મદ્રાસ હાઈકોર્ટે ગરીબ અને નબળા વર્ગના બાળકોના શિક્ષણને લગતા મહત્વના ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે શિક્ષણનો અધિકાર કાયદો (આરટીઈ એક્ટ) હેઠળ ખાનગી અને સ્વનિર્ભર શાળાઓમાં પ્રવેશ માત્ર શરૂઆતના ધોરણ એટલે કે ધોરણ-1 સુધી જ મર્યાદિત નથી.
કોર્ટે જણાવ્યું કે 6થી 14 વર્ષની વય ધરાવતા પાત્ર બાળકોને તેમની ઉંમરને અનુરૂપ કોઈપણ ધોરણમાં, ધોરણ-8 સુધી, આરટીઈ હેઠળ પ્રવેશ આપી શકાય છે.
જસ્ટિસ કૃષ્ણન રામાસામીએ પી. મુરુગનની અરજી સ્વીકારતા આ આદેશ આપ્યો હતો. કોર્ટે જિલ્લા શિક્ષણ અધિકારી અને સંબંધિત ખાનગી શાળા સંચાલનને અરજદારના બાળકને આરટીઈ કોટા હેઠળ પ્રવેશ આપવાનો નિર્દેશ કર્યો હતો.
અરજદાર તરફથી જણાવાયું હતું કે તેમના બાળકને આરટીઈ કોટા હેઠળ પ્રવેશ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. બીજી તરફ, રાજ્ય સરકાર તરફથી દલીલ કરવામાં આવી હતી કે આરટીઈ હેઠળ પ્રવેશ માત્ર એન્ટ્રી લેવલ એટલે કે શરૂઆતના ધોરણમાં જ આપી શકાય છે.
કોર્ટે આરટીઈ કાયદાની કલમ 3(1), 3(2) અને 4 સહિતની જોગવાઈઓનો ઉલ્લેખ કરતાં કહ્યું કે કાયદામાં એવી કોઈ સ્પષ્ટ જોગવાઈ નથી કે બાળકને માત્ર એન્ટ્રી લેવલ પર જ પ્રવેશ આપી શકાય.
આરટીઈ હેઠળ ખાનગી શાળાઓમાં પ્રારંભિક કક્ષાઓમાં આર્થિક અને સામાજિક રીતે નબળા વર્ગના બાળકો માટે 25% બેઠકો અનામત રાખવામાં આવે છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે આ કોટાનો લાભ માત્ર શરૂઆતના ધોરણમાં પ્રવેશ વખતે જ મળી શકે છે.
પરંતુ હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે 6થી 14 વર્ષની વય ધરાવતા બાળકને તેની ઉંમરને અનુરૂપ ધોરણમાં, ધોરણ-8 સુધી, આરટીઈ હેઠળ પ્રવેશ આપી શકાય છે. એટલે કે આરટીઈ હેઠળ પ્રવેશ માટે માત્ર એન્ટ્રી લેવલ જ એકમાત્ર વિકલ્પ નથી.
જો કોઈ બાળકને શરૂઆતના ધોરણમાં આરટીઈ હેઠળ પ્રવેશ મળ્યો ન હોય, તો તેની ઉંમર અને શૈક્ષણિક સ્થિતિને અનુરૂપ ધોરણ-8 સુધીની કક્ષામાં પણ આરટીઈ હેઠળ પ્રવેશનો માર્ગ ખુલ્લો રહી શકે છે.