય આપે તે અગાઉ જ રાજીનામું આપી દે છે. આવા પગલાંથી ગૃહનું સંખ્યાબળ બદલાઈ શકે છે, રાજકીય જોડાણો અને ખેંચતાણને પ્રોત્સાહન મળી શકે છે તેમજ બંધારણની દસમી અનુસૂચિ હેઠળ પક્ષપલટા કાયદાના પરિણામોમાંથી બચી શકાય છે.
કાર્યવાહી આપમેળે બંધ ન થાય તેવી માંગ અરજીમાં એવો આદેશ આપવાની માંગ કરાઈ છે કે બંધારણની દસમી અનુસૂચિ હેઠળ જો કોઈ સભ્ય સામે ગેરલાયકાતની કાર્યવાહી પડતર હોય કે સંભવિત હોય, તો તેના રાજીનામાથી આ કાર્યવાહી આપમેળે સમાપ્ત ન થવી જોઈએ. સ્પીકર અને સભાપતિએ નક્કર હકીકતોના આધારે રાજીનામાની સ્વૈચ્છિકતા અને વાસ્તવિકતા ચકાસીને તર્કસંગત આદેશ આપવો જોઈએ અને ગેરલાયકાતની અરજી પર સ્વતંત્ર નિર્ણય લેવો જોઈએ.
પારદર્શિતા અને ગૃહમાં બહુમતી પરીક્ષણની રજૂઆત આ ઉપરાંત રાજીનામા અને ગેરલાયકાતના મામલાઓનો સમયબદ્ધ, તર્કસંગત અને પારદર્શી ઉકેલ લાવવા, સ્પીકર-કેન્દ્રિત વ્યવસ્થાની સંસ્થાકીય સમીક્ષા કરવા તેમજ ત્રિશંકુ વિધાનસભાની સ્થિતિમાં સરકાર રચવા માટે અનુચ્છેદ 188 હેઠળ શપથગ્રહણ કર્યા બાદ માત્ર ગૃહની અંદર જ બહુમતી પરીક્ષણ થાય તે સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપવાની પણ અપીલ કરાઈ છે.