આજે શેરબજારમાં ફરી એકવાર ભારે કડાકો જોવા મળ્યો હતો. ધીમી શરૂઆત બાદ સેન્સેક્સ અને નિફ્ટીમાં અચાનક ઘટાડો શરૂ થયો અને જેમ જેમ ટ્રેડિંગ આગળ વધ્યું તેમ બંને ઇન્ડેક્સ ધડામ દઈને નીચે પટકાયા. બપોરે 12:00 વાગ્યા સુધીમાં, સેન્સેક્સ ૧૧૬૭ પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 365 પોઈન્ટથી વધુ ઘટીને 22,300ની સપાટીની નીચે આવી ગઈ હતી. બજારની આ ઉથલપાથલ વચ્ચે રિલાયન્સ, આઈટીસી, અદાણી પોર્ટ્સ અને ઈન્ડિગો જેવા મુખ્ય શેરો પત્તાના મહેલની જેમ તૂટી પડ્યા હતા.
બજારમાં આવેલા આ કડાકા પાછળના મુખ્ય કારણોમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ફરી થયેલો વધારો એક મહત્વનું પરિબળ માનવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ ઓઈલના ભાવમાં 2 ટકાથી વધુનો ઉછાળો આવ્યો હતો અને તે પ્રતિ બેરલ 103 ડોલરની સપાટીની નજીક પહોંચી ગયું હતું. ઓઈલના ભાવમાં થયેલા આ વધારાને કારણે ફુગાવા અંગેની ચિંતાઓ વધી છે અને બજારના સેન્ટિમેન્ટ પર નકારાત્મક અસર પડી છે.
ઘટાડા પાછળનું અન્ય એક મુખ્ય કારણ આરબીઆઈનો રેપો રેટ અંગેનો નિર્ણય ગણી શકાય, કારણ કે ત્યારબાદ ઘણી બેંકોએ તેમના ધિરાણ દરોમાં વધારો કર્યો હતો. પીએનબી અને બીઓબીથી લઈને ઈન્ડિયન બેંક સુધીની બેંકોએ ગ્રાહકોને મોટો ફટકો આપ્યો છે. રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો હતો અને આરબીઆઈએ ભવિષ્યમાં પણ દરોમાં વધારો થવાના સંકેત આપ્યા છે. આનાથી બજારના મનોબળ પર નકારાત્મક અસર પડી છે.
અન્ય પરિબળોની વાત કરીએ તો, વિદેશી રોકાણકારો દ્વારા કરવામાં આવેલી વેચવાલીએ રોકાણકારોના મનોબળને સ્પષ્ટપણે અસર કરી છે. અગાઉના ટ્રેડિંગ સેશનમાં, વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ભારતીય શેરબજારમાં રૂ. 6,000 કરોડથી વધુના શેર વેચ્યા હતા. ચોથું પરિબળ એશિયન બજારોમાં જોવા મળેલો ઘટાડો છે. જાપાનનો નિક્કી લગભગ 1,000 પોઈન્ટ્સ ગગડ્યો, હોંગકોંગનો હેંગ સેંગ 350 પોઈન્ટ્સ ઘટ્યો અને દક્ષિણ કોરિયાનો કોસ્પી લગભગ 3 ટકા તૂટ્યો. સેન્સેક્સ અને નિફ્ટી માટે મુખ્ય સૂચક ગણાતા 'ગિફ્ટ નિફ્ટી' માં પણ મોટો ઘટાડો જોવા મળ્યો અને આ અહેવાલ લખાય છે તે સમયે તે 250 પોઈન્ટ્સથી વધુના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો.