BREAKING NEWS

તહેવારોની સીઝનમાં કામચલાઉ નોકરીઓમાં 20% સુધીનો વધારો

  • August 13, 2026 10:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આગામી તહેવારોની સીઝનને ધ્યાનમાં રાખીને દેશભરમાં ગ્રાહકોની ખરીદી અને માંગમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. આ વધતી માંગને પહોંચી વળવા માટે વિવિધ ક્ષેત્રની કંપનીઓ મોટા પાયે તૈયારીઓ કરી રહી છે. એક તરફ કંપનીઓ ગ્રાહકોને આકર્ષવા માટે અવનવી અને લોભામણી ઓફરો રજૂ કરવાની યોજના બનાવી રહી છે, તો બીજી તરફ વેરહાઉસ, સ્ટોર, લોજિસ્ટિક્સ અને ડિલિવરી જેવા ખાસ કૌશલ્ય ધરાવતા પદો પર કર્મચારીઓની ભરતી ઝડપથી વધારી રહી છે. ટીમલીઝ સર્વિસિઝના તાજેતરના 'ફેસ્ટિવ સીઝન વર્કફોર્સ રિપોર્ટ-2026' અનુસાર, આ વર્ષે તહેવારો દરમિયાન અસ્થાયી (ટેમ્પરરી) નોકરીઓમાં 15 થી 20 ટકા સુધીનો મોટો વધારો થવાની ધારણા છે. આ ભરતી મુખ્યત્વે સંગઠિત રિટેલ, ઈ-કોમર્સ, ક્વિક-કોમર્સ, લોજિસ્ટિક્સ, એફએમસીજી અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ (ટકાઉ ઉપભોક્તા વસ્તુઓ) જેવા ક્ષેત્રોમાં સૌથી વધુ જોવા મળશે. ગત વર્ષની સરખામણીમાં આ તમામ ક્ષેત્રોમાં કર્મચારીઓની માંગ નોંધપાત્ર રીતે વધી છે. આ વર્ષની સીઝનનું એક મહત્વનું પાસું મહિલા કર્મચારીઓની વધતી માંગ છે. રિપોર્ટ મુજબ, મહિલાઓની ભરતીમાં લગભગ ત્રણ ગણો વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને 'મિડ-માઇલ' અને 'લાસ્ટ-માઇલ' વર્કફોર્સની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે મહિલા વેરહાઉસ સ્ટાફ અને મહિલા ડિલિવરી કર્મચારીઓની માંગમાં અભૂતપૂર્વ ઉછાળો આવ્યો છે. ટીમલીઝ સર્વિસિઝના વર્કિંગ સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ બાલાસુબ્રમણ્યમ એ. ના જણાવ્યા અનુસાર, હવે તહેવારોની સીઝનમાં ભરતી માત્ર કર્મચારીઓની સંખ્યા વધારવા પૂરતી સીમિત નથી રહી. કંપનીઓ હવે ચોક્કસ જરૂરિયાત મુજબની અને યોગ્ય કૌશલ્ય ધરાવતી ભરતી (સચોટ ભરતી) પર વધુ ભાર મૂકી રહી છે. કંપનીઓ કામની ગતિ, ઉત્પાદકતા અને ગ્રાહક અનુભવને સમાન મહત્વ આપી રહી છે, જેના કારણે વિશેષ કામગીરી સાથે જોડાયેલા પદોની માંગમાં વધારો થયો છે. તહેવારો દરમિયાન કામગીરી સુચારૂ અને અટક્યા વગર ચાલે તે માટે કંપનીઓ કર્મચારીઓને આપવામા આવતા ઇન્સેન્ટિવ્સ, ઓનલાઇન ભરતી પ્રક્રિયા અને સ્ટાફના તાલીમ (ટ્રેનિંગ) પાછળ વધુ રોકાણ કરી રહી છે. વધુમાં, કુશળ અને અનુભવી કર્મચારીઓને આકર્ષવા માટે વર્ષ 2026ના બીજા છ મહિનામાં આવા અસ્થાયી કર્મચારીઓના વેતનમાં 8 થી 10 ટકા સુધીનો વધારો થવાની શક્યતા દર્શાવવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application