BREAKING NEWS

સોહરાબુદ્દીન કેસમાં 92 સાક્ષીનું ફરી જવું ચિંતાજનક, સુનાવણી થશે: સુપ્રીમ કોર્ટ

  • September 29, 2026 01:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સોહરાબુદ્દીન શેખ, તેની પત્ની કૌસર બી અને તુલસીરામ પ્રજાપતિના કથિત ફેક એન્કાઉન્ટર મામલે ૨૧ પોલીસકર્મીઓ સહિત તમામ આરોપીઓને નિર્દોષ છોડી મુકવાના ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. સોહરાબુદ્દીન શેખના ભાઈ નયાબુદ્દીન શેખ દ્વારા દાખલ કરાયેલી આ અપીલ પર સુપ્રીમ કોર્ટ દ્વારા સુનાવણી કરવામાં આવશે. આ કેસમાં ટ્રાયલ દરમિયાન 92 જેટલા સાક્ષીઓ ફરી ગયા તે મુદ્દે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જોયમાલ્યા બાગચીએ મૌખિક રીતે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું અને કહ્યું હતું કે 'આ ખરેખર ચિંતાજનક બાબત છે.'

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયાધીશ જોયમાલ્યા બાગચી અને ન્યાયાધીશ વી. મોહનાની બેંચ સમક્ષ હાથ ધરાયેલી સુનાવણી દરમિયાન ટ્રાયલ વખતે ૯૨ સાક્ષીઓ ફરી જવા (હૉસ્ટાઇલ થવા)ના મુદ્દે ગંભીર ચર્ચા થઈ હતી. બેંચમાં સામેલ ન્યાયાધીશ જોયમાલ્યા બાગચીએ મૌખિક રીતે આશ્ચર્ય વ્યક્ત કરતા ટિપ્પણી કરી હતી કે, આ તો હોલસેલ વિટનેસ હોસ્ટાઈલ કહેવાય, અમે સાક્ષીઓના નિવેદનોની પણ ચકાસણી કરીશું. તેમણે વધુમાં ઉમેર્યું કે કોઈ ટ્રાયલમાં ૯૨ સાક્ષીઓ ફરી જાય તે ખરેખર ગંભીર અને ચિંતાજનક છે. કોર્ટ તપાસશે કે ટ્રાયલમાં ખરેખર પારદર્શિતા હતી કે કેમ.

સીબીઆઈના કેસ મુજબ, ૨૩ નવેમ્બર ૨૦૦૫ના રોજ સોહરાબુદ્દીન શેખ, કૌસર બી અને તેનો સાથી તુલસીરામ પ્રજાપતિ હૈદરાબાદથી મહારાષ્ટ્રના સાંગલી જઈ રહ્યા હતા ત્યારે ગુજરાત પોલીસની ટીમે બસ રોકીને ત્રણેયની અટકાયત કરી હતી. ૨૬ નવેમ્બર ૨૦૦૫ના રોજ અમદાવાદ નજીક વિશાલા સર્કલ પાસે હાઈવે પર સોહરાબુદ્દીનનું એન્કાઉન્ટર કરાયું હતું. પોલીસે દાવો કર્યો હતો કે તે લશ્કર-એ-તોયબાનો આતંકવાદી હતો. ઘટનાના ત્રણ દિવસ બાદ કૌસર બીની પણ હત્યા કરીને મૃતદેહનો સળગાવીને નિકાલ કરાયો હતો. આ ઘટનાના મુખ્ય સાક્ષી તુલસીરામ પ્રજાપતિને ડિસેમ્બર ૨૦૦૬માં બનાસકાંઠાના છાપરી પાસે અન્ય એક એન્કાઉન્ટરમાં મારી નાખવામાં આવ્યો હતો.

આ ચકચારભર્યા અને હાઈપ્રોફાઈલ કેસમાં શરૂઆતમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાજસ્થાનના તત્કાલીન ગૃહમંત્રી ગુલાબચંદ કટારિયા, ગુજરાત એટીએસના પૂર્વ ડીઆઈજી ડી.જી. વણઝારા, પી.સી. પાંડે, ગીતા જોહરી, અભય ચુડાસમા, એન.કે. અમીન, રાજકુમાર પાંડિયન અને દિનેશ એમ.એન. સહિત કુલ ૩૮ લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા. પોલીસ રેકોર્ડ મુજબ, મધ્યપ્રદેશના ઉજ્જૈનનો વતની સોહરાબુદ્દીન એક ગેંગસ્ટર હતો અને તેની સામે ૬૦થી વધુ ગુનાહિત કેસ નોંધાયેલા હતા.

વર્ષ ૨૦૧૪માં મુંબઈની વિશેષ સીબીઆઈ અદાલતે પુરાવાના અભાવે અમિત શાહને તમામ આરોપોમાંથી મુક્ત (ડિસ્ચાર્જ) કર્યા હતા. અદાલતે નોંધ્યું હતું કે તેમની સામે રાજકીય હેતુથી પ્રેરાઈને કેસ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ડી.જી. વણઝારા સહિત અન્ય ૧૫ વરિષ્ઠ અધિકારીઓને પણ ટ્રાયલ શરૂ થાય તે પહેલાં જ ડિસ્ચાર્જ કરી દેવાયા હતા. બાદમાં ડિસેમ્બર ૨૦૧૮માં સીબીઆઈ કોર્ટે બાકીના ૨૨ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા, જેને બોમ્બે હાઈકોર્ટે પણ યોગ્ય ઠેરવ્યો હતો. હવે સુપ્રીમ કોર્ટ આ સમગ્ર ટ્રાયલ અને સાક્ષીઓના નિવેદનોની કાયદાકીય ચકાસણી કરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News