ગુજરાતી સિનેમા જ્યારે પોતાના ગોલ્ડન ફેઝમાંથી પસાર થઈ રહ્યું છે, ત્યારે રંગીલા રાજકોટના દર્શકોનું દિલ જીતવા માટે ફેમિલી એન્ટરટેઈનર ફિલ્મ 'ચટણી'માં લીડ રોલ કરનાર મલ્હાર ઠાકર અને પુજા જોશી ખાસ આજકાલ સાંધ્ય દૈનિકના આંગણે શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા. મલ્હાર ઠાકરે જણાવ્યું હતું કે, ચટણી ફિલ્મ ગામડું અને શહેર વચ્ચેનો સેતુ છે અને પ્યોર ફેમિલી ડ્રામાં જોવા મળશે. 18 સપ્ટેમ્બરે ચટણી ફિલ્મ ગુજરાત અને મુંબઈમાં રિલીઝ થશે. 350 સિનેમામાં રોજના 900 શો રાખવા આવ્યા છે.
મલ્હાક ઠાકરે ચટણી ફિલ્મ વિશે જણાવ્યું હતું કે, ઇફોરયુ એન્ટરટેઇનમેન્ટ દ્વારા પ્રસ્તુત અને બુદ્ધિપ્રિયાય પિક્ચર્સ એલએલપી પ્રોડક્શનના બેનર હેઠળ નિર્માણ પામેલી આ ફિલ્મનું નિર્દેશન 'લવની ભવાઈ' જેવી સુપરહિટ ફિલ્મો આપનાર ડાયરેક્ટર સંદીપ પટેલે કર્યું છે. રાજકોટ ખાતે ફિલ્મની સ્ટારકાસ્ટે ફિલ્મ અંગેનો પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.
મલ્હાર ઠાકરે વધુમાં જણાવ્યું હતું કે, ફિલ્મની કથા ૧૨૫ વર્ષ જૂની કૌટુંબિક પરંપરાગત વાનગી અને ખાસ ચટણીના વારસાને આધુનિક બ્રાન્ડ બનાવવાની એક યુવાનની ઝુંબેશ પર આધારિત છે. પિતાના વિરોધ, સિટી લાઈફના પડકારો અને ધંધાકીય સંઘર્ષ વચ્ચે પોતાની ગૃહિણી માતાના હાથની ચટણીના અસલ સ્વાદને શહેરીજનો સુધી પહોંચાડવાનું તેનું સ્વપ્ન, પ્રેમ અને કૌટુંબિક લાગણીઓની આસપાસ ફિલ્મ ફરે છે. આ ફિલ્મ પરંપરા અને આધુનિકતાના સંગમ સાથે હાસ્ય, પ્રેમ અને પારિવારિક મુલ્યોનું એક મનોરંજક મિશ્રણ પીરસશે.
સંદિપ પટેલ અને હર્ષ શોધન દ્વારા લખાયેલી આ ફિલ્મમાં મલ્હાર ઠાકર અને પૂજા જોશી ઉપરાંત પ્રશાંત બારોટ, હેતલ મોદી, સ્મિત જોશી, પ્રેમલ યાજ્ઞિક, મનિષા ત્રિવેદી અને આકાશ ઝાલા જેવા જાણીતા કલાકારો મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.
મલ્હાર ઠાકરે જણાવ્યું હતું કે, આ ફિલ્મમાં પ્રશાંત મોદી, અમિત વેડાવાલા અને પિંકી વેડાવાલા મુખ્ય પ્રોડ્યુસર છે. તેમની સાથે નિલેશ મોદી અને હર્ષ પટેલ જોડાયા છે, જ્યારે ચટણી ફિલ્મમાં લીડ રોલ કરતા મલ્હાર ઠાકર અને પૂજા જોશી પોતે પહેલીવાર કો-પ્રોડ્યુસર પણ છે. ફિલ્મનું ભારતભરમાં ડિસ્ટ્રિબ્યુશન રૂપા એન્ટરટેઈનમેન્ટ અને ઓવરસીઝ ડિસ્ટ્રિબ્યુશન ઓએમજી પિક્ચર્સ દ્વારા કરવામાં આવી રહ્યું છે. મનોરંજન, લાગણીઓ અને હાસ્યથી ભરપૂર ફિલ્મ 'ચટણી' રાજકોટ સહિત ગુજરાતભરના અને મુંબઈના સિનેમાઘરોમાં ધૂમ મચાવવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.
