BREAKING NEWS

શૂટિંગમાં ભારતને મળ્યા ગોલ્ડ અને સિલ્વર સુરુચિ અને કમલજીતે લગાવ્યું સુવર્ણ નિશાન

  • September 25, 2026 10:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એશિયન ગેમ્સમાં ભારતને ત્રણ દિવસના લાંબા ઇંતજાર બાદ બીજો ગોલ્ડ મેડલ મળ્યો છે. આજે સવારે ભારતીય શૂટર્સે શાનદાર પ્રદર્શન કરતાં 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં સુરુચિ સિંહ અને કમલજીતની જોડીએ ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સાથે ભારતના કુલ ગોલ્ડ મેડલની સંખ્યા બે થઈ ગઈ છે. શૂટિંગમાં ભારતને બેવડી ખુશી મળી છે. ગોલ્ડ મેડલ જીત્યા બાદ હવે ભારતે સિલ્વર મેડલ પણ હાંસલ કર્યો હતો. પુરુષોની 50 મીટર રાઇફલ 3-પી ટીમ સ્પર્ધામાં રુદ્રાંક્ષ બાળાસાહેબ પાટિલ, કુમાર નીરજ અને ઐશ્વર્ય પ્રતાપ સિંહે શાનદાર પ્રદર્શન કરીને આ સિલ્વર મેડલ મેળવ્યો છે.10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં ભારત માટે મેડલ જીતવાની આ છેલ્લી તક હતી. એશિયન ગેમ્સના ઈતિહાસમાં ભારતને સૌથી વધુ મેડલ શૂટિંગમાંથી મળ્યા છે. જોકે, આ ગેમ્સમાં અત્યાર સુધી ભારતીય શૂટર્સનું પ્રદર્શન અપેક્ષા મુજબ રહ્યું નહોતું. હવે સુરુચિ અને કમલજીતની જોડીએ શાનદાર વાપસી કરીને દેશને બીજો સુવર્ણ મેડલ અપાવ્યો છે.કમલજીત વ્યક્તિગત ક્વોલિફિકેશનમાં 9મા ક્રમે અને સુરુચિ સિંહ 26મા ક્રમે રહી હતી. બંને ખેલાડીઓ વ્યક્તિગત ફાઇનલમાં સ્થાન બનાવી શક્યા નહોતા. ભારત પુરુષ અને મહિલા ટીમ ઈવેન્ટમાં પણ મેડલ જીતવામાં નિષ્ફળ રહ્યું હતું.પરંતુ આજે સવારે સુરુચિ અને કમલજીતે મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું. ભારતીય જોડીએ 484.6 પોઈન્ટ સાથે ટોચનું સ્થાન મેળવ્યું અને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો.શરૂઆતની સીરિઝમાં ભારતીય જોડીએ 196 પોઈન્ટ મેળવ્યા હતા. ત્યારબાદ બીજી સીરિઝમાં 195 પોઈન્ટ સાથે તેમનો કુલ સ્કોર 391 થયો હતો. ત્રીજી સીરિઝમાં બંનેએ વધુ 196 પોઈન્ટ મેળવ્યા અને કુલ સ્કોર 587 પોઈન્ટ સુધી પહોંચાડ્યો. આ સ્કોરમાં 29 ઇનર-10નો સમાવેશ થયો હતો.ક્વોલિફિકેશનમાં ટોચની ચાર જોડીઓ ફાઇનલ માટે ક્વોલિફાય થાય છે. સુરુચિ સિંહ અને કમલજીતે શાનદાર પ્રદર્શન કરીને ફાઇનલમાં સ્થાન બનાવ્યું અને અંતે ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો.આ ગોલ્ડ સાથે ભારતીય શૂટર્સે એશિયન ગેમ્સમાં ફરી એકવાર પોતાની મજબૂત હાજરી નોંધાવી છે. દેશભરના રમતપ્રેમીઓ માટે પણ આ જીત મોટી ખુશખબર બની છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application