BREAKING NEWS

સુરત SBI બેંક લૂંટના આરોપીનું પોલીસ પર ફાયરિંગ, ACPએ વળતા જવાબમાં ગોળીબાર કરતા આરોપીને પગમાં ગોળી વાગી

  • May 08, 2026 07:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુરતના વરાછા વિસ્તારમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ની શાખામાં થયેલી રૂા. 50 લાખની સનસનાટીભરી લૂંટના કેસમાં આજે એક નાટ્યાત્મક વળાંક આવ્યો છે. આ કેસની તપાસ કરી રહેલી સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ પર મુખ્ય આરોપી શુભમે હથિયાર રિકવરી દરમિયાન ફાયરિંગ કરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ટીમની આગેવાની કરી રહેલા એસીપી કિરણ મોદીએ ત્વરિત નિર્ણયશક્તિ વાપરી સ્વબચાવમાં વળતું ફાયરિંગ કરતા આરોપીના બંને પગમાં ગોળી વાગી હતી. હાલ ઈજાગ્રસ્ત આરોપી પોલીસના ચુસ્ત બંદોબસ્ત હેઠળ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે.


હથિયાર રિકવરી દરમિયાન પોલીસ પર હુમલો

વરાછા બેંક લૂંટ કેસમાં પકડાયેલા આરોપીઓ શુભમ અને વિકાસ હાલ સાત દિવસના પોલીસ રિમાન્ડ પર છે. પૂછપરછ દરમિયાન મુખ્ય આરોપી શુભમે કબૂલાત કરી હતી કે લૂંટની ઘટનામાં વપરાયેલી પિસ્તોલ અને મોબાઈલ ફોન તેણે સુરત ગ્રામ્યના કન્યાસી ગામ પાસે એક ખેતરની ખાડી નજીક છુપાવ્યા છે. આ કબૂલાતના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ હથિયાર જપ્ત કરવા માટે આરોપીને લઈને ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસ જ્યારે ખાડી વિસ્તારમાં તપાસ કરી રહી હતી, ત્યારે આરોપી શુભમે અચાનક પોલીસ કર્મચારી પાસેથી પિસ્તોલ છીનવી લીધી હતી અને પોલીસ ટીમ પર ગોળીબાર શરૂ કરી દીધો હતો.


એસીપીનું વળતું ફાયરિંગ અને આરોપીની ધરપકડ

આ ઓચિંતા હુમલાથી પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી, પરંતુ એસીપી કિરણ મોદીએ ભારે હિંમત અને સતર્કતા દાખવી હતી. પોલીસ ટીમનો જીવ જોખમમાં મૂકાયેલો જોઈ એસીપીએ સ્વબચાવમાં પોતાની સર્વિસ રિવોલ્વરથી વળતો ગોળીબાર કર્યો હતો. આ ફાયરિંગમાં ગોળી આરોપી શુભમના બંને પગની આરપાર નીકળી ગઈ હતી, જેના કારણે તે ભાગી શક્યો નહીં અને લોહીલુહાણ હાલતમાં જમીન પર પટકાઈ પડ્યો હતો. પોલીસે તાત્કાલિક ઘાયલ આરોપીને કસ્ટડીમાં લઈ 108 મારફતે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડ્યો હતો.


તપાસનો ધમધમાટ તેજ

આ હિંસક ઘટના બાદ સુરત ક્રાઈમ બ્રાન્ચે કન્યાસી ગામ અને હોસ્પિટલ પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. પોલીસ પર હુમલો કરવા બદલ આરોપી વિરુદ્ધ અલગથી ગુનો નોંધવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે. એસીપી કિરણ મોદીની બહાદુરી અને સમયસૂચકતાને કારણે મોટી જાનહાનિ ટળી છે અને લૂંટનો મુખ્ય સૂત્રધાર ફરી કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. આ ઘટનાએ ગુનેગારોમાં પોલીસનો ખોફ પેદા કર્યો છે, જ્યારે બીજી તરફ લૂંટના કેસમાં વધુ કડીઓ મેળવવા તપાસ તેજ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application