BREAKING NEWS

મેન્યુઅલ ગટર સફાઈ પર સુપ્રીમ કોર્ટ નારાજ ગુજરાત સહિત પાંચ રાજ્યોના CSને નોટિસ

  • July 28, 2026 05:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
દેશમાં કાયદાકીય પ્રતિબંધ અને અદાલતના સખત આદેશો હોવા છતાં મેન્યુઅલ સીવર સફાઈ (હાથથી ગટર સાફ કરવાની પ્રથા) બંધ ન થવા પર સુપ્રીમ કોર્ટે ભારે નારાજગી વ્યક્ત કરી છે. સર્વોચ્ચ અદાલતે ગઈકાલે આ બાબતે કડક વલણ અપનાવીને રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવોને કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ (કોર્ટની અવમાનના)ની નોટિસ ફટકારી છે.

જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ વિપુલ એમ. પંચોલીની બેંચ એક જૂના કેસની સુનાવણી અને અગાઉ આપવામાં આવેલા નિર્દેશોના અમલીકરણની સમીક્ષા કરી રહી હતી. સુનાવણી દરમિયાન નારાજગી વ્યક્ત કરતા જસ્ટિસ અરવિંદ કુમારે કહ્યું કે, હવે આ બધું વધુ સમય ચાલી શકે નહીં. તમે કોન્ટ્રાક્ટરો પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છો, પરંતુ અમે આ મામલે જવાબદારી નક્કી કરીશું. સુપ્રીમ કોર્ટે પાંચેય રાજ્યોના મુખ્ય સચિવો પાસેથી ૪ સપ્તાહની અંદર જવાબ સાથેનું સોગંદનામું માંગ્યું છે.

કેસમાં અમિકસ ક્યુરી (કોર્ટ મિત્ર) અને વરિષ્ઠ એડવોકેટ કે. પરમેશ્વરે અદાલતને જણાવ્યું કે કોર્ટના આદેશો છતાં મેન્યુઅલ સીવર લાઈન સફાઈનું કામ હજુ પણ ચાલુ છે. તેમણે સંસદમાં આપવામાં આવેલા ડેટાનો હવાલો આપતા જણાવ્યું કે વર્ષ ૨૦૨૪થી અત્યાર સુધીમાં મહારાષ્ટ્રમાં ૧૭, તમિલનાડુમાં ૧૨ અને રાજસ્થાનમાં ૧૩ લોકોના સીવર સફાઈ દરમિયાન મોત થયા છે, જેમાં ગુજરાત અને યુપી જેવા રાજ્યો પણ સામેલ છે.

ગટર લાઈન સફાઈ દરમિયાન થયેલા મૃત્યુના આંકડા પર નજર કરીએ તો મહારાષ્ટ્રમાં ૨૭, રાજસ્થાનમાં ૨૩, તમિલનાડુમાં ૨૧, ઉત્તર પ્રદેશમાં ૧૯, હરિયાણામાં ૧૪, ગુજરાતમાં ૧૩ અને મધ્ય પ્રદેશમાં છ લોકો સહિત સમગ્ર દેશમાં કુલ ૧૬૫ના મોત થયા છે.

સુપ્રીમ કોર્ટના આ સખત વલણથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે માનવતાને શરમાવતી આ પ્રથાને નાબૂદ કરવા માટે હવે માત્ર કાગળ પરના નિયમો પૂરતા નથી, પરંતુ જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવી જરૂરી બની ગઈ છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application