BREAKING NEWS

મહિલા T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયા જાહેર: હરમનપ્રીતની કેપ્ટનશીપમાં ટીમ મેદાને, યસ્તિકા ભાટિયાની ધમાકેદાર વાપસી

  • May 02, 2026 08:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઇંગ્લેન્ડમાં યોજાનારા મહિલા T20 વર્લ્ડ કપ ૨૦૨૬ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. ગયા વર્ષે વન-ડે વર્લ્ડ કપ જીતીને ઇતિહાસ રચનાર ભારતીય મહિલા ટીમ હવે T20 ફોર્મેટમાં પણ વિશ્વવિજેતા બનવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે. હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપ હેઠળ પસંદ કરવામાં આવેલી આ ૧૫ સભ્યોની ટીમમાં અનુભવ અને યુવા પ્રતિભાનો સુમેળ જોવા મળી રહ્યો છે.


ટીમમાં મહત્વના ફેરફારો
આ ટીમની સૌથી મોટી ખાસિયત બે વર્ષ બાદ વિકેટકીપર-બેટ્સમેન યસ્તિકા ભાટિયાની વાપસી છે. ઈજાઓ અને ફોર્મને કારણે લાંબા સમયથી બહાર રહેલી યસ્તિકાની વાપસી ટીમને મજબૂતી આપશે. બીજી તરફ, WPL ૨૦૨૬માં શાનદાર પ્રદર્શન કરનાર ફાસ્ટ બોલર નંદની શર્માને પ્રથમ વખત ટીમમાં તક મળી છે. જોકે, ટીમની પસંદગીમાં કેટલાક ચોંકાવનારા નિર્ણયો પણ લેવામાં આવ્યા છે, જેમાં વન-ડે વર્લ્ડ કપની સ્ટાર ઓપનર પ્રતિકા રાવલ, સ્નેહ રાણા, અમનજોત કૌર અને હરલીન દેઓલનો સમાવેશ કરવામાં આવ્યો નથી.


વર્લ્ડ કપ અને ભારતનું શેડ્યૂલ

બીસીસીઆઈ (BCCI) ની સીનિયર મહિલા પસંદગી સમિતિ દ્વારા આ ટીમની જાહેરાત શનિવારે કરવામાં આવી હતી. આ ટૂર્નામેન્ટ ૧૨ જૂનથી શરૂ થશે. ટીમ ઇન્ડિયા પોતાના અભિયાનની શરૂઆત ૧૪ જૂને કટ્ટર હરીફ પાકિસ્તાન સામેની હાઈ-વોલ્ટેજ મેચથી કરશે. વર્લ્ડ કપ પહેલા ટીમ ઈંગ્લેન્ડ સામે ત્રણ T20 મેચની સિરીઝ પણ રમશે.


T20 વર્લ્ડ કપ માટે ભારતની ટીમ
હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), શેફાલી વર્મા, જેમિમા રોડ્રિગ્સ, દીપ્તિ શર્મા, રિચા ઘોષ (વિકેટકીપર), અરુંધતી રેડ્ડી, રેણુકા સિંહ, ક્રાંતિ ગૌર, શ્રી ચરણી, શ્રેયંકા પાટિલ, ભારતી ફૂલમાલી, યસ્તિકા ભાટિયા (વિકેટકીપર), નંદની શર્મા, રાધા યાદવ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application