BREAKING NEWS

ગુજરાત સરકારે નવી ઔદ્યોગિક નીતિ-૨૦૨૬ના નિયમો જાહેર કર્યા, 85% સ્થાનિક કર્મચારીઓ રાખવા પડશે

  • September 15, 2026 11:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત સરકારે નવી ઔદ્યોગિક નીતિ-૨૦૨૬ જાહેર કર્યાના લગભગ બે મહિના બાદ હવે તેના અમલીકરણ માટેના નિયમો અને શરતો પણ સત્તાવાર રીતે જાહેર કરી છે. નવી નીતિ હેઠળ ઉદ્યોગોને પ્રોત્સાહન મેળવવા માટે કઈ શરતો પૂર્ણ કરવી પડશે તેની સ્પષ્ટતા થતાં રાજ્યમાં નવા રોકાણ અને રોજગારી સર્જનને વેગ મળવાની અપેક્ષા છે.

નવી નીતિ મુજબ નીતિના કાર્યકાળ દરમિયાન વ્યવસાયિક ઉત્પાદન શરૂ કરનાર અને નવું ઔદ્યોગિક એકમ સ્થાપનાર પ્રોજેક્ટને ‘નવો પ્રોજેક્ટ’ ગણવામાં આવશે. એટલું જ નહીં, હાલના સ્થળ સિવાય અન્ય સ્થળે કરવામાં આવેલું વિસ્તરણ અથવા વૈવિધ્યકરણ પણ ચોક્કસ શરતોને આધીન નવા એકમ તરીકે ગણાશે.

નવી ઔદ્યોગિક નીતિમાં સ્થાનિક રોજગારી પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. પ્રોત્સાહન મેળવવા માટે ઔદ્યોગિક એકમના તમામ કેટેગરીના કુલ કર્મચારીઓમાંથી ઓછામાં ઓછા ૮૫ ટકા કર્મચારીઓ ગુજરાતમાં વસવાટ કરતા હોવા ફરજિયાત રહેશે. જ્યારે મેનેજમેન્ટ અને સુપરવાઇઝરી કેટેગરીમાં કાર્યરત કર્મચારીઓમાં સ્થાનિક ગુજરાતીઓનું પ્રમાણ ઓછામાં ઓછું ૬૦ ટકા રાખવાનું રહેશે.

જે ઔદ્યોગિક એકમોએ ૧ જૂન, ૨૦૨૬ પહેલાં ઉત્પાદન શરૂ કરી દીધું હોય, તેઓ અગાઉની યોજનાની જોગવાઈ મુજબ લાભ મેળવવા પાત્ર રહેશે. જ્યારે ૧ જૂન પહેલાં ઉત્પાદન શરૂ ન કરનાર એકમો શરતોને આધીન અગાઉની અથવા નવી ઔદ્યોગિક નીતિ-૨૦૨૬ પૈકી કોઈ એક યોજના હેઠળ લાભ મેળવવા અરજી કરી શકશે.

નવી યોજના હેઠળ પ્રોત્સાહન મેળવવા માટે એકમ દ્વારા વાણિજ્યિક ઉત્પાદન શરૂ કરેલું હોવું ફરજિયાત છે. ઉપરાંત, રાજ્ય સરકારની અન્ય કોઈ યોજનામાં સમાન ઘટક માટે પ્રોત્સાહન મેળવનાર એકમને આ નીતિ હેઠળ તે જ ઘટક માટે ફરી લાભ મળશે નહીં. હાલના ઔદ્યોગિક એકમોના વિસ્તરણ માટે પણ કડક માપદંડ નક્કી કરાયા છે. એકમે જમીન સિવાયના ગ્રોસ ફિક્સ્ડ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટની સરખામણીમાં ઓછામાં ઓછું ૫૦ ટકા વધારાનું રોકાણ કરવું પડશે. આ વધારાના રોકાણમાંથી ઓછામાં ઓછું ૬૦ ટકા રોકાણ પ્લાન્ટ અને મશીનરીમાં કરવું જરૂરી રહેશે. સાથે જ વિસ્તરણ બાદ ઉત્પાદનમાં ઓછામાં ઓછો ૫૦ ટકાનો વધારો થવો અનિવાર્ય રહેશે. નવી શરતોના કારણે હવે માત્ર કાગળ પરનું રોકાણ નહીં, પરંતુ વાસ્તવિક ઉત્પાદન, સ્થાનિક રોજગારી અને ઔદ્યોગિક ક્ષમતા વધારતા પ્રોજેક્ટોને પ્રોત્સાહન મળવાની દિશા સ્પષ્ટ થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application