જેન-ઝીએ ખાસ ફિલ્મ જોવી: મલ્હાર ઠાકર
મલ્હાર ઠાકરે જણાવ્યું હતું કે, ચટણી ફિલ્મમાં પેઢી દર પેઢી ચાલતા ફરસાણના ધંધા સાથે વણાયેલી છે. ફિલ્મમાં આખી વાત પરિવારની છે. ફિલ્મમાં ગામડામાં ફરસાણની પેઢીને યુવાન છોકરો શહેરમાં લઈ જવા માંગે છે પણ તેમના પિતાનો ઈગો વચ્ચે આવે છે તે જોવા મળશે. ફિલ્મનું શુટિંગ ઉત્તર ગુજરાતના વહેલાલ ગામ અને અમદાવાદની પોળોમાં થયું છે. જેન-ઝીએ આ ફિલ્મ ખાસ જોવી જોઈએ. માતા-પિતા પોતાના જેન-ઝી સંતાનોને ફિલ્મ જોવા લઈ જાય કારણ કે, ફિલ્મમાં બે પેઢી વચ્ચેની સમજણ દર્શાવવામાં આવી છે. ફેમિલીના સંઘર્ષની વાત ફિલ્મમાં દર્શાવવામાં આવી છે. આ પાક્કી ગુજરાતી ફિલ્મ છે. પાક્કું જમણ છે અને તમને ચટણી ચાખવાની બહુ મજા આવશે.
શહેરીકરણ થયા પછી ગામડાની વાતો રહી જાય છે
મલ્હાર ઠાકરે ઉમેર્યું હતું કે, ગામડાની વાત છે. ગુજરાતમાં શહેરીકરણ થયા પછી ગામડાની વાતો રહી જાય છે. પેઢી દર પેઢી ચાલતા ફરસાણના ધંધાને ગામડામાંથી શહેરમાં એક્સપાન્ડ કરવા માટે કેવી રીતે લઈ જવો તેમાં છોકરો કેવા પ્રયત્નો કરે છે એ બતાવવામાં આવ્યું છે. તેમાં તેની પ્રેમિકા કેવો સાથ આપે છે તે બતાવવામાં આવ્યું છે. ગુજરાતમાં ફૂડનો બિઝનેસ મોટો છે. તેમાંય ફેમિલીમાં કોઈને સરસ ચટણી બનાવતા આવડતું હોય તેમાં આખો પરિવાર તેને કેવી રીતે સાથ આપે છે મૂળ બતાવવામાં આવ્યું છે. ધંધાદારીઓને તો આ ફિલ્મ જોવાની ખૂબ જ મજા આવશે. કોઈને જીવનમાં નવુ કરવું છે તેમના માટે પણ આ ફિલ્મ જોવી ખૂબ જ મહત્વની છે.
લગ્ન પછી અમારી આ પહેલી ફિલ્મ છે
ઢોલીવુડની સૌથી લોકપ્રિય રિયલ લાઈફ જોડી મલ્હાર ઠાકર અને પૂજા જોશી લગ્ન પછી પ્રથમ વખત મોટા પડદા પર એકસાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આજકાલની મુલાકાત દરમિયાન બંને કલાકારોએ જણાવ્યું હતું કે, રાજકોટના દર્શકો હંમેશા ગુજરાતી સિનેમાને દિલથી પ્રેમ આપે છે. લગ્ન પછી અમારી આ પહેલી ફિલ્મ એકસાથે આવી રહી છે ત્યારે રંગીલા રાજકોટવાસીઓનો ઉત્સાહ જોઈને અમને ખૂબ આનંદ થાય છે. મલ્હારે જણાવ્યું કે, લગ્ન પછી કેવા વિષય સાથે આવીએ કે અમે લોકો સુધી પહોંચી શકીએ તે જોઈને હું અને પુજા ચટણી ફિલ્મમાં સાથે જોવા મળીશું.
ફિલ્મમાં પતિ સાથે રહેવાનો બહુ જ સમય મળ્યોઃ પુજા જોશી
પુજા જોશીએ જણાવ્યું હતું કે, ચટણી ફિલ્મમાં મારા પાત્રનું નામ કાજલ છે. ગામડાની અને સિમ્પલ છોકરી છે. ફિલ્મમાં દેવલનું પાત્ર છે જે મલ્હાર ઠાકર કરી રહ્યા છે તેની સાથેની લવ સ્ટોરી છે. ફરસાણના ધંધામાં દેવલ ચોથી પેઢી છે. દેવલ ગામડામાંથી ફરસાણનો ધંધો શહેરમાં લઈ જવા માંગે છે પણ તેમના પિતા વિરોધ કરે છે. પરંતુ દેવલને કાજલ કેવી રીતે સાથ આપે છે તે આખી સ્ટોરી જોવા મળશે. લગ્ન પછી મલ્હાર સાથે મારી આ પહેલી ફિલ્મ છે એટલે શૂટિંગ દરમિયાન અમને ખૂબ જ મજા આવી હતી. અમે એકબીજાનું શેડ્યુલ એટલું વ્યસ્ત હોય છે કે અમે સાથે સમય પસાર કરી શકતા નથી. પણ ફિલ્મમાં અમને બહુ જ સાથે રહેવાનો સમય મળ્યો હતો.