BREAKING NEWS

જૂનાગઢની ડેરીમાંથી શંકાસ્પદ દૂધ અમદાવાદ મહેસાણા સહિત રાજ્યભરમાં સપ્લાય થતુ'તુ

  • August 03, 2026 10:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજકોટ ગ્રામ્ય એસઓજી અને એલસીબીની ટીમે જેતપુર નજીકથી દૂધ ભરેલું ટેન્કર ઝડપી લઇ તપાસ કરતા તેમાંથી 5400 લિટર શંકાસ્પદ દૂધનો જથ્થો મળી આવ્યો હતો. જે પ્રાથમિક દ્રષ્ટિએ જ ભેળસેળિયુક્ત હોવાનું જણાતા આ દૂધના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. પોલીસે સુરેન્દ્રનગરના થાનમાં રહેતા ટેન્કર ચાલકની અટકાયત કરી હતી. પ્રાથમિક તપાસમાં જૂનાગઢના ચાંપોદરમાં આવેલી ડેરીમાંથી આ દૂધનો જથ્થો સુરેન્દ્રનગરના મૂળી તાલુકાની ડેરીમાં પહોંચડવાનો હતો. એટલું જ નહીં છેલ્લા છ માસથી આ કારસ્તાન ચાલતું હતું અને સૌરાષ્ટ્ર ઉપરાંત અમદાવાદ મહેસાણા સહિતના સ્થળોએ આ દૂધની સપ્લાય થતી હોવાનું માલુમ પડ્યું છે. હાલ પોલીસ દ્વારા દૂધનું સેમ્પલ પૃથ્થકરણ માટે લેબમાં મોકલવામાં આવ્યું છે જેનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. પ્રાપ્ત વિગતો મુજબ, રાજકોટ રેન્જ આઇજી નિર્લિપ્ત રાય અને રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા જિલ્લામાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળની પ્રવૃત્તિ કરનાર શખસો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હોય જેને લઇ એસઓજી પીઆઈ એફ.એ. પારગી અને એલસીબી પીઆઈ જે.પી.રાવની રાહબરી હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન એવી બાતમી મળી હતી કે, સુરેન્દ્રનગરના થાન તાલુકાના ખાખરાતળ ગામે રહેતો ભરત મામૈયાભાઈ લોહ નામનો શખસ આઇસર ટેન્કર નંબર ટીએ 2872 માં શંકાસ્પદ ભેળસેળયુકત દૂધનો જથ્થો લઈ જુનાગઢથી રાજકોટ તરફ આવનાર છે. આ બાતમીના આધારે પોલીસની ટીમે જેતપુર નજીક આ શંકાસ્પદ દૂધના જથ્થા સાથેનું ટેન્કર અટકાવ્યું હતું. ટેન્કરમાંથી 5400 લિટર દૂધ (કિં.રૂ. 2.70 લાખ) નો જથ્થો મળી આવતા ફૂડ એન્ડ સેફ્ટી ઓફિસર એસ.જે.કટારીયા દ્વારા ચેક કરાવતા જરૂરી સેમ્પલ બાદ પ્રાથમિક દ્રષ્ટિએ જ આ દૂધ ભેળસેળયુક્ત હોવાનું ફલિત થયું હતું. જેથી દૂધના જથ્થાનો નાશ કરી ટેન્કર ચાલક ભરત લોહ(ઉ.વ.૨૯) ની અટકાયત કરી હતી. દૂધનું સેમ્પલ પૃથ્થકરણ માટે મોકલી દેવામાં આવ્યું છે જેનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરાશે વધુમાં જાણવા મળતી વિગતો દૂધ ભરેલું ટેન્કર લઈ જઈ રહેલા ટેન્કર ચાલકની પૂછતાછ કરતા દૂધનો આ જથ્થો જૂનાગઢના ચાંપોદરમાં આવેલી અલખધણી ડેરીમાંથી રવાના કરવામાં આવ્યો હતો અને સુરેન્દ્રનગરના મુળી તાલુકાની પંચાલ ડેરીમાં કરમશી રબારીને દૂધ સપ્લાય કરવાનું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે, જુનાગઢ પંથકમાં આવેલી અલખધણી ડેરીમાંથી સૌરાષ્ટ્ર ઉપરાંત અમદાવાદ, મહેસાણા સહિતના સ્થળોએ દૂધની સપ્લાય થતી હતી અને છેલ્લા છ માસથી તેઓ આ પ્રકારે કારસ્તાન આચરતા હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે. હાલ પોલીસ દ્વારા દૂધના સેમ્પલનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ કામગીરીમાં એસ.ઓ.જી.પી.આઈ જે.પી. રાવની રાહબરી હેઠળ પીએસઆઇ આર.વી. ભીમાણી, એ.એસ.આઇ અનિલભાઈ બડકોદિયા, કોન્સ્ટેબલ ભરતભાઈ ગમારા જયારે એસોજી પીઆઇ એફ.એ. પારગીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ જી.જે. ઝાલા, એએસઆઈ પી.કે. શામળા, નવદીપભાઈ બાબરીયા સાથે રહ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application