યાંત્રિક રાઇડ્સ માટેના ૩૪ પ્લોટની હરાજીમાં તંત્રએ આશરે ૧૦ ટકા વધુ આવક કરી
યાંત્રિક રાઇડ્સ માટેના ૩૪ પ્લોટની હરાજીમાં તંત્રએ આશરે ૧૦ ટકા વધુ આવક કરી
August 05, 2026 02:52 PM
જન્માષ્ટમી લોકમેળા માટેની યાંત્રિક રાઇડ્સ માટે આજરોજ હરાજી હતી. જેમાં પાંચ કેટેગરીના કુલ ૩૪ પ્લોટની ૧૦૦ ટકા સફળતાપૂર્વક હરાજી પૂર્ણ થઈ છે. તંત્રએ નક્કી કરેલા અપસેટ ભાવ કરતા આશરે ૧૦ ટકા વધુ રમક મેળવવામાં વહીવટી તંત્ર સફળ રહ્યું હતું. જોકે તંત્ર દ્વારા નક્કી કરેલા સમય કરતા હરાજી પ્રક્રિયા આશરે ૧ કલાક જેટલી મોડી શરૂ થઈ હતી. તેમજ કચેરીના પટાંગણમાં વેપારીઓ વચ્ચે કાનાફૂસી જોવા મળી હતી. રાજકોટ દક્ષિણ મામલતદાર કચેરી ખાતે આજરોજની હરાજી સવારે ૧૧-૧૧:૩૦થી શરૂ થવાની હતી. પરંતુ બપોરે ૧૨ વાગ્યા સુધી વેપારીઓ હરાજીની જગ્યાએ આવ્યા જ નહીં અને કચેરીના કમ્પાઉન્ડમાં કોઈ વાતને લઈને ચર્ચા વિચારણામાં વ્યસ્ત રહ્યા. જે બાદ વહીવટી તંત્રએ હરાજી શરૂ કરવા માટેના બે કોલ આપતા આશરે ૩૦ જેટલા વેપારીઓ હરાજીમાં ભાગ લેવા પહોંચ્યા હતા. જે બાદ વિધિવત હરાજી શરૂ થઈ હતી. હરાજી શરૂ થતા વેપારીઓએ મેળામાં પાથરણાવાળાથી ઘણી મુશ્કેલી થતું હોવાનું જણાવ્યું હતું. જે બાબતે આ વખતે કોઈ પ્રશ્ન ન સર્જાય તેના માટે તંત્રને વિનંતી કરવામાં આવી હતી. જોકે ઉપસ્થિત અધિકારીએ તમામ રજૂઆતને અલગથી સાંભળવામાં આવશે તેમજ વેપારીઓની મુશ્કેલીનું નિરાકરણ કરવામાં આવશે તેવું આશ્વાશન આપ્યું હતું. તેમજ આજનો સમય ફક્ત હરાજી માટે હોવાનું જણાવી વધુ વિલંબ ન સર્જાય તે માટે ધ્યાન રાખવા કહી હરાજી પ્રક્રિયા શરૂ કરાવી હતી.