સુવેન્દુ અધિકારી બંગાળના પહેલા ભાજપ મુખ્યમંત્રી બન્યા છે. રાજ્યપાલ આર.એન. રવિએ તેમને મુખ્યમંત્રી પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ભાજપના વરિષ્ઠ નેતાઓ સહિત ઓછામાં ઓછા 20 રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજર રહ્યા હતા.
ભવાનીપુરમાં મમતા બેનર્જીને હરાવનારા અનુભવી નેતા સુવેન્દુ અધિકારીને ભાજપના ધારાસભ્ય પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. તેમણે ગઈકાલે રાજ્યપાલ સમક્ષ સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. પ્રખ્યાત બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે એક ભવ્ય શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટીએમસીના 15 વર્ષના શાસનનો અંત અને બંગાળમાં ભાજપના રાજકીય ઉદયનો પ્રથમ વખત સંકેત છે.
ચૂંટણી દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે તેઓ શપથ ગ્રહણ સમારોહ માટે બંગાળ પાછા ફરશે. પીએમ મોદીએ પોતાનું વચન પૂરું કર્યું અને સમારોહમાં હાજરી આપી હતી. સુવેન્દુ અધિકારીએ પીએમ મોદીના ચરણ સ્પર્શ કરી પગે લાગ્યા હતા. આ કાર્યક્રમ માટે 1,000થી વધુ વીવીઆઇ કાર્ડ મોકલવામાં આવ્યા હતા. આ ઉપરાંત, 9,000 લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. શપથ ગ્રહણ સમારોહનો મંડપ સંપૂર્ણ રીતે ભરેલો હતો તે સ્પષ્ટપણે દેખાતું હતું. ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ પ્રમુખ નીતિન નવીન, રાજનાથસિંહ, યોગી આદિત્યનાથ, મિથુન ચક્રવતી અને એનડીએ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓએ પણ સમારોહમાં હાજરી આપી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શપથ સમારોહ પહેલા એક્સ પર એક પોસ્ટમાં લખ્યું કે. આજ, 'પોચિશે બોઈશાખ' પર, અમે ગુરુદેવ ટાગોરને અમારી હાર્દિક શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. ગુરુદેવ ટાગોર અસાધારણ પ્રતિભા ધરાવતા લેખક, વિચારક અને કવિ હતા. તેમણે એક અસાધારણ દાર્શનિક, શિક્ષણવિદ્, કલાકાર અને ભારતની સભ્યતાગત આત્માના એક શાશ્વત અવાજ તરીકે પોતાની એક અમિટ છાપ છોડી. તેમણે માનવતાની ગહનતમ ભાવનાઓ અને આપણી સંસ્કૃતિના ઉચ્ચતમ આદર્શોને પોતાની અભિવ્યક્તિ પ્રદાન કરી. તેમણે આપણા સમાજને નવીન વિચારો, રચનાત્મક ઊર્જા અને સાંસ્કૃતિક આત્મવિશ્વાસથી સમૃદ્ધ કર્યો. અમે તેમને ઊંડી શ્રદ્ધા અને કૃતજ્ઞતા સાથે યાદ કરીએ છીએ. તેમના વિચારો નિરંતર આપણા મનોને આલોકિત કરતા રહે અને આપણા પ્રયાસોમાં આપણું માર્ગદર્શન કરતા રહે.
