BREAKING NEWS

સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલના જામીન સુપ્રીમ કોર્ટે ફગાવ્યા, ઘૂંટણની સારવાર માટે જામીન માગતી અરજી નામંજૂર

  • October 29, 2026 11:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુરેન્દ્રનગરના પૂર્વ જિલ્લા કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલને સુપ્રીમ કોર્ટમાંથી પણ જામીનના મામલે રાહત મળી નથી. જમીન બિનખેતી (એન.એ.) મંજૂરી પ્રકરણમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા કાર્યવાહી કરવામાં આવતાં હાલ જેલમાં રહેલા રાજેન્દ્ર પટેલે જામીન મેળવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જોકે, સર્વોચ્ચ અદાલતે તેમની અરજી ફગાવી દીધી છે. ઘૂંટણની તબીબી સારવારના આધારે જામીન મેળવવાની માગણી પણ નામંજૂર કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

આ મામલે અગાઉ હાઇકોર્ટે પણ રાજેન્દ્ર પટેલની જામીન અરજી ફગાવી હતી. સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિઓએ હાઇકોર્ટના ચુકાદામાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કરતાં જામીન મેળવવાની તેમની આશા પર પાણી ફરી વળ્યું છે. હાઇકોર્ટના ચુકાદામાં જામીન માટેની કાયદાકીય જોગવાઈઓ, ખાસ કરીને મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમની કલમ 45 હેઠળની શરતોના પાલનના મુદ્દાને મહત્ત્વ આપવામાં આવ્યું હતું.

ઇડીની તપાસમાં ઝાલાવાડ વિસ્તારમાં જમીન એન.એ. મંજૂરીના કુલ 842 અરજીઓના પ્રકરણની તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ મુજબ, 4 ફેબ્રુઆરીથી 30 ડિસેમ્બર, 2025 દરમિયાન આ અરજીઓ સંબંધિત પ્રક્રિયામાં કુલ રૂ. 9.70 કરોડથી વધુની લાંચ લેવાઈ હોવાના આક્ષેપો સામે આવ્યા છે.

તપાસમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે ડો. રાજેન્દ્ર પટેલના કાર્યકાળ દરમિયાન જમીન એન.એ.ની 501 અરજીઓ મંજૂર કરવામાં આવી હતી અને આ પ્રક્રિયામાં રૂ. 3.12 કરોડથી વધુની રકમ મળ્યાનું ઇડીની તપાસમાં બહાર આવ્યું છે.

જમીન એન.એ. મંજૂરીમાં કથિત ભ્રષ્ટાચાર અને નાણાકીય ગેરરીતિઓના આ પ્રકરણમાં સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન નકારવામાં આવતાં કેસ વધુ ચર્ચામાં આવ્યો છે. હવે આ કેસમાં તપાસ અને કાયદાકીય કાર્યવાહી પર સૌની નજર રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application