BREAKING NEWS

રાત્રે હેરાન કરી, નગ્ન કરી ખરાબ કામ કરાવે છે... લખેલી ચિઠ્ઠી સાથે સરધારના હોડથલીમાં આધેડનો શંકાસ્પદ મૃતદેહ વાડીએથી મળ્યો

  • June 05, 2026 12:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સરધારના હોડથલી ગામના આધેડનો પોતાની બાડપર ગામની સીમમાં આવેલી વાડીએ ખાટલા પરથી મૃતદેહ મળી આવતા પરિવારમાં અરેરાટી પ્રસરી જવા પામી છે. આધેડ પાસેથી એક ચીઠી પણ મળી આવી હતી જેમાં બાડપર અને હરીપરના બે શખ્સો ઉપરાંત પાંચ અજાણ્યા મળી સાત વ્યક્તિઓના નામ લખ્યા છે જેના કારણે આપઘાત કરું છું સહિતની વિગતો લખતા પોલીસે ચીઠી કબજે કરી આધેડનું મોત કેવી રીતે થયું છે એ જાણવા ફોરેન્સિક પીએમ કરાવાયું છે.


બનાવની મળતી વિગત મુજબ સરધારના હોડથલી ગામે રહેતા હરિભાઈ રાજાભાઈ જાદવ (ઉ.વ.50)ના આધેડ ગઈકાલે સવારે ઘરેથી બાડપર ગામની સીમમાં આવેલી વાડીએ જવા નીકળ્યા બાદ મોડે સુધી પરત ન ફરતા પરિવારજનોએ ફોન કર્યો હતો પરંતુ ફોન રિસીવ થતો ન હોવાથી પુત્ર મયુરભાઈએ વાડીએ જઈ તપાસ કરતા પિતા ખાટલા પર સુતેલા જોવા મળ્યા હતા. તેને જગાડતા જાગતા ન હોવાથી પરિવારના અન્ય સભ્યોની સાથે 108ને ફોન કરી જાણ કરી સારવાર માટે સરધાર હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં શોક છવાયો હતો. બનાવ અંગે આજીડેમ પોલીસને જાણ કરતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.


આધેડ પાસેથી એક ચીઠી પણ મળી આવી હતી જેમાં લખ્યું હતું કે, હું હરિભાઈ રાજાભાઈ જાદવ લખું છું કે, બાડપરના નરેશ સોઢા, હરીપરના રવજી ચાવડા અને તેની સાથે અજાણ્યા માણસો જે મોઢે રૂમાલ બાંધીને આવે છે, આ લોકો બે વર્ષથી મને હેરાન કરી મારી નાખવાની ધમકી આપે છે. અને અવાર નવાર રાત્રે હેરાન કરી, નગ્ન કરી ખરાબ કામ કરાવે, હું આ દુઃખ સમાજ ને કહી શકુ એમ નથી, રૂ.20 હજાર આ બંને લોકોએ લીધા છે, મારા ફોટો વિડીયો પણ લીધા છે અને વાયરલ કરવાની ધમકી પણ આપી હતી. હું આનાથી કંટાળી ગયો છું, આથી આત્મહત્યા કરું છું, પોલીસે ચીઠી કબ્જે કરી આધેડનું મોત ક્યાં કારણોસર થયું છે એ જાણવા ફોરેન્સીક પીએમ કરાવ્યું છે, જેના રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ સામે આવી શકે છે, હાલ આજીડેમ પોલીસે ચીઠીના આધારે આગળની તપાસ યથાવત રાખી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application