પાંચ ધારાસભ્યોએ મંત્રી પદના શપથ લીધા
માથાભાંગા મતવિસ્તારના ધારાસભ્ય નિશીથ પ્રામાણિકે મંત્રી તરીકે શપથ લીધા હતા. તેમણે પોતાની રાજકીય કારકિર્દી ટીએમસીથી શરૂ કરી હતી અને 2019માં ભાજપમાં જોડાયા હતા. તેઓ ઉત્તર બંગાળના છે. ક્ષુદીરામ ટુડુ બંગાળના આદિવાસી નેતા છે. તેઓ વ્યવસાયે શિક્ષક છે અને અગાઉ સરકારી શાળામાં ભણાવતા હતા. તેમણે સંથાલી ભાષામાં શપથ લીધા હતા. અશોક કીર્તનિયાએ મંત્રી પદના શપથ લીધા હતા. તેઓ બાણગાંવ ઉત્તરના ધારાસભ્ય છે. તેઓ મુટા સમુદાયમાં સક્રિય છે. તેઓ સતત બે વાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. અગ્નિમિત્રા પોલે મંત્રી તરીકે પણ શપથ લીધા હતા. તેમને નાયબ મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવે તેવી ચર્ચા છે. દિલીપ ઘોષે મંત્રી તરીકે શપથ લીધા હતા. નિષ્ણાતો કહે છે કે તેમને નાયબ મુખ્યમંત્રી પણ નિયુક્ત કરવામાં આવી શકે છે. તેઓ લાંબા સમયથી આરએસએસ સાથે જોડાયેલા છે અને બંગાળમાં ભાજપ પ્રમુખ તરીકે સેવા આપી છે. તેઓ ખડગપુર સદરથી ધારાસભ્ય છે.
મમતા બેનર્જી શપથ સમારોહમાં હાજર ન રહ્યા
મમતા બેનર્જી શપથ ગ્રહણ સમારોહમાં હાજર ન રહેતા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજકીય ગતિવિધિઓમાં વધારો થવા વચ્ચે ભૂતપૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીના કાલીઘાટ નિવાસસ્થાનની બહાર સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. ભાજપે રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં ઐતિહાસિક જીત નોંધાવી છે, જેમાં તૃણમૂલ કોંગ્રેસના 15 વર્ષના શાસનનો અંત આવ્યો છે.
પીએમ મોદીએ માખનલાલ સરકારનું સન્માન કર્યું
પીએમ મોદી અને સુવેન્દુ અધિકારીએ સૌપ્રથમ ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સુવેન્દુ અધિકારી શપથ લે તે પહેલા પીએમ મોદીએ માખનલાલ સરકારનું શાલ ઓઢાડીને સન્માન કર્યું અને તેમના ચરણ સ્પર્શ કર્યા હતા. તેઓ શ્યામા પ્રસાદ મુખર્જીના સાથી હતા. પીએમ મોદીએ તેમને લાંબા સમય સુધી માખનલાલ સરકારને ગળે લગાવ્યા હતા. બાદમાં મિથુન ચક્રવર્તીની બાજુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેઠા હતા. ભીડમાં ભારે ઉત્સાહ હતો, તેઓ રૂમાલ લહેરાવી રહ્યા હતા.
શ્યામા પ્રસાદ મુખર્જીના સપનાઓને પૂર્ણ કરીશુંઃ દિલીપ ઘોષ
ભાજપના વરિષ્ઠ નેતા દિલીપ ઘોષે કહ્યું કે પશ્ચિમ બંગાળમાં બનનારી પાર્ટીની પહેલી સરકાર લોકોની આકાંક્ષાઓ અને ભારતીય જનસંઘના સ્થાપક શ્યામા પ્રસાદ મુખર્જીના સપનાઓને પૂર્ણ કરશે. રાજ્યમાં ભાજપ સરકારના શપથ ગ્રહણ સમારોહ પહેલા બોલતા, ખડગપુર સદર ધારાસભ્ય ઘોષે કહ્યું કે પાર્ટીએ પૂર્વીય ક્ષેત્રમાં રાજકીય પરિવર્તન લાવવા માટે લાંબા સમય સુધી સંઘર્ષ કર્યો હતો. હવે પરિણામો આવી ગયા છે અને સત્તા બદલાઈ ગઈ છે. આપણે લોકોની ઇચ્છાઓ અને શ્યામા પ્રસાદ મુખર્જીના સપનાઓને પૂર્ણ કરવા માટે કામ કરવું પડશે. તેમણે ઉમેર્યું કે નવી સરકાર રાજ્યમાં "તૃણમૂલ કોંગ્રેસના કુશાસન" સામે પાર્ટીના સંઘર્ષ દરમિયાન પોતાનો જીવ ગુમાવનારા ભાજપના કાર્યકરોને શ્રદ્ધાંજલિ આપશે.