ગુજરાત રાજ્યને હચમચાવી મૂકનારા ભાવનગરના ચર્ચિત નકલી લઠ્ઠાકાંડની ગંભીર અસરો હવે સુરત શહેરમાં સામે આવી છે. ભાવનગરમાં ઝેરી દારૂનું સેવન કર્યા બાદ સુરત આવેલા મૂળ ભાવનગરના રહીશ સંજયસિંહ ડોડિયા નામના યુવકની તબિયત અત્યંત નાજુક બનતાં તેમને સુરતની ખટોદરા સ્થિત આઇએનએસ હોસ્પિટલમાં બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી આઇસીયુમાં જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલા આ યુવકને હાલ વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યો છે અને પરિવારજનોને પણ સ્થિતિ અંગે જાણ કરી દેવાઈ છે.
મળતી વિગતો અનુસાર, સંજયસિંહ ગત ૧૬મી ઓગસ્ટની રાત્રે ભાવનગરમાં ઝેરી દારૂ પીધા બાદ ૧૭મી તારીખે સવારે સુરત પહોંચ્યો હતો. સુરત પહોંચતાની સાથે જ તેમની આંખો બંધ થઈ ગઈ હતી અને તબિયત એકાએક કથળી હતી. શરૂઆતમાં પરિવારજનો દ્વારા તેમને વરાછાની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં પ્રાથમિક તબીબી રિપોર્ટ દરમિયાન જ તેમને હાર્ટ એટેક આવતાં હૃદય બંધ પડી ગયું હતું. તબીબોએ ત્વરિત સીપીઆર આપીને હૃદયના ધબકારા પુનઃ શરૂ કર્યા હતા, પરંતુ તે પછી તેઓ સતત અર્ધમૂર્છિત અને બેભાન અવસ્થામાં સરી પડ્યા હતા.
તબીબી તપાસમાં સામે આવ્યું હતું કે નશાના કારણે સંજયસિંહના મગજ સુધી પૂરતો ઓક્સિજન પહોંચી રહ્યો નહોતો. નશાની અસર તપાસવા કરાવાયેલા ખાસ રિપોર્ટમાં તેમના શરીરમાં ઇથેનોલ અને મિથેનોલ પોઇઝનિંગની અતિ ગંભીર ઝેરી અસર હોવાનું સ્પષ્ટ થયું હતું. ઝેરી દારૂ પીધાના માત્ર આઠ થી દસ કલાકમાં જ આ ઝેર આખા શરીરમાં ફેલાઈ જતાં તેમની ન્યુરોલોજીકલ સ્થિતિ અત્યંત કથળી ગઈ હતી. જેથી તેમને તાત્કાલિક સુરતની જાણીતી ન્યુરો હોસ્પિટલ આઇએનએસમાં શિફ્ટ કરાયો હતો. આઇએનએસ હોસ્પિટલના ન્યુરો એક્સપર્ટ્સ દ્વારા સઘન સારવાર આપવા છતાં મગજ સંપૂર્ણપણે નિષ્ક્રિય થઈ જતાં તેમને આખરે બ્રેઇન ડેડ જાહેર કરાયો છે. હાલ શરીરના અન્ય મહત્ત્વના અંગો કાર્યરત રહે તે માટે જરૂરી દવાઓ આપવામાં આવી રહી છે.
બીજી તરફ, ૧૮મી ઓગસ્ટે પ્રકાશમાં આવેલા આ લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને નવ થઈ ગયો છે, જ્યારે ૩૦થી વધુ લોકો હાલમાં પણ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે. આ પ્રકરણમાં પોલીસે કુલ ૨૧ આરોપીઓમાંથી ૧૩ આરોપીઓને ૧૪ દિવસના રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યાં કોર્ટે તેમના ૧૦ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ભાવનગર ક્રિમિનલ બાર એસોસિએશને એક મહત્વપૂર્ણ ઠરાવ પસાર કરીને આરોપીઓનો કેસ ન લડવાનો સર્વાનુમતે નિર્ણય લીધો છે.
લઠ્ઠાકાંડના કારણે પોલીસ તંત્રની ઘોર બેદરકારી સામે આવતા કડક કાર્યવાહી કરવામાં આવી છે. ભાવનગર રેન્જ આઈજીએ વરતેજ પોલીસ સ્ટેશનના પીઆઈ એ.બી.પઢેરીયાને અને ડીજીપી દ્વારા એલસીબી પીઆઈ મયુરધ્વજસિંહ સરવૈયાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત, ૧૯મીની રાત્રે સ્થાનિક એસપી દ્વારા વરતેજ પોલીસ સ્ટેશનના અન્ય ૪ પોલીસ કર્મચારીઓને પણ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાતાં પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે.