BREAKING NEWS

ટ્રમ્પના સીઝફાયરનું 45 દિવસમાં સુરસુરિયું, થાઇલેન્ડે કંબોડિયા પર કરી ફરી એરસ્ટ્રાઇક

  • December 08, 2025 11:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચે ફરી હિંસા ભડકી ઉઠી છે. થાઇલેન્ડે કંબોડિયા સરહદ પર વધુ એક હવાઈ હુમલો કર્યો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ બંને દેશો વચ્ચે યુદ્ધવિરામની મધ્યસ્થી કરી હતી. જોકે 45 દિવસ પછી ટ્રમ્પના સીઝફાયરનું સુરસુરિયું થઈ જતા થાઇલેન્ડે હવે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરીને હવાઈ હુમલો કર્યો છે. જોકે, બંને દેશોએ એકબીજા પર યુદ્ધવિરામનો ભંગ કરવાનો આરોપ લગાવ્યો છે.

થાઈ લશ્કરના એક અધિકારીએ જણાવ્યું હતું કે, કંબોડિયન લશ્કરી સ્થળો પર હવાઈ હુમલા સોમવારે સવારે થયેલા હુમલાનો જવાબ હતો જેમાં એક થાઈ સૈનિકનું મોત થયું હતું અને બે અન્ય ઘાયલ થયા હતા. થાઈ લશ્કરે જણાવ્યું હતું કે પૂર્વીય પ્રાંત ઉબોન રત્ચાથાનીના બે વિસ્તારોમાં હિંસા ફાટી નીકળી હતી, જેમાં એક થાઈ સૈનિકનું મોત થયું હતું અને ચાર ઘાયલ થયા હતા. થાઈલેન્ડે કંબોડિયા પર હવાઈ હુમલા કરીને જવાબ આપ્યો હતો.

એક નિવેદનમાં, કંબોડિયન સંરક્ષણ મંત્રાલયે હવાઈ હુમલાઓની પુષ્ટિ કરતા કહ્યું કે, આજે સવારે લગભગ 5:04 વાગ્યે, થાઈ દળોએ પ્રેહ વિહાર પ્રાંતના એન સેસ વિસ્તારમાં કંબોડિયન દળો પર હુમલો કર્યો હતો.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કંબોડિયાએ બદલો લીધો નથી. કંબોડિયાએ એમ પણ કહ્યું છે કે તે થાઈ પક્ષ દ્વારા કરવામાં આવેલા અમાનવીય અને બર્બર કૃત્યોની સખત નિંદા કરે છે. કંબોડિયાએ એમ પણ કહ્યું છે કે થાઈલેન્ડ દ્વારા કરવામાં આવેલા હુમલાથી 26 ઓક્ટોબરના રોજ હસ્તાક્ષરિત યુદ્ધવિરામનું ઉલ્લંઘન થયું છે.

થાઈ સૈન્યએ કહ્યું કે કંબોડિયાએ ગત રાત્રે લગભગ ત્રણ વાગ્યે (સ્થાનિક સમય) થાઈ સરહદને નિશાન બનાવવાનું શરૂ કર્યું હતું. એક અલગ નિવેદનમાં, કંબોડિયન સૈન્યએ આરોપ લગાવ્યો કે થાઈ દળોએ લગભગ 5:04 વાગ્યે (સ્થાનિક સમય) કંબોડિયન દળો પર હુમલો કર્યો.

જુલાઈમાં બંને દેશો વચ્ચે સરહદ વિવાદ ફાટી નીકળ્યો હતો. જેના કારણે પાંચ દિવસનું યુદ્ધ થયું હતું. ત્યારબાદ મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહિમ અને ટ્રમ્પ દ્વારા યુદ્ધવિરામની મધ્યસ્થી કરવામાં આવી હતી. ઓક્ટોબરમાં કુઆલાલંપુરમાં બંને નેતાઓએ બંને દેશો વચ્ચે શાંતિ કરાર કર્યો હતો.

જુલાઈમાં બંને દેશો વચ્ચે અથડામણો વધી હતી. બંને પડોશીઓએ એકબીજા પર રોકેટ છોડ્યા હતા. આ હુમલાઓમાં ઓછામાં ઓછા 48 લોકો માર્યા ગયા હતા અને લગભગ 300,000 લોકો અસ્થાયી રૂપે વિસ્થાપિત થયા હતા.

થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે સરહદ વિવાદ છે. આ વિવાદ લાંબા સમયથી ચાલતો આવેલો છે. તે પ્રદેશમાં ફ્રેન્ચ વસાહતી શાસન દરમિયાન દોરવામાં આવેલા નકશાઓના જૂના સરહદ વિવાદો પર કેન્દ્રિત છે. બંને દેશો સરહદ પર સ્થિત અનેક મંદિરોનો દાવો કરે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application