BREAKING NEWS

ભારે વરસાદને પગલે TAT-HS મુખ્ય પરીક્ષા ૮ ઓગસ્ટે લેવાશે

  • August 01, 2026 10:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આયોજિત “શિક્ષક અભિરુચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક) - ૨૦૨૬” ની ગુજરાતી માધ્યમની મુખ્ય પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉના કાર્યક્રમ અને જાહેરનામા મુજબ આ મુખ્ય કસોટી ૨ ઓગસ્ટના રોજ સમગ્ર રાજ્યમાં યોજાનાર હતી. જોકે, હાલમાં હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની કરાયેલી આગાહી, વિદ્યાર્થીઓ અને ઉમેદવારોની રજૂઆતો તેમજ રાજ્ય સરકારના માર્ગદર્શનને ધ્યાનમાં રાખીને પરીક્ષાની તારીખ લંબાવવાનો મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા પરિપત્ર મુજબ, હવે આ મુખ્ય પરીક્ષા આગામી ૮ ઓગસ્ટ, શનિવારના રોજ યોજાશે. પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે પરંતુ મૂળ જાહેરનામાની અન્ય તમામ બાબતો અને જોગવાઈઓ યથાવત રહેશે. બોર્ડ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે પરીક્ષાના સમય અને પરીક્ષા કેન્દ્રમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી. આથી ઉમેદવારોએ નવી હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની રહેશે નહીં, પરંતુ તેઓ અગાઉ ડાઉનલોડ કરેલી હોલ ટિકિટમાં દર્શાવેલ સમય અને કેન્દ્ર પર જઈને જ પરીક્ષા આપી શકશે. પરીક્ષા સંબંધિત અન્ય વિગતો માટે બોર્ડની અધિકૃત વેબસાઈટ જોતા રહેવાની સલાહ આપવામાં આવી છે.અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યની ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી માટે દ્વિ-સ્તરીય પરીક્ષા પદ્ધતિ (પ્રાથમિક અને મુખ્ય) અમલમાં છે. પ્રથમ તબક્કા તરીકે યોજાયેલી પ્રાથમિક પરીક્ષા ૨૦૦ ગુણની હેતુલક્ષી આધારિત હતી. જેમાં ગુજરાતી માધ્યમના ૧,૬૦,૧૮૨ જેટલા ઉમેદવારો નોંધાયા હતા, જ્યારે અન્ય માધ્યમના મળી કુલ ૧,૬૫,૦૨૪ ઉમેદવારો નોંધાયા હતા. આ પરીક્ષામાં સમગ્ર રાજ્યમાંથી ૧,૪૭,૫૨૦ ઉમેદવારો હાજર રહ્યા હતા અને ૧૭,૫૦૪ ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા.દરમિયાન, રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રાથમિક પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું હતું, જેમાં ૫૧,૯૭૧ ઉમેદવારો મુખ્ય પરીક્ષા માટે લાયક બન્યા છે. આ ઉમેદવારો પૈકી ગુજરાતી માધ્યમના ઉમેદવારોની સંખ્યા ૫૦,૦૬૬ જેટલી હતી, જેથી આ ઉમેદવારોની પરીક્ષા હવે ૮ ઓગસ્ટના રોજ લેવાનું બોર્ડ દ્વારા નક્કી કરાયું છે. મુખ્ય પરીક્ષામાં વિષય પદ્ધતિ અને ભાષાકીય ક્ષમતાનું ઊંડાણપૂર્વક મૂલ્યાંકન કરવામાં આવે છે.રાજ્યમાં ચોમાસાની વર્તમાન સ્થિતિને ધ્યાને રાખી બોર્ડ દ્વારા પરીક્ષા પાછી ઠેલાતા હજારો ઉમેદવારોને મોટી રાહત મળી છે અને તેમને આખરી તૈયારીઓ માટે વધારાનો સમય પ્રાપ્ત થયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application