રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે રમાયેલી ચાર દિવસીય અંડર-19 યુથ ટેસ્ટ મેચમાં ભારતીય અંડર-19 ટીમે ઓસ્ટ્રેલિયા સામે 48 રને ભવ્ય વિજય મેળવ્યો છે. 27 સપ્ટેમ્બરથી શરૂ થયેલી આ રોમાંચક મેચમાં ભારતીય ટીમે બેટિંગ અને બોલિંગ બંને ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને મેદાન માર્યું હતું.ભારતીય ઇનિંગ્સનો મુખ્ય હીરો ઓપનર લક્ષ્યદિપ રાયચંદાણી રહ્યો હતો. જેણે બેવડી સદી ફટકારતા તેમને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.
ટોસ જીતીને પ્રથમ ઇનિંગ્સમાં બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન અંડર-19 ટીમ ભારતીય બોલરો સામે સંઘર્ષ કરતી જોવા મળી હતી અને સમગ્ર ટીમ 217 રનના સ્કોરે ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી કેટલે 198 બોલમાં 102 રન અને હોલિકે 160 બોલમાં 59 રનનું મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. ભારત તરફથી શાનદાર બોલિંગ કરતા ઈશાન ઓમે 24.5 ઓવરમાં માત્ર 53 રન આપીને 5 વિકેટ ઝડપી હતી, જ્યારે મોહિત ઉલવાએ 12 ઓવરમાં 37 રન આપીને 3 વિકેટ મેળવી ઓસ્ટ્રેલિયાને મોટા સ્કોર તરફ જતા રોક્યું હતું.
ઓસ્ટ્રેલિયાના 217 રનના જવાબમાં પ્રથમ ઇનિંગ્સમાં ભારતીય ટીમે ધમાકેદાર શરૂઆત કરી હતી. ભારતે 102.3 ઓવરમાં 10 વિકેટ ગુમાવીને 494 રનનો વિશાળ સ્કોર ખડકી દીધો હતો. ભારતીય ઇનિંગ્સનો મુખ્ય હીરો ઓપનર લક્ષ્યદિપ રાયચંદાણી રહ્યો હતો, જેણે ઓસ્ટ્રેલિયન બોલરોની આકરી કસોટી કરતા 281 બોલમાં 24 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 240 રનની યાદગાર બેવડી સદી ફટકારી હતી. આ ઉપરાંત મોહિત ઉલવાએ વિસ્ફોટક રમત દાખવતા 84 બોલમાં 10 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે 92 રન તેમજ યશવર્ધન ચૌહાણે 80 બોલમાં 54 રનની અડધી સદી ફટકારીને ભારતને 277 રનની મજબૂત સરસાઈ અપાવી હતી.
બીજી ઇનિંગ્સમાં 277 રનથી પાછળ રહીને બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમે વળતી લડત આપવાનો પ્રયાસ કર્યો હતો. બ્લેક કેટલે 114 બોલમાં 16 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે 123 રનની આક્રમક સદી ફટકારી હતી. તેના સિવાય નીલ પટેલે 41 રન અને કોનર ગ્રેગરીએ 36 રનનું યોગદાન આપ્યું હતું, પરંતુ ટીમ 59.4 ઓવરમાં 229 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી.
ભારત તરફથી બીજી ઇનિંગ્સમાં સ્પિનર યશવર્ધન ચૌહાણે ઘાતક બોલિંગ કરતા 19.4 ઓવરમાં 75 રન આપીને 6 વિકેટ ઝડપી હતી અને સમગ્ર મેચમાં કુલ 8 વિકેટ પોતાના નામે કરી હતી. તેની સાથે ઈશાન ઓમે બીજી ઇનિંગ્સમાં 18 ઓવરમાં 62 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. ઈશાને મેચની બંને ઇનિંગ્સ મળીને કુલ 9 વિકેટ (પ્રથમ ઇનિંગ્સમાં 5 અને બીજી ઇનિંગ્સમાં 4) ઝડપીને ભારતીય જીતમાં મોટું યોગદાન આપ્યું હતું.
પ્રથમ ઇનિંગ્સમાં જંગી સરસાઈ મેળવ્યા બાદ ઓસ્ટ્રેલિયાને બીજી ઇનિંગ્સમાં 229 રનમાં સમટી લેતા ભારતે આ યુથ ટેસ્ટ 48 રનથી પોતાના નામે કરી લીધી હતી. મેચમાં 240 રનની શ્રેષ્ઠ બેવડી સદી ફટકારનાર ભારતના ઓપનર લક્ષ્યદિપ રાયચંદાણીને શાનદાર બેટિંગ પ્રદર્શન માટે 'પ્લેયર ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવ્યો હતો.