BREAKING NEWS

છેલ્લા નોરતે ખેલૈયાઓના રંગમાં ભંગ પડી શકે, હવામાન વિભાગે કરી વરસાદની આગાહી

  • October 14, 2026 05:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં એક તરફ ઓક્ટોબર મહિનામાં પણ ઉનાળા જેવી આકરી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે, તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 19 ઓક્ટોબરના રોજ રાજ્યના કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે. સક્રિય ટ્રફના કારણે અમરેલી, ભાવનગર, વલસાડ, નવસારી, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. નવરાત્રીના છેલ્લા નોરતા પર સંભવિત વરસાદના કારણે ખેલૈયાઓની મજા બગડી શકે છે અને ઉત્સાહ પર પાણી ફરી વળે તેવી શંકા સેવાઈ રહી છે.


હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના તાપમાનમાં ખાસ કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. રાજ્યમાં ઓક્ટોબર મહિનામાં પણ ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 38.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાતાં છેલ્લા 9 વર્ષ બાદ ઓક્ટોબર મહિનામાં તાપમાન આ ઊંચા સ્તરે પહોંચ્યું છે. આ અગાઉ વર્ષ 2017ના ઓક્ટોબર મહિનામાં અમદાવાદનું મહત્તમ તાપમાન 39.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે વર્ષ 2024ના ઓક્ટોબરમાં મહત્તમ તાપમાન 38.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ચાલુ વર્ષે તાપમાન સામાન્ય કરતાં 2 થી 3 ડિગ્રી વધુ નોંધાઈ રહ્યું છે.


અમદાવાદમાં ગરમીનું જોર વધતા નાગરિકો દિવસે ભારે ઉકળાટ અને પરસેવાથી ત્રસ્ત બન્યા છે. હવામાન વિભાગના અનુમાન અનુસાર આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે. એક તરફ તહેવારોની મોસમમાં અસહ્ય ગરમી અને બીજી તરફ અંતિમ નોરતા પર માવઠાની સંભાવનાએ નાગરિકોની ચિંતામાં વધારો કર્યો છે. તાપમાનનો પારો ઊંચો રહેવાથી લોકોએ આ દિવસોમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application