BREAKING NEWS

ગુજરાતમાં ઠંડીની જમાવટ: 11.4 ડિગ્રી સાથે અમરેલી ઠુંઠવાયું, રાજ્યના 7 શહેરોમાં પારો 15 ડિગ્રીથી નીચે ગગડ્યો

  • November 22, 2026 11:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં હવે શિયાળાની ઠંડીનો ચમકારો સ્પષ્ટપણે વર્તાઈ રહ્યો છે. રાજ્યના અનેક શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો નીચે ગગડતાં વહેલી સવારે અને મોડી રાત્રે લોકોને ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ગત રાત્રિએ અમરેલીમાં 11.4 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું, જેની સાથે અમરેલી સમગ્ર રાજ્યમાં સૌથી ઠંડું શહેર બન્યું હતું. અમરેલી ઉપરાંત રાજ્યના કુલ 7 શહેરોમાં તાપમાન 15 ડિગ્રીથી નીચે નોંધાતા લોકો ગરમ વસ્ત્રોમાં સજ્જ જોવા મળ્યા હતા.


રાજ્યના 7 શહેરોમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન, ગાંધીનગરમાં સિઝનની સૌથી વધુ ઠંડી

હવામાન વિભાગના આંકડા અનુસાર, ગત રાત્રિએ રાજ્યના જે 7 શહેરોમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસથી નીચે ગયું હતું, તેમાં અમરેલી (11.4 ડિગ્રી) ઉપરાંત નલિયા, ગાંધીનગર, રાજકોટ, વડોદરા, જૂનાગઢ અને પોરબંદરનો સમાવેશ થાય છે. પાટનગર ગાંધીનગરમાં 12 ડિગ્રી સેલ્સિયસ અને અમદાવાદમાં 16 ડિગ્રી સેલ્સિયસ સાથે વર્તમાન સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં દિવસનું મહત્તમ તાપમાન પણ 30.2 ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 2.4 ડિગ્રી જેટલું નીચું રહ્યું હતું.


ઉત્તર ભારતના ઠંડા પવનોને કારણે તાપમાનમાં 2 થી 5 ડિગ્રીનો ઘટાડો

હવામાન નિષ્ણાતોના મતે ગુજરાતમાં અચાનક ઠંડીનો ચમકારો વધવા પાછળ મુખ્યત્વે ઉત્તર ભારતના ઠંડા પ્રદેશો—જેમ કે રાજસ્થાન, પંજાબ અને હરિયાણા—તરફથી ફૂંકાતા ઠંડા અને સૂકા પવનો તેમજ વાતાવરણમાં આવેલા ફેરફારો જવાબદાર છે. નવેમ્બર મહિનાના શરૂઆતના દિવસોમાં ઠંડીની અસર નહિવત્ હતી, પરંતુ પવનની દિશા બદલાતાં જ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 5 ડિગ્રી સેલ્સિયસ સુધીનો નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.


આગામી ચાર દિવસમાં ઠંડીથી આંશિક રાહત મળવાની આગાહી

જોકે, ઠંડીના આ ચમકારા વચ્ચે હવામાન વિભાગ દ્વારા રાહતના સમાચાર પણ આપવામાં આવ્યા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી ચાર દિવસ દરમિયાન રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં તબક્કાવાર 4 ડિગ્રી સુધીનો વધારો થઈ શકે છે, જેના કારણે ઠંડીમાં આંશિક રાહત મળવાની શક્યતા છે. જ્યારે આગામી એક સપ્તાહ દરમિયાન અમદાવાદ શહેરનું લઘુત્તમ તાપમાન 17 થી 20 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહે તેવું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.


ક્યાં સૌથી નીચું તાપમાન નોંધાયું?

અમરેલીઃ ૧૧.૪

નલિયાઃ ૧૧.૮

ગાંધીનગરઃ ૧૨.૦

રાજકોટઃ ૧૩.૨

વડોદરાઃ ૧૩.૪

જૂનાગઢઃ ૧૪.૦

પોરબંદરઃ ૧૪.૦

અમદાવાદઃ ૧૬.૦

ડીસાઃ ૧૬.૦

હિંમતનગરઃ ૧૬.૦

સુરેન્દ્રનગરઃ ૧૬.૪

સુરતઃ ૧૬.૬

ભાવનગરઃ ૧૬.૮

દાહોદઃ ૧૭.૦

વલસાડઃ ૧૭.૦

કંડલાઃ ૧૭.૨

ભુજઃ ૧૭.૩

દ્વારકાઃ ૧૯.૧



